Fri Jul 24 2026

Logo

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા કયા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી?

2026-04-09 13:37:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટી પણ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા દિનેશ બાંભણીયાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, સ્થાનિક સ્વરાજની હાલની ચૂંટણી રોકવા અને અનામત નીતિને  પડકારતી મારી અરજી ઉપર આવતીકાલે તારીખ ૧૦/૪/૨૬ ના રોજ સુપ્રીમ કોર્ટે ઓફ ઈન્ડિયામાં સુનાવણી થશે. તેમની પોસ્ટ બાદ આ મુદ્દો રાજકીય મંચો અને જનમાનસમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અનામતની વર્તમાન વ્યવસ્થા સમાનતા અને ન્યાયના સિદ્ધાંતોને પડકારતી હોવાનું માનવામાં આવે છે તેથી તેની ફરી સમીક્ષા જરૂરી છે.

 

 આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર કોઈ સ્થગિતી આદેશ આપવામાં આવે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે. જો કોર્ટ ચૂંટણીને તાત્કાલિક રીતે રોકવાનો નિર્ણય કરે તો તે રાજ્યના રાજકીય દૃશ્યપટ પર નોંધપાત્ર અસર પાડી શકે છે. 27 ટકા અનામતની નીતિ ગુજરાતમાં લાંબા સમયથી અમલમાં છે અને તે વિવિધ વર્ગોને રાજકીય પ્રતિનિધિત્વમાં ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે લાગુ કરવામાં આવી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી આ નીતિ સામે કેટલાક વર્ગોમાં અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

ગાયિકા કિંજલ રબારી ઘરે પરત ફરી ત્યારે પણ કરી હતી પોસ્ટ

તાજેતરમાં લોકગાયિક કિંજલ રબારી તેના ઘરે પરત ફરી ત્યારે પણ દિનેશ બાંભણીયાએ સૂચક પોસ્ટ કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યુંવ્યું કે, જીવનમાં ક્યારેક અજાણતા કે સંજોગોવશાત્ ભૂલ થઈ જતી હોય છે, પરંતુ તે ભૂલને પકડી રાખવાને બદલે તેને સુધારીને સાચા માર્ગે પાછા વળવું એ જ ઉત્તમ નિર્ણય છે. ભૂલ સુધારી નિર્ભય બની સાચા માર્ગે પાછું વળવું જોઈએ. 

સાત વર્ષ પહેલા નીકળ્યું હતું ધરપકડ વોરંટ

પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે સાત વર્ષ પહેલા ધરપકડ વોરંટ કાઢ્યું હતું. જેને પગલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની અટકાયત કરી હતી. અટકાયત બાદ બાંભણિયાને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટે શરતી જામીન આપ્યા અને 1000નો દંડ પણ ફટકાર્યો હતો.