Wed Aug 19 2026

Logo

દિલ્હીના દેવલી વિસ્તારમાં ભારે વરસાદથી પાર્કિંગની દીવાલ ધરાશાયી, 10થી વધુ વાહનો કાટમાળમાં દટાયા

2026-08-08 17:06:44
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ વચ્ચે દેવલી વિસ્તારમાંથી એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. દેવલીમાં આવેલા એક પ્રાઇવેટ પાર્કિંગ લોટની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ત્યાં પાર્ક કરેલી 10થી પણ વધુ કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ગટરનું કામ અને નબળી ગટર વ્યવસ્થા બની કારણ

ઘટના અંગે સ્થાનિક લોકોના જણાવ્યાં પ્રમાણે, આ વિસ્તારમાં દિલ્હી નગર નિગમ (MCD) દ્વારા હાથ ધરાયેલી બેદરકારીભરી કામગીરી આ દુર્ઘટનાનું મુખ્ય કારણ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, પાર્કિંગની પાછળ આવેલી ગલીમાં સીવર અને ડ્રેનેજ માટેનું કામ ચાલી રહ્યું હતું. આખી ગલી ખોદી નાખવામાં આવી હતી અને ચોમાસાનું પાણી ત્યાં ભરાઈ રહ્યું હતું. પાણીનો નિકાલ ન થવાને કારણે દીવાલ નીચેનો પાયો નબળો પડી ગયો અને આખો ભાગ ધસી પડ્યો હતો.

વરસાદી પાણીના નિકાલ ના થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

એક સ્થાનિકે જણાવ્યું કે, તેઓ આ જગ્યાને સુરક્ષિત માનીને દર મહિને રૂપિયા 1,500થી રૂપિયા 1,800 ચૂકવી પાર્કિંગનો ઉપયોગ કરતા હતા. છેલ્લા 8 વર્ષથી વધુ સમયથી તેઓ અહીં ગાડીઓ મૂકે છે, પરંતુ આવી ઘટના ક્યારેય બની નથી. સ્થાનિકોનું કહેવું છે કે વરસાદી પાણીના નિકાલની યોગ્ય સિસ્ટમ ન હોવાને લીધે જ આ ઘટના સર્જાઈ છે. આ ઘટનાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ સાથે અનેક લોકોએ તંત્ર પર પણ આક્ષેપો કર્યાં છે.

દિલ્હી-NCRમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી-એનસીઆરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર વિસ્તામાં પાણી ભરાઈ ગયા છે. દિલ્હીની મુખ્ય સડકો નદીઓમાં ફેરવાઈ ગઈ છે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જ દિલ્હીમાં રેકોર્ડબ્રેક 127 મિમી કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે વર્ષ 2011 પછીનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે.