આજના આધુનિક યુગમાં આપણે સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે હૃદય કે લિવરની ચિંતા કરીએ છીએ, પરંતુ કાનની કાળજી લેવાનું ઘણીવાર ભૂલી જઈએ છીએ. નિષ્ણાતોના મતે, રોજિંદા જીવનની કેટલીક સામાન્ય દેખાતી આદતો ખરેખર કાનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. તણાવ, ઊંઘનો અભાવ અને ખરાબ આહાર જેવી બાબતો સાંભળવાની શક્તિ છીનવી શકે છે. જો સમયસર આ બાબતો પર ધ્યાન આપવામાં ન આવે, તો વ્યક્તિ સંપૂર્ણ બહેરાશનો શિકાર પણ બની શકે છે.
સાંભળવાની ક્ષમતા ઘટાડતા મુખ્ય પરિબળો
નિષ્ણાતો જણાવે છે કે કાનમાં પાણી રહી જવું એ ઈન્ફેક્શનનું સૌથી મોટું કારણ છે, કારણ કે ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. આ ઉપરાંત, ધૂમ્રપાન ન કરનાર વ્યક્તિ જો 'સેકન્ડ હેન્ડ સ્મોક' (બીજાના ધુમાડા)ના સંપર્કમાં આવે, તો કાન સુધી પહોંચતો રક્ત પ્રવાહ અવરોધાય છે. એ જ રીતે, સતત માનસિક તણાવ અને અપૂરતી ઊંઘ કાનના આંતરિક કોષો (Hair Cells) ને નુકસાન પહોંચાડીને સાંભળવાની ક્ષમતા ઘટાડે છે.
આહાર અને શારીરિક સક્રિયતાનો પ્રભાવ
તમારા કાનની તંદુરસ્તીનો સીધો સંબંધ તમારા ડાયેટ અને શારીરિક શ્રમ સાથે પણ છે. મેદસ્વીતા અને આળસભર્યું જીવન કાનમાં લોહીના પરિભ્રમણને બગાડે છે. તેવી જ રીતે, વધુ પડતા કાર્બોહાઈડ્રેટ અને ફેટવાળો આહાર લેવાથી અને વિટામિન્સની ઉણપને કારણે 'હિયરિંગ લોસ'નું જોખમ વધી જાય છે. સંશોધનો મુજબ, જે લોકો શારીરિક રીતે સક્રિય રહે છે, તેમના કાનના કોષો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.
કેવી રીતે રાખશો કાનનું ધ્યાન?
કાનને સ્વસ્થ રાખવા માટે કેટલાક સરળ નિયમો પાળવા જરૂરી છે. સૌ પ્રથમ, વધુ પડતા ઘોંઘાટ અને લાઉડ મ્યુઝિકથી બચવું જોઈએ (70 ડેસિબલથી ઓછો અવાજ હિતવહ છે). કાનનો મેલ (Wax) કાઢવા માટે ક્યારેય ઈયરબડ્સ કે કોઈ તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો, કારણ કે કાન પોતાની જાતે જ સફાઈ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, વિટામિન-એ, સી, ઈ અને ઝિંકયુક્ત આહાર લેવાથી અને નિયમિત કસરત કરવાથી સાંભળવાની શક્તિ જળવાઈ રહે છે.
ડિસક્લેમર: આ માહિતી સામાન્ય હેલ્થ ટિપ્સના હેતુથી શેર કરવામાં આવી છે. તેને તબીબી સલાહ તરીકે ન ગણવી. તમારી જીવનશૈલીમાં ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.