Fri May 01 2026

Logo

ગેસમાં ભાવ વધારા બાદ હવે પેટ્રોલ-ડીઝલનો વારો, ત્રણ મહિનામાં 81 ટકાનો ઉછાળો

2026-05-01 16:49:34
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ચૂંટણી પૂરી થયા બાદ મોંઘવારી વધવાની આશંકાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર અનેક એવા મુદ્દાઓ પર શાબ્દિક વાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોંઘવારીની ગરમીની ચેતવણી તો પહેલાથી જ આપી દેવામાં આવી હતી, જે હવે હકકીત બનતી દેખાઈ રહી છે. દેશમાં કમર્શિયલ સિલિન્ડરના વધેલા ભાવનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે,ગેસ સિલિન્ડરની કિંમતમાં એક મહિનામાં ₹993નો વધારો થયો છે. રાહુલ ગાંધીએ આને ચૂંટણી બિલ ગણાવી દીધું છે. 

ત્રણ મહિનામાં 81 ટકાનો વધારો

ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં કમર્શિયલ સિલિન્ડર LPGના ભાવ ₹1380 સુધી પહોંચી ગયા છે. ટૂંકમાં કહીએ તો ત્રણ મહિનામાં 81 ટકાનો ઉછાળો આવ્યો છે. આવા ભાવ વધારાની સીધી અસર ચાવાળા, હાઈવે પરના ઢાબાવાળા, હોટેલ, બેકરી તથા ફરસાણ-મિઠાઈની દુકાન વાળા પર થઈ રહી છે. આ તમામ વર્ગનો આર્થિક ભાર વધ્યો છે.

વધી રહેલી કિંમતની અસર સામાન્ય પ્રજાની થાળી સુધી પહોંચી છે, કારણ કે ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે. આ હજુ માત્ર શરૂઆત છે, ભાવ વધારાનો પહેલો હુમલો ગેસ પર થયો છે હવે પેટ્રોલ-ડીઝલનો વારો આવી શકે છે.

સમગ્ર દેશવાસીઓે અસર 

આ પહેલા કોંગ્રેસના મહાસચીવ કેસી વેણુગોપાલે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, જેવી ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ, નરેન્દ્ર મોદી સરકારે સમય વ્યર્થ કર્યા વગર LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કમર્શિયલ સિલિન્ડરમાં આશરે ₹1000 નો ભાવ વધારો થતા હજારો દેશવાસીઓને અસર થવાની છે.

નાની હોટેલ, રેસ્ટોરાં કે લારી પરથી મળતા ખાદ્ય પદાર્થ મોંઘા થઈ શકે છે. આનાથી નાના વેપારીઓનું આર્થિક ભારણ વધી શકે છે. સામાન્ય લોકોની પીડા પ્રત્યે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માત્ર ચૂંટણીલક્ષી એજન્ડા પૂરતી જ સીમિત છે. ચૂંટણી પૂરી થયા બાદ પ્રજાને એમના હાલ પર જ છોડી દેવામાં આવે છે. 

નાના સિલિન્ડરના ભાવ પણ વધ્યા

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ મહિનાઓ સુધી સરકાર સામાન્ય લોકો પર આર્થિક બોજ ઘટાડવાના બદલે કિંમતમાં વધારે કરીને ઠોસ યોજનાઓ બનાવી રહી હતી.શુક્રવારથી કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યા બાદ સાર્વત્રિક અસર થવાની ભીતિ છે. 5 કિલોના સિલિન્ડર પણ મોંઘા થયા છે.

નાના સિલિન્ડરના ભાવમાં 261 રૂપિયાનો વધારો થયો છે. આ કિંમત તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના બે નેતાઓએ એવા સમયે આ વાત કહી છે જ્યારે ચૂંટણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને 1 મેંથી કેટલાક ભાવ વધારા લાગુ પડી રહ્યા છે.