ગાંધીનગરઃ ગાંધીનગરના સેક્ટર-1 વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર નજીક સ્થિત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ઓફિસર્સ મેસમાં રવિવારે સવારે ચોંકાવનારી ઘટના બની હતી. ફરજ પર હાજર 43 વર્ષીય કોસ્ટ ગાર્ડના જવાને પોતાની સર્વિસ રાઈફલથી જાત પર ગોળી ચલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ સંભળાતા ઓફિસ કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી અને સાથી કર્મચારીઓએ તરત જ ઇજાગ્રસ્ત જવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
જવાનની સ્થિતિ અત્યંત ગંભીર
ઘટનાની જાણ થતા પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જવાનની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત સામે આવી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આત્મહત્યાનો પ્રયાસ કરનાર જવાનની ઓળખ 43 વર્ષીય હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે, જેઓ ગાંધીનગર નજીક આવેલા લેકાવાડા ગામના વતની છે. હસમુખભાઈ સેક્ટર-1 ગાયત્રી મંદિર પાસે આવેલી કોસ્ટ ગાર્ડની ઓફિસ ખાતે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હતા. રવિવારે સવારે તેઓ ફરજ પર હાજર હતા, તે દરમિયાન આ ઘટના ઘટી હતી.
ઈજાગ્રસ્ત જવાનના સાથી કર્મચારીઓની પૂછપરછ
સમગ્ર ઘટનામાં સેકટર 7 પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે અન્ય સાથી કર્મીઓની પણ પૂછપરછ શરૂ કરી છે, કામના ભારણને લઈ કે અન્ય કોઈ કારણોસર આ ઘટના બની છે કે કેમ તેને લઈ તપાસ હાથ ધરાઇ છે. આત્મહત્યા કરવાનો પ્રયાસ હતો કે આકસ્મિક ગોળી છૂટી છે તે તો તપાસ બાદ જ સામે આવશે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલ (FSL)ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી.
નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ
પોલીસે જવાનના સહકર્મચારીઓ અને પરિવારના સભ્યોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ હાથ ધરી હતી. આત્મહત્યાના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણવા વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સ્પષ્ટ વિગતો સામે આવશે.