વોશિંગ્ટન: હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની નાકાબંધી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો હોર્મુઝ સ્ટ્રેટ જલદી ખોલવામાં નહીં આવે તો ઈરાન સામે ખૂબ સખત કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે કહ્યું, 'અમે ઈરાન સાથે ખૂબ સારી વાતચીત કરી રહ્યા છીએ.' દરમિયાન, ઈરાને ટ્રમ્પના વાતચીતના દાવાને ફગાવી દીધો. ઓવલ ઓફિસમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાનને છેલ્લી તક આપી રહ્યા છે. હોર્મુઝને ખોલવાની વાત થઈ રહી છે.
ટ્રમ્પે કહ્યું, 'તેઓ જલ્દી નિર્ણય લેશે, ભલે ગમે તે રીતે હોય. આ કોઈ ખૂબ જટિલ વાત નથી. અમે હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની વાત કરી રહ્યા છીએ.' પરંતુ ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા સાથે કોઈ વાતચીત ચાલી રહી નથી. તેહરાનમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઇ જણાવ્યું કે હાલમાં અમે અમેરિકા સાથે કોઈ વાર્તા કરી રહ્યા નથી. તેમણે જણાવ્યું કે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ઇરાકની મુલાકાતે છે. બાકીના તમામ વાર્તાકારો ઈરાનમાં જ છે.
ઈરાન અને ઓમાનમાં હોર્મુઝને લઈને ચાલે છે વાત
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો. તેમણે લખ્યું, 'ઈરાની નેતૃત્વના ડબલ સ્ટાન્ડર્ડ છે. પહેલાં તેઓ બેઠક માટે આજીજી કરે છે અને પછી ખુલ્લેઆમ કહે છે કે કોઈ ચર્ચા નથી થઈ રહી.' ઈસ્માઈલ બકાઈએ કહ્યું કે ઈરાન હોર્મુઝ ને લઇને ઓમાન સાથે વાતચીત કરી રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાન હુમલાના અહેવાલોથી ઘબરાઈ ગયું છે. તેમણે કહ્યું કે આ હુમલો બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો અને સૌથી આકરો હશે. અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર વાત કરવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે ઈરાન અને ઓમાન હોર્મુઝ જળડમરૂમધ્યને ફરીથી ખોલવા માટે એક સમજૂતીની દિશામાં આગળ વધી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો આ સમજૂતી થશે, તો તેનાથી વર્તમાન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં પણ પ્રગતિ થઈ શકે છે.