Fri Oct 02 2026

Logo

જ્ઞાનના ત્રણ પ્રકાર: જ્ઞાન- સુજ્ઞાન ને વિજ્ઞાન

2026-09-21 08:03:46
Author: Rajesh Yagnik
જ્ઞાનના ત્રણ પ્રકાર: જ્ઞાન- સુજ્ઞાન ને વિજ્ઞાન

વિશેષ - રાજેશ યાજ્ઞિક

જેમના મૂળિયાં ભારતમાં છે, તેવા પ્રત્યેક ધર્મએ એક સૂરે કહેલી વાત એ છે કે આપણને મળેલું શરીર એ આત્માની અનંતયાત્રામાં એક વાહન માત્રનું કામ કરે છે. પણ આપણે તેને જ જીવન માનીને આત્માને ભૂલી જઈએ છીએ. તેથી એ દરેક ધર્મની ભાષા, રીતરિવાજ કે પરંપરા અલગ હોય તો પણ તેમનો અંતિમ સંદેશ એક જ છે, કે આત્માને ઓળખો. 

શરીરની વાત કરતી વખતે આપણે ત્રણ પ્રકારના શરીર સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર વિશે જાણ્યું. તે ત્રણ શરીરો સાથે સંકળાયેલા જ્ઞાનના ત્રણ તબક્કા છે: જ્ઞાન, સુજ્ઞાન અને વિજ્ઞાન. સત્ય સાઈબાબાએ તેમના એક પ્રવચનમાં આ વિષય પર સરળ ભાષામાં સુંદર પ્રકાશ પાડ્યો હતો. રસિકોને ક્યારેક મોકો મળે તો જરૂર વાંચવું જોઈએ. 

બાહ્ય જગત અને તેના ઘટકોના વ્યવહારમાં રહેલી સમાનતાઓના વિશ્લેષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે `જ્ઞાન' છે. જ્યારે વ્યક્તિ અને સમાજના શ્રેષ્ઠ હિતો સાધવા માટે આ જ્ઞાનનો વધુ અભ્યાસ અને અમલ કરવામાં આવે છે, ત્યારે તે `સુજ્ઞાન' એટલે કે કલ્યાણકારી જ્ઞાન બની જાય છે. દૈવી ગુણોથી પરિપૂર્ણ અને શુદ્ધ થયેલી ચેતનામાંથી ઉદ્ભવતા સંકલ્પો અને પ્રેરણાઓ એ જ `વિજ્ઞાન' એટલે કે સર્વોચ્ચ જ્ઞાન  છે.

આપણે જાણીએ જ છીએ કે ભૌતિક જગતમાં વિજ્ઞાન શબ્દનો ઉપયોગ માત્ર 'જ્ઞાન'; એટલે કે ભૌતિક જગત માટે વિશ્લેષણાત્મક માહિતી કે સુવ્યવસ્થિત જાણકારી દર્શાવવા માટે કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આ શબ્દનો પ્રયોગ `પરમ જ્ઞાન' માટે થાય છે, જે `દ્રષ્ટા' (સાક્ષાત્કાર કરનાર) અથવા `સંત'નું સૂચક છે. આપણા શાસ્ત્રોમાં વિજ્ઞાન એ સૃષ્ટિને સમજવાનો અભ્યાસ છે, પણ તે માત્ર ભૌતિક સૃષ્ટિની વાત નથી. આ વિજ્ઞાનમાં સૂક્ષ્મતમ ચેતનાની ઊંડી સમજ પણ સામેલ છે અને જ્ઞાન વિના વિજ્ઞાનને સમજવું અશક્ય છે. કહેવાનો અર્થ એ કે, જ્ઞાનને પોતે સંપૂર્ણ વિજ્ઞાન કહી શકાય નહીં. જ્ઞાન એ માત્ર સૂક્ષ્મ જગતની સમજ અને અનુભવને લગતો વિષય છે; તેમાં સૃષ્ટિના ભૌતિક કે પદાર્થગત પાસાનો સમાવેશ થતો નથી. બીજી તરફ, વિજ્ઞાન એ સમગ્ર બ્રહ્માંડનો અભ્યાસ છે, જેમાં સૂક્ષ્મ અને ભૌતિક એમ બંને તત્ત્વોનો સમાવેશ થાય છે.

અંગ્રેજીમાં જેને સાયન્સ કહીએ છીએ તે વિજ્ઞાન માત્ર ભૌતિક જગતને લગતું જ જ્ઞાન અને માહિતી પ્રદાન કરે છે; જેને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્ર જેવા વિભાગો દ્વારા આપણે શીખીએ છીએ. તે ભૌતિક તત્વોના અભ્યાસને સમર્પિત એક શાખા છે. આ સાયન્સ આત્મા, પરમાત્મા, લાગણીઓ, વિચારો કે સૂક્ષ્મ જગતનો સ્વીકાર કરતું નથી. તે એવો દાવો કરે છે કે આ જગત માત્ર એવી વસ્તુઓનું બનેલું છે જેને ભૌતિક સાધનો દ્વારા જાણી કે અનુભવી શકાય છે. જ્યારે ધર્મનું વિજ્ઞાન એ સૂક્ષ્મ તત્ત્વોની પણ ચર્ચા કરે છે જેને ભૌતિક વિજ્ઞાન હજી ઉપકરણોથી સાબિત કરી શક્યું નથી. 

જ્ઞાનની અવસ્થાએ આપણે બધા વધતે-ઓછે અંશે પહોંચ્યા છીએ. ત્યાંથી કદાચ સુજ્ઞાન સુધી પણ પહોંચ્યા હોઈશું. સુજ્ઞાન એટલે? કદાચ આપણે તેને વિવેક પણ કહી શકીએ. જ્ઞાનનો સાચો અને યોગ્ય ઉપયોગ એ જ ડહાપણ કે વિવેક છે. તે આપણને સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખતા શીખવે છે તથા આપણા ચારિત્ર્ય, આચરણ અને જીવનને યોગ્ય દિશામાં દોરે છે. તેમ છતાં આત્માના અંતિમ લક્ષ્ય મોક્ષ સુધી પહોંચવા તો શાસ્ત્રકારોએ કહેલા વિજ્ઞાનના પગથિયાં જ ચઢવા પડે. 

શ્રીમદ્ ભગવદ ગીતામાં સાતમો અધ્યાય સંપૂર્ણપણે જ્ઞાનવિજ્ઞાન યોગ છે. તેમાં બીજા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાનનો બોધ કરાવવાનું વચન આપે છે.

જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષત: 
યજ્જ્ઞાત્ત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાઞાતવ્યમવશિષ્યતે 

અર્થાત્, હવે, હું તારી સમક્ષ તે સંપૂર્ણ જ્ઞાન અને વિજ્ઞાન પ્રગટ કરીશ, જેને જાણી લીધા પછી આ સંસારમાં તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી નહીં રહે.  

એ અધ્યાયમાં જ ભગવાન કહે છે કે રાગ-દ્વેષ, સત્ત્વ-રજસ અને તમસથી મુક્ત થયા વિના, મને (અર્થાત બ્રહ્મને) જાણી શકશે નહીં. તેથી જ એમ પણ કહ્યું કે બ્રહ્મને જાણવા માટે અનેક જન્મો લેવા પડે છે. ભૌતિક જગતમાં સતત પરિવર્તન આવતું રહે છે. તેથી તેની જાણકારી પરિવર્તનશીલ છે. પણ ધર્મનું પરમ સત્ય સનાતન છે. તે બદલાતું નથી. દરેક જન્મમાં આપણું જ્ઞાન તેથી જ બદલાય છે. પણ પરમજ્ઞાનને પામી લીધા પછી એ સનાતન સત્યની પ્રાપ્તિ થાય છે, એ જ વિજ્ઞાન છે.

અંતે, સત્ય સાઈબાબાએ કહેલી એક વાત સાર રૂપે. `પ્રયોગશાળાના સાધનો વડે ઈશ્વરની શોધ કરવી એ આંખમાં ટીપાં નાખીને પેટના દુખાવાનો ઈલાજ કરવાના પ્રયાસ સમાન છે. તે કાર્ય માટે એક ચોક્કસ પદ્ધતિ અને વિશેષ સાધન છે, જે તે વિદ્યાના નિષ્ણાતોએ વિકસાવ્યા છે અને તેના વિશે માર્ગદર્શન આપ્યું છે.

અનાસક્તિ અને પ્રેમ દ્વારા તમારી દ્રષ્ટિને નિર્મળ બનાવો અને તમારી વિવેકબુદ્ધિને એટલી તીક્ષ્ણ કરો કે તેમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાત ન રહે; ત્યારે જ તમે તમારામાં, તમારી આસપાસ અને તમે જે કંઈ જાણો છો, અનુભવો છો તથા જે અસ્તિત્વ ધરાવો છો તે સર્વમાં ઈશ્વરને જોઈ શકશો.'