Mon Oct 05 2026

Logo

ઝબાન સંભાલ કે: ડોશીમાનો દાબડો ખવડાવે શીરો ને લાડવો

2026-09-20 10:29:00
Author: Henri Shashtri
ઝબાન સંભાલ કે: ડોશીમાનો દાબડો ખવડાવે શીરો ને લાડવો

હેન્રી શાસ્ત્રી

ડોશી - ડોસી એટલે વૃદ્ધ અથવા ઘરડી સ્ત્રી. એની પાસે કદાચ ભણતર ઓછું હોય પણ ગણતર ઘણું હોય, અનુભવનું પોટલું નહીં, પણ પટારો હોય. ડોસીમાનું વૈદું એટલે નાના બાળકોને થતા રોગોના ઉપાય. સમાજની આ વિશિષ્ટ પરંપરા છે. ઘણી વખત આ ઉપાય બહુ જ અસરકારક નીવડે છે  ગુજરાતી લોકસાહિત્યમાં ડોશીમાનો દાબડો ખવડાવે શીરો ને લાડવો કહેવત ખૂબ જાણીતી છે. આ કહેવત પાછળ એક નાની પણ ખૂબ જ સચોટ બોધ આપતી લોકવાર્તા છુપાયેલી છે.

એક ગામમાં વૃદ્ધ ડોશીમા રહેતા હતા. ઉંમર થઈ હોવાથી શરીર સાથ ન આપતું હોવાથી બહુ કામ કરી શકતા નહોતા. તેમની પાસે એક નાનો અને સુંદર દાબડો (લાકડા કે ધાતુની નાની પેટી) હતો. ડોશીમા આ દાબડાને ખૂબ જ સાચવીને રાખતા. દીકરા, વહુ કે બાળકો આવે ત્યારે ડોશીમા છૂપી રીતે એ દાબડો ખોલીને જોઈ હસીને પાછો બંધ કરી દેતા. કુતૂહલવશ સવાલ કરવામાં આવતા તેઓ કહેતા કે 'આ દાબડામાં મારી જિંદગી આખીની કમાણી અને ખૂબ જ કિંમતી ઘરેણાં-રૂપિયા છે. જેની સેવા અને વર્તનથી ખુશ થઈશ, તેને હું આ દાબડો આપીશ.' 

ડોશીમાની વાત લોભામણી હતી. ઘરના દીકરા અને વહુના મનમાં લોભ જાગતા વિચારવા લાગ્યા કે જો ડોશીમાને ખુશ નહીં રાખીએ તો આ કિંમતી દાબડો બીજા કોઈને મળી જશે. આ ધનની લાલચમાં બધી વહુઓ ડોશીમાની ખૂબ સેવા ચાકરી કરવા લાગી. રોજ ભાવતા ભોજન જમાડવામાં આવતા. એ આશય સાથે કે ડોશીમા ખુશ થઈને પેલો દાબડો તેમને આપી દે!જીવ્યા ત્યાં સુધી ડોશીમાએ સુખ ભોગવ્યું. ડોશીમાનું અવસાન થયું ત્યારે આખા પરિવારે ભેગા થઈને ખૂબ જ ઉત્સુકતાથી એ રહસ્યમય દાબડો ખોલ્યો. પણ દાબડો ખોલતા બધા ચોંકી ગયા. દાબડાની અંદર કોઈ સોનું - ઘરેણાં કે રૂપિયા નહોતા, કેવળ થોડા પથ્થર અને ઠીકરાં ભરેલા હતા! સાથે એક નાની ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું 'મારો દાબડો, ખવડાવે શીરો ને લાડવો.'

આ વાર્તા જીવનમાં જોવા મળતા લાલચ અને સ્વાર્થ તરફ આંગળી ચીંધે છે. લાલચ કે સ્વાર્થથી પ્રેરાઈને કામ કરતો માણસ ઘણીવાર છેતરાય છે. વહુઓ પ્રેમથી નહીં પણ ધનની લાલચમાં ડોશીમાને શીરો - લાડવો ખવડાવતી હતી. એના બદલામાં તેમને માત્ર પથ્થરો જ મળ્યા. કહેવતમાં વહેવારુ બુદ્ધિ (ચતુરાઈ) પણ ડોકિયાં કરે છે. ડોશીમાએ વૃદ્ધાવસ્થામાં ચતુરાઈ વાપરી. ધનનો  ભ્રમ ઊભો કરીને જીવનના અંતિમ દિવસો સુખ અને માન-સન્માન સાથે વિતાવ્યા.ટૂંકમાં કોઈ કાલ્પનિક કે ખોટી આશા બતાવીને સ્વાર્થસિદ્ધિ કરી લેવી અથવા ચતુરાઈપૂર્વક પોતાનું કામ કઢાવી લેવું એ આ કહેવતનો ભાવાર્થ છે.


ભાષા વૈભવ

हिन्दी दिवस 


14 सितंबर 1949 को संविधान सभा ने देवनागरी लिपि में लिखी हिंदी को भारत की राजभाषा के रूप में स्वीकार किया था।शुरुआत: देश में पहला हिंदी दिवस आधिकारिक तौर पर 14 सितंबर 1953 को मनाया गया था. ભારતમાં દર વર્ષે ૧૪ સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતીય સંવિધાન સભા દ્વારા દેવનાગરી લિપિમાં લખવામાં આવતી હિન્દી ભાષાને દેશની સત્તાવાર રાજભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ દેશમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનો અને તેના પ્રત્યે જાગરૂકતા લાવવાનો છે. હિન્દી - ગુજરાતી ભાષાના કેટલાક શબ્દોમાં ઘણું સામ્ય જોવા મળે છે. हिंदी में भाई, बहन, मित्र - दोस्त कहा जाता है. ગુજરાતીમાં ભાઈ, બહેન, મિત્ર - દોસ્ત સંબોધન વપરાય છે. हिन्दी में पानी, खाना, घर, किताब - पुस्तक, पवन, कागज़ प्रचलित हैं. આ જ શબ્દો ગુજરાતીમાં પાણી, ખાણું, ઘર, કિતાબ - પુસ્તક,પવન, કાગળ તરીકે જાણીતા છે. રસપ્રદ વાત એ છે કે બંને ભાષામાં રૂઢ થયેલો કિતાબ પુસ્તક મૂળ અરબી છે અને એ જ સ્વરૂપે સમાવેશ થયો છે.

કેટલીક પ્રચલિત કહેવતોના હિન્દી સ્વરૂપ પણ જાણવા જેવા છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એ કહેવત અનેક લોકો જાણતા હશે. હિન્દીમાં આ કહેવત अंधों में काना राजा સ્વરૂપમાં હાજર છે. બંનેનો ભાવાર્થ વિદ્વાનની અછત હોય ત્યાં ઓછી બુદ્ધિવાળો પણ ઉત્તમ ગણાય છે એ જ છે. અધૂરો ઘડો છલકાય ઘણો / ખાલી ચણો વાગે ઘણો કહેવતનો ભાવાર્થ છે ઓછી યોગ્યતા કે જ્ઞાન ધરાવતો માણસ વધુ દેખાવ કરે છે. આ જ ભાવાર્થવાળી હિન્દી કહેવત છે अधजल गगरी छलकत जाए / थोथा चना बाजे घना. સંપ અથવા એકતામાં જ ખરી શક્તિ અને શાંતિ છે ભાવના દર્શાવતી ગુજરાતી કહેવત છે સંપ ત્યાં જંપ. एक और एक ग्यारह होते हैं આ કહેવતનું હિન્દી સ્વરૂપ છે.

આવા બીજા પણ ઘણા ઉદાહરણ છે. ઝાઝી કીડીઓ સાપને તાણે - अकेला चना भाड़ नहीं फोड़ सकता, ડુંગરા દૂરથી રળિયામણા - दूर के ढोल सुहावने होते हैं, પાણી પહેલાં પાળ બાંધવી - आग लगने पर कुआं खोदना વગેરે વગેરે. જોકે, બંને ભાષામાં એવા પણ કેટલાક શબ્દો છે જેના દેખાવમાં ગજબનું સામ્ય છે પણ અર્થમાં ફરક છે. ગુજરાતીમાં દવાખાનું એટલે એવી જગ્યા જ્યાં દર્દીના ઈલાજ - સારવાર કરવામાં આવે. હિન્દીમાં दवाखाना याने जहाँ डॉक्टर की सलाह पर दवाइयाँ दी जाती हैं या बेची जाती हैं. ફાર્મસી અથવા મેડિકલ સ્ટોર. અલબત્ત ઈલાજ કે સારવારના સ્થળનો અર્થ પણ છે. बहार - બહાર વચ્ચેનો તફાવત પણ સમજવા જેવો છે. बहार એટલે વસંત ઋતુ જ્યારે ફૂલો ખીલે અને હરિયાળી છવાઈ જાય. ગુજરાતીમાં બહાર એટલે અંદર નહીં ઘરની કે ઓફિસની બહાર. આ ભાવ સાથેનો હિન્દી શબ્દ છે बाहर. ભાષાઓ મધુર હોવા સાથે મજેદાર પણ હોય છે.