Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં નવરાત્રિ કાર્યક્રમમાં 10 કરોડની નાણાંકીય લેવડદેવડ મુદ્દે સામસામા આક્ષેપો

2026-09-16 13:21:00
Author: Mayur Patel
અમદાવાદમાં નવરાત્રિ કાર્યક્રમમાં 10 કરોડની નાણાંકીય લેવડદેવડ મુદ્દે સામસામા આક્ષેપો

અમદાવાદ: અમદાવાદમાં યોજાતા નોરતા નગરી ગરબા કાર્યક્રમમાં નાણાંકીય લેવડદેવડના મામલે પાર્શ્વ જ્વેલર્સના દર્શન શાહ સામેની પોલીસ ફરિયાદમાં શાહના વકીલે પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. દર્શન શાહના વકીલનો દાવો છે કે દર્શન શાહ નોરતા નગરી ગરબાના આયોજક કે ભાગીદાર નહીં હોવા છતાં તેમનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું છે.

ગયા વરસે નોરતા નગરી ગરબા મહોત્સવ પૂરો થયા બાદ પાસ અને ટિકિટોના વહીવટમાં અંદાજે રૂપિયા 8 કરોડથી 10 કરોડની ઉચાપત અને વિશ્વાસઘાત થયાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મામલે પાર્શ્વ જ્વેલર્સના દર્શન શાહ અને તેમના મેનેજર સહિત ૪ લોકો સામે પોલીસ તપાસ ચાલી રહી છે. આ ફરિયાદના સંદર્ભમાં વકીલે વળતો આક્ષેપ કરીને આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની અને બદનક્ષીનો દાવો પણ કરવાની ચીમકી આપી છે. 

વકીલે આક્ષેપ કર્યો છે કે, આ જ કેસમાં અગાઉ એક આયોજકને પોલીસે  ખોટી રીતે ગોંધી રાખીને નગ્ન કરી માર માર્યાની ફરિયાદ કરી હતી પણ આ ફરિયાદના સંદર્ભમાં કોઈ કામગીરી કરાઈ નથી. આયોજકે પોલીસ સામે આક્ષેપો કર્યા હોવાથી ફરિયાદ લેવાતી નથી અને  અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે છતાં પોલીસે દર્શન શાહ સામે બીજો કેસ કરી દીધો છે. 

વકીલનો દાવો છે કે દર્શન શાહના પરિચિત જયેશ પરમાર નોરતા નગરી ગરબાના ભાગીદાર હતા. જયેશ પરમાર સાથે અર્જન ભૂતિયા, કૃષ્ણ ગઢવી અને જીગર ચૌહાણ પણ ગરબાના ભાગીદાર હતા પણ દર્શન શાહ ભાગીદાર નહોતા કે તેમને લેવાજેવા નહોતી છતાં તેમને આ કેસમાં ઢસડવામાં આવ્યા છે. વકીલે સવાલ કર્યો છે કે, દર્શન શાહ ગરબાના ભાગીદાર ન હોવા છતાં તેમની સામે ભાગીદારીને લગતા આક્ષેપો કેવી રીતે કરવામાં આવ્યા ?  આ સાથે ફરિયાદમાં તેમનું નામ ઉમેરવા પાછળનું કારણ શું છે તેવો સવાલ પણ વકીલે કર્યો છે.

નોરતા નગરી ગરબાના વિવાદમાં બંને પક્ષ તરફથી અલગ-અલગ દાવા કરાઈ રહ્યા છે. એક તરફ દર્શન શાહ સામે રૂ.10 કરોડની ઉચાપતના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી છે જ્યારે બીજી તરફ તેમના વકીલ દ્વારા દર્શન શાહ ગરબાના ભાગીદાર જ ન હોવાનો દાવો કરીને પોલીસ સામે ગંભીર આક્ષેપો કરાતાં નવરાત્રિ પહેલાં જ આ મામલો ચર્ચાસ્પદ બન્યો છે.