મુંબઈઃ એક તરફ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે નવા નવા રેકોર્ડ બનાવી રહી છે, તો બીજી તરફ એક સીનને લઈને ફિલ્મ પર વિવાદ શરૂ થયો છે. આર. માધવનનો પાત્ર ફિલ્મમાં અનેક જગ્યાએ સિગારેટ પીતો દેખાય છે. આવી સ્થિતિમાં આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, ગુરુ ગોવિંદજીના દસમ ગ્રંથની કેટલીક લાઈનો બોલતી વખતે પણ માધવન સિગારેટ પીતો દેખાયો હતો. જોકે વિવાદ વધતા હવે ખુદ આર. માધવને સામે આવીને સ્પષ્ટતા કરી છે અને સાથે જ તેમણે કહ્યું છે કે, જો અજાણતા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માંગે છે.
વિડિયો શેર કર્યો
ઇન્સ્ટાગ્રામ પર આર. માધવને એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેમણે આ સીનની હકીકત જણાવી છે. આ સાથે માફી પણ માંગી છે. વિડિયોમાં માધવન કહે છે, “ધુરંધર ટીમ તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને એટલો પ્રેમ આપ્યો. અમને સમજાતું નથી કે અમે આભાર કેવી રીતે વ્યક્ત કરીએ. તાજેતરમાં અમને ખબર પડી કે કેટલાક લોકોને આ બાબતથી દુઃખ થયું છે કે ફિલ્મના એક સીનમાં ગુરુ ગોવિંદજીના દસમા ગ્રંથની કેટલીક લાઈનો બોલતી વખતે મેં સિગારેટ પી હતી. તેના કારણે તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે.”
લોકોને ખાતરી આપુ છું.
માધવન આગળ કહે છે, “હું લોકોને ખાતરી આપું છું કે આ વાત બિલકુલ સાચી નથી. થોડું ગેરસમજ છે. કારણ કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સીન દરમિયાન આ લાઈનો બોલતા પહેલાં, આદિત્ય ધરે—જે આ બાબતોનું મારી કરતાં પણ વધારે ધ્યાન રાખે છે—મને કહ્યું હતું કે આ લાઈનો બોલતી વખતે તેનાથી ઘણું પહેલાં તમે સિગારેટ બુઝાવી દેજો. તમારા મોઢામાંથી ધુમાડો પણ નહીં નીકળે, સ્ક્રીન પર ક્યાંય ધુમાડો દેખાશે નહીં અને તમારા હાથમાં પણ સિગારેટ નહીં હોય. કારણ કે આ અમારે માટે ખૂબ જ પવિત્ર છે. તેથી મેં યોગ્ય રીતે સિગારેટ બુઝાવી દીધી હતી.” “જો તમે આ સીન ધ્યાનથી જોશો તો તમને ખાતરી થઈ જશે કે મારા મોઢામાંથી ધુમાડો બહાર નથી આવી રહ્યો,
ફ્રેમમાં કોઈ સિગારેટનો ધુમાંડો નથી
ફ્રેમમાં ક્યાંય સિગારેટનો ધુમાડો નથી દેખાતો અને આખા સીનના અંત સુધી સિગારેટનો કોઈ નિશાન પણ નથી. અમને ખબર છે કે અમે જાણતા કે અજાણતા કોઈની લાગણી દુભાવવી નથી માંગતા. સમગ્ર સીખ સમાજ સાથે અમે હંમેશા ઊભા છીએ અને તેમનો સન્માન કરીએ છીએ. હું તો દરેક ફિલ્મ રિલીઝ પહેલાં ગોલ્ડન ટેમ્પલ જાઉં છું—આ વાત બધાને ખબર છે. તેથી વિશ્વાસ રાખો કે અમારો કોઈને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો અને અમે એવું કર્યું પણ નથી.”
‘જો કોઈને દુઃખ થયું હોય તો માફ કરશો’
તેમણે ફરીથી મુદ્દો સ્પષ્ટ કરતાં કહ્યું, “હું ફરી કહું છું કે સીનની શરૂઆતમાં મારા હાથમાં સિગારેટ હતી, કારણ કે પાત્ર એવું છે. પરંતુ જ્યારે સીન શરૂ થાય છે અને અન્ય લોકો બોલે છે, ત્યારે હું સિગારેટ બુઝાવી દઉં છું. મારો ડાયલોગ આવતાં ઘણાં પહેલાંથી જ આ સીનમાં ક્યાંય ધુમાડો દેખાતો નથી અને સીનના અંત સુધી પણ નથી દેખાતો. તો જો કોઈને જાણતા કે અજાણતા દુઃખ થયું હોય તો મને માફ કરશો. પરંતુ અમે ચોક્કસપણે આવું કર્યું નથી.”