અત્યારે જ્યાં જુઓ ત્યાં રીલ્સ અને સોશિયલ મીડિયાનો જાદુ છવાયેલો જોવા મળી રહ્યો છે. ક્યારેક આ રીલ બનાવવાની ઘેલછા જીવલેણ પણ સાબિત થઈ શકે છે. હાલમાં જ ભારતના ઉત્તર પ્રદેશ રાડ્યમાં આવેલાં સિદ્ધાર્થનગરમાં રીલ બનાવવાની લાલચ કઈ રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટાનામાં બે બાળકો પાણીની ઊંચી ટાંકી પર ચઢી ગયા હતા, જેમને બાદમાં એરલિફ્ટ કરીને બચાવવા પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં બની હતી, જ્યાં બે સગીર બાળકો સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે પાણીની વિશાળ ટાંકી પર ચઢી ગયા હતા. ટાંકીની ઊંચાઈ ઘણી વધારે હોવાને કારણે બાળકો ઉપર જઈને ગભરાઈ ગયા હતા અને નીચે ઉતરી શક્યા નહોતા.
બાળકો ટાંકી પર ફસાયા હોવાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ટાંકી પર ફસાયેલાં બાળકોને ખાવા-પીવાનું પહોંચાડવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી હતી. બાળકોને સુરક્ષિત નીચે લાવવા માટે સામાન્ય રસ્તાઓ નિષ્ફળ જતાં આખરે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી. આખરે એરફોર્સ હેલિકોપ્ટર દ્વારા બંને બાળકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
નિષ્ણાતો અને વહીવટીતંત્ર દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને જોખમી સ્ટન્ટ્સ પર ધ્યાન આપે. માત્ર થોડી સેકન્ડની રીલ અને લાઈક્સ મેળવવા માટે જીવ જોખમમાં મૂકવો એ કેટલું ભારે પડી શકે છે, તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.
આધુનિક ટેક્નોલોજી તરીકે સ્માર્ટફોન જેટલા કામના સાબિત થાય છે એટલા જ તેના દુરુપયોગના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. અનેક કિસ્સામાં તો વ્યક્તિ માટે તેમની આ આદત જીવલેણ સાબિત થતી હોવાની માહિતી પણ સામે આવતી હોય છે.