Mon Oct 05 2026

Logo

દિલ્હી ઈમારત ધરાશાયી થવાની ઘટના સુપ્રીમ કોર્ટ પહોંચી, 10 સપ્ટેમ્બરે સુનાવણી

2026-09-08 16:38:53
Author: Chandrakant Kanoja
દિલ્હી ઈમારત ધરાશાયી થવાની ઘટના સુપ્રીમ કોર્ટ પહોંચી, 10 સપ્ટેમ્બરે સુનાવણી

નવી દિલ્હી: દિલ્હીના સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. આ અંગે એડવોકેટ અજિત કુમાર સિંહાએ આ ઘટના અંગે કોર્ટેને જાણકારી આપી હતી. જેની બાદ કોર્ટે આ મુદ્દે ગંભીરતા દાખવીને સુનાવણી 10 સપ્ટેમ્બરના રોજ નિર્ધારીત કરી છે. તેમજ કહ્યું છે કે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉકેલવાની જરૂર છે. 

દિલ્હીમાં ગેરકાયદે બાંધકામ અંગેનો સર્વે ચાલુ 

આ અંગે સુપ્રીમ કોર્ટમાં એમિકસ ક્યુરી સિંહાએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ગેરકાયદે બાંધકામ અંગેનો સર્વે હાલમાં કોર્ટના અગાઉના આદેશનું પાલન કરીને ચાલી રહ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન જ સત્ય નિકેતનની ઘટના બની હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં સાત બાળકોના મૃત્યુ થયા છે. સિંહાએ ન્યાયાધીશોને એ પણ માહિતી આપી હતી કે દિલ્હી હાઇકોર્ટે સોમવારે આ મામલે ચોક્કસ આદેશો પસાર કર્યા છે.

સહાનુભૂતિ બાળકો અને તેમના માતાપિતા સાથે 

જોકે, આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ ઘટનાને  ભયાનક ગણાવતા જણાવ્યું કે લોકો આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને દરેકની સહાનુભૂતિ બાળકો અને તેમના માતાપિતા સાથે છે. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટનો આદેશ વાંચીને સંભળાવ્યો. જેમાં નોંધ્યું કે હાઇકોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે સંબોધિવાની જરૂર

સોલિસિટર જનરલને સાંભળ્યા બાદ કોર્ટે ટિપ્પણી કરી કે આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે સંબોધિવાની જરૂર છે અને સૂચન કર્યું કે જો જરૂરી હોય તો કેસને દિલ્હી હાઇકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરી શકાય છે