Mon Oct 05 2026

Logo

ક્લેપ એન્ડ કટ..!:

2026-09-11 09:09:46
Author: Sidharth Chhaya
ક્લેપ એન્ડ કટ..!:

સિદ્ધાર્થ છાયા

જ્યારે પડે છે ત્યારે...

એક સમય એવો હતો જ્યારે યશની ‘ટોક્સિક’ ‘ધુરંધર 2’ સાથે ટકરાવાની હતી, પરંતુ કદાચ પોતાની નબળી પ્રોડક્ટ ભારતીય સિનેમાના આ સદીના સાચા ‘ધુરંધર’ સામે નહીં ટકી શકે એવો ખ્યાલ ‘ટોક્સિક’ના નિર્માતાઓને આવી ગયો હતો. આથી ‘પૂરતી સ્ક્રીન્સ ન મળવાથી અન્યાય થયો છે’ એવું બહાનું આગળ ધરીને તેમણે ફિલ્મની રિલીઝ પાછી ઠેલી દીધી.


ચાર-પાંચ મહિના પછી, શુક્રવારને બદલે બુધવારે ફિલ્મને જોરશોરથી રજૂ કરવામાં આવી. તેમ છતાં પહેલા દિવસ પછી ફિલ્મ ‘ધબાય નમ:’ થઈ ગઈ. બીજી તરફ મોટાભાગના સમીક્ષકોએ ફિલ્મની આકરી ટીકા કરી ત્યારે તેમને ચૂપ કરાવવાના પ્રયાસો પણ થયા. પહેલા દિવસે 50 કરોડ કમાનારી ફિલ્મ અઠવાડિયાના અંત સુધીમાં દર્શકો માટે ફાંફાં મારતી થઈ ગઈ હતી.


આમ છતાં યશને આશા હતી કે ઓટીટી દ્વારા નુકસાનની ભરપાઈ થઈ જશે.  રિલીઝ પહેલાં તેમની ગણતરી આ ફિલ્મને ઓછામાં ઓછા 200 કરોડમાં કોઈ મોટા ઓટીટી પ્લેટફોર્મને વેચવાની હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ ફ્લોપ થયા પછી પણ યશને 150 કરોડ મળવાની અપેક્ષા હતી. જોકે હવે વાસ્તવિકતા સાવ જુદી છે. બહુ જાણીતા ન હોય તેવા એક ઓટીટી પ્લેટફોર્મે યશને માત્ર જી હા,  માત્ર  30 કરોડની ઓફર કરી છે આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ રકમ અત્યાર સુધીની સૌથી ઊંચી બોલી છે. 
આમ ‘ટોક્સિક’ની પ્રચંડ નિષ્ફળતાએ યશને ચારે તરફથી ઘેરી લીધો છે. જોકે ફિલ્મ જેવી હોય એવું જ એનું મૂલ્ય અંકાય, ખરું ને? 


રમકડાંની મજાક અને ત્રણ કરોડનો ફટકો!

બોલિવૂડની ‘દિલબર ગર્લ’ નોરા ફતેહી પોતાના કાતિલ ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે, પણ આ વખતે તેના બોલેલા શબ્દો ભારે પડી ગયા છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટ રહેવું સારું, પરંતુ ક્યારેક આ લાઈવ શેરિંગ તમને સીધા કોર્ટની લાઈવ સુનાવણી સુધી પહોંચાડી શકે છે.


વાત એવી બની કે ડિસેમ્બર મહિનામાં નોરાએ મુંબઈથી જયપુર જવા માટે એક ચાર્ટર્ડ વિમાન લીધું હતું. ફ્લાઇટ દરમિયાન મેડમે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવ્યો અને વિમાનને ‘રમકડું -મીનિયેચર અને લેગો’ પ્લેન કહી દીધું! હવે સામાન્ય માણસ માટે આ મજાક હોઈ શકે, પણ ‘ડ્યુન્સ એવિએશન કંપની’ માટે આ સીધો ધંધા પર ઘા સાબિત થયો.


કંપનીનો દાવો છે કે નોરાના 4.6 કરોડથી વધુ ફોલોઅર્સ છે. એનાં આવા ‘બેજવાબદાર’ નિવેદનને કારણે કંપનીની શાખ ખરડાઈ અને 15 થી 20 ટકા બુકિંગ રદ થઈ ગયા! કંપનીનું કહેવું છે કે તેમનું આ વિમાન ડીજીસીએ માન્ય અને સુરક્ષિત હતું.


હવે કંપની સીધી ગાંધીનગર કોર્ટ પહોંચી ગઈ છે અને નોરા સામે પૂરા ત્રણ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો ફટકારી  દીધો અને સાથે જ વીડિયો હટાવવાની અને જાહેરમાં સ્પષ્ટતા કરવાની માગણી પણ કરી છે. આગામી 25મી સપ્ટેમ્બરે આ મામલે સુનાવણી થવાની છે.


આને કહેવાય ‘ન બોલવામાં નવ ગુણ’ અને વિચાર્યા વગર બાફવાના માત્ર 3 કરોડ! 
ઇન્સ્ટા રીલ્સ બનાવતી વખતે હવે સ્ટાર્સે રમકડાંની વાત કરતાં પણ સો વાર વિચારવું પડશે, શું કહો છો?


ઓટીટીવાળાનું અપમાન... ડાયરેક્ટરની તાકાત!


સિનેમા જગતમાં એક જૂની કહેવત છે: ‘દર્શકો જેને વધાવે, એને કોઈ રોકી નથી શકતું’ . આજકાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ ‘હનુમાન અંશ’ સાથે પણ કંઈક આવો જ કિસ્સો બન્યો છે. નીમ કરોલી બાબાના જીવન અને શિક્ષા પર આધારિત આ ફિલ્મે રિલીઝ થતાં જ દર્શકોના દિલ જીતી લીધાં છે, પરંતુ શું તમને ખબર છે કે આ સફળતા પહેલાં ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીને કેવો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો?


વાત એવી બની કે ફિલ્મ બનાવતાં પહેલાં વિશાલભાઈ એક ટોચના ઓટીટી પ્લેટફોર્મ સમક્ષ સ્ટોરી સંભળાવવા ગયા હતા. બાબા મહારાજજીની કથા સંભળાવતાં તે પોતે ભાવુક થઈને રડી પડ્યા હતા. સામે પ્લેટફોર્મના ‘બડે સાહેબોએ’ વાર્તા ભારતીય હોવા છતાં આંતરરાષ્ટ્રીય સ્તરની હોવાની વાત સ્વીકારી, પણ જે રીતે તેને નકારી કાઢી, તે ડિરેક્ટરને અપમાનજનક લાગ્યું! 


ડિરેક્ટરના મતે, આ સાહેબોના મગજમાં ભારતીય સંસ્કૃતિ અને કથાઓ પ્રત્યે એક વિચિત્ર પૂર્વગ્રહ ભરેલો હતો. વિશાલે એ નકારાત્મકતાને જ પોતાની તાકાત બનાવી લીધી અને દૃઢ સંકલ્પ સાથે થિયેટરોમાં પહોંચ્યા. પરિણામ? માત્ર 10 લાખની સાધારણ ઓપનિંગ લેનારી આ ફિલ્મે ચોથા અઠવાડિયે ભારતમાં 150 કરોડથી વધુ ગ્રોસ વકરો રળી લીધો છે!


આજે એ જ ઓટીટી પ્લેટફોર્મના એક્ઝિક્યુટિવ્સ પોતાની ભૂલ પર માથું કૂટતા હશે એ નક્કી છે. સાચે જ, જ્યારે જનતાનો પ્રેમ મળે છે ત્યારે મોટાં પ્લેટફોર્મ્સના પૂર્વગ્રહો પણ ધૂળ ચાટતા થઈ જાય છે.


કટ એન્ડ ઓકે...
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના દીકરા અરહાન ખાનની અનામી ડેબ્યુ ફિલ્મમાં કાકા સલમાન ખાન કેમિયો કરશે!