Sun May 31 2026

Logo

અમેરિકાના પ્રહારથી ઈરાન ઘૂંટણિયે, લશ્કરી કાર્યવાહીને લઈ ટ્રમ્પે કર્યા દાવા

Washington DC   2026-03-07 08:55:00
Author: Tejas Rajpara
Article Image

વોશિંગ્ટન ડીસી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલા સૈન્ય હુમલાઓ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી સેનાના પ્રહારથી ઈરાનની સૈન્ય ક્ષમતા લગભગ શૂન્ય થઈ ગઈ છે. વ્હાઈટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી માત્ર રક્ષણાત્મક નથી, પરંતુ વર્ષોથી અમેરિકી નાગરિકો પર થયેલા અત્યાચારોનો જડબાતોડ જવાબ છે. 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું કે, ઈરાનની આર્મી, નેવી અને કમ્યુનિકેશન સિસ્ટમ હવે સંપૂર્ણપણે નાશ પામી છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ ઓપરેશનને 10માંથી 15 સ્કોર આપતા કહ્યું કે ઈરાન પાસે હવે લડવાની ક્ષમતા બચી નથી. તેમણે ઉમેર્યું કે ઈરાનના ટોચના નેતાઓ પણ આ જંગમાં માર્યા ગયા છે, જેને કારણે ત્યાં નેતૃત્વનું સંકટ ઊભું થયું છે.

ઈરાનના નૌકાદળને થયેલા નુકસાન અંગે વિગતો આપતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન પાસે જે 32 લડાયક જહાજો હતા, તે તમામ હવે સમુદ્રના તળિયે પહોંચી ગયા છે. અમેરિકી સેનાએ ઈરાનના હવાઈ દળને પણ જડમૂળથી ઉખેડી નાખ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રમ્પના મતે, ઈરાની નેતાઓ દ્વારા જે આતંક ફેલાવવામાં આવતો હતો અને જેમાં નિર્દોષ અમેરિકી સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા, આ એ જ પાપનું પરિણામ છે.

ટ્રમ્પે માત્ર ઈરાન જ નહીં પરંતુ વેનેઝુએલામાં થયેલી સૈન્ય કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે B-2 બોમ્બર્સ દ્વારા ઈરાનની પરમાણુ ક્ષમતાને જે રીતે નિશાન બનાવવામાં આવી છે, તેનાથી વિશ્વમાં અમેરિકાનો દબદબો અને સન્માન વધ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈ સહિતના નેતાઓ માર્યા ગયા હતા, જેના જવાબમાં ઈરાને પણ મિસાઈલ હુમલા કર્યા હતા.