Wed Sep 30 2026

Logo

પ્રદૂષણનો સામનો કરવાની તૈયારીઓ... દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ, પાર્કિંગ ચાર્જ થશે બમણો

2026-09-28 14:03:00
Author: Mumbai Samachar Team
પ્રદૂષણનો સામનો કરવાની તૈયારીઓ... દિલ્હીમાં બાંધકામ પર પ્રતિબંધ, પાર્કિંગ ચાર્જ થશે બમણો

દિલ્હીમાં શિયાળા દરમિયાન વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેટલાક મોટા નિર્ણયો લીધા છે. સરકારે ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૭ સુધી ડિમોલિશન પ્રવૃત્તિઓ અને બહારના સિવિલ બાંધકામ (કન્સ્ટ્રક્શન) પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ ડિસેમ્બર ૨૦૨૬ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૭ સુધી બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

સરકારે ખાનગી વાહનોના ઉપયોગને ઘટાડવા માટે અધિકૃત પાર્કિંગ સાઇટ્સ પર વર્તમાન પાર્કિંગ ચાર્જ બમણો કરવાનો નિર્ણય કર્યો છે. આ નિયમ ૧ નવેમ્બર ૨૦૨૬ થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી લાગુ રહેશે. જો કે, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે DMRC દ્વારા સંચાલિત અને મેનેજ કરવામાં આવતું પાર્કિંગ આનાથી મુક્ત રહેશે.

ઓફિસોના સમયમાં પણ ફેરફાર

સકારે ૧ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી કચેરીઓના સમયમાં પણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. MCD અંતર્ગત આવતી કચેરીઓ સવારે ૮:૩૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે, જ્યારે GNCTD અંતર્ગત આવતી કચેરીઓ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

આ ઉપરાંત, સરકારી અને ખાનગી કચેરીઓમાં ૫૦ ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમ (ઘરેથી કામ) કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે ૫૦ ટકા કર્મચારીઓ ઘરથી કામ કરશે અને બાકીના ૫૦ ટકા કર્મચારીઓ ઓફિસથી કામ કરશે. આ વ્યવસ્થા ૧ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે.