મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકાયા બાદ લગભગ એક વર્ષથી બંધ રહેલા દાદરના ઐતિહાસિક કબૂતરખાનાને હવે નવો અને આકર્ષક લૂક આપવાની તૈયારી કરાઈ રહી છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) હાલ લગાવવામાં આવેલી તાડપત્રીને દૂર કરીને તેના સ્થાને પારદર્શક એક્રેલિક શીટ લગાવશે તેમ જ અંદરના ભાગમાં હરિયાળી વિકસાવશે. જોકે, કબૂતરોને ચણ નાખવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે.
ગત વર્ષે ઓગસ્ટમાં રાજ્ય સરકારના આદેશ બાદ મુંબઈના તમામ 51 કબૂતરખાના બંધ કરવામાં આવ્યા હતા. દાદરના ઐતિહાસિક કબૂતરખાનાને પણ તાડપત્રીથી સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવ્યું હતું અને ત્યાં સંગ્રહિત કબૂતરના દાણા જપ્ત કરીને પ્રતિબંધનો કડક અમલ કરાયો હતો. હવે BMC આ સ્થળને વધુ સુંદર અને સ્વચ્છ દેખાવ આપવા માટે તેની કાયાપલટ કરવાની યોજના પર કામ કરી રહી છે.
દાણા નાખવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ફેરફાર માત્ર દેખાવ સુધારવા માટે છે. પારદર્શક એક્રેલિક શીટ લગાવવામાં આવશે જેથી સ્થળનો વારસાગત દેખાવ જળવાઈ રહે અને અંદર છોડ-વૃક્ષો ઉગાડીને વિસ્તારને હરિયાળો બનાવવામાં આવશે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કબૂતરોને દાણા નાખવા પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં અને તેનું કડક પાલન ચાલુ રહેશે.
ટ્રાફિકની સમસ્યા ઘટાડવા સ્થળાંતરિત કરવાની માંગ
દાદર કબૂતરખાનું હેરિટેજ છે તેથી તેને અન્યત્ર ખસેડવું શક્ય નથી. થોડા મહિના પહેલાં શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના ધારાસભ્ય મહેશ સાવંતે દાદરના વ્યસ્ત જંકશન પર ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે કબૂતરખાનાને સ્થળાંતરિત કરવાની માંગ કરી હતી. જોકે, હેરિટેજ માળખાને કારણે આ વિકલ્પ શક્ય ન હોવાની માહિતી પાલિકાએ આપી હતી.
પ્રતિબંધ યથાવત રાખવાની માંગ
સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી કબૂતરોને કારણે ફેલાતી ગંદકી તથા શ્વસન સંબંધિત બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા રહ્યા છે. ઘણા રહેવાસીઓએ પોતાના ઘરોમાં કબૂતરો ન ઘૂસે તે માટે બારી પર જાળીઓ પણ લગાવી છે. તેમ છતાં, તાડપત્રી દૂર કરીને સ્થળને વધુ સુંદર બનાવવાના નિર્ણયનું સ્થાનિકોએ સ્વાગત કર્યું છે અને પ્રતિબંધ યથાવત રાખવાની માંગ પણ કરી છે.
સ્થાનિક કોર્પોરેટર યશવંત કિલ્લેદારે પણ આ યોજનાને સમર્થન આપતાં જણાવ્યું કે હાલની તાડપત્રી દાદરના આ ઐતિહાસિક સ્થળની સુંદરતા ઘટાડે છે. પારદર્શક એક્રેલિક શીટ અને હરિયાળી સાથે દાદર કબૂતરખાનાનું હેરિટેજ સ્વરૂપ જળવાઈ રહેશે.