પાલઘર: પાલઘર જિલ્લાના દહાણુમાં બળાત્કાર ગુજાર્યા બાદ આઠ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરવા બદલ કોર્ટે પચાસ વર્ષના આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી પ્રમુલ ઉર્ફે પ્રફુલ્લ રત્ના ઘોષને ભારતીય દંડસંહિતાની કલમ 320 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 376 (બળાત્કાર) તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ દોષી ઠેરવ્યો હતો અને તેને સજા ઉપરાંત 75 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
દહાણુ પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર, 2021માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીએ 27 સપ્ટેમ્બર, 2021ના રોજ દહાણુના વાંગણપાડા ખાતે ટાંકી નજીક ઝાડીઝાંખરામાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં કોયતાના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી.
આ કેસનો ફરિયાદી એ સમયે ત્યાં ગયો ત્યારે આરોપીએ તેના પર પણ કોયતાથી હુમલો કર્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે પુરાવા એકઠા કર્યા બાદ આરોપી સામે કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. ટ્રાયલ દરમિયાન 24 સાક્ષીદારને ચકાસાયા હતા.