વૉઝિન્યાએ આર્જેન્ટિનાના આઠ ગોલ રોક્યા, એમાંથી ચાર લિયોનેલ મેસીના
માયામીઃ સદીઓ પહેલાં જ્વાળામુખી ફાટ્યા બાદ સર્જાયેલા 10 ટાપુઓથી બનેલા આફ્રિકા ખંડના ટચૂકડા દેશ કેપ વર્ડે (કાબૉ વર્ડે)ની નૅશનલ ફૂટબૉલ ટીમને 11મી જૂન પહેલાં કોઈ ઓળખતું પણ નહોતું, પણ એ દિવસે ફિફા વર્લ્ડ કપ શરૂ થયા પછી આ ટીમની પ્રતિભાથી સૌ વાકેફ થતા ગયા અને એમાં ખાસ કરીને એના 40 વર્ષીય ગોલકીપર વૉઝિન્યાના પર્ફોર્મન્સથી બધા પ્રભાવિત થતા ગયા હતા. વિશ્વ કપની શરૂઆત થઈ ત્યારે ઇન્સ્ટાગ્રામ પર વૉઝિન્યાના ફૉલોઅર્સ (Followers)ની સંખ્યા માંડ 50,000 હતી, પણ હવે તેના ચાહકોની સંખ્યા અસાધારણ પ્રમાણમાં વધી ગઈ છે.
વૉઝિન્યા (Vozinha)ના અપ્રતિમ પર્ફોર્મન્સને કારણે કેપ વર્ડેએ લીગ રાઉન્ડની પહેલી મૅચમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સ્પેન સામેની મૅચ ડ્રૉ કરાવી ત્યારે વૉઝિન્યાના ફૉલોઅર્સની સંખ્યા 80 લાખ પર પહોંચી હતી. બીજા દિવસે એ સંખ્યા 1.40 કરોડ પર પહોંચી ગઈ હતી અને શનિવારે સવારે ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિના સામેની નૉકઆઉટ મૅચમાં રેફરીએ ફાઇનલ વ્હીસલ વગાડી ત્યારે ઇન્સ્ટાગ્રામ પર વૉઝિન્યાના ફૉલોઅર્સની સંખ્યા 1.84 થઈ ગઈ હતી.
ફિફા રૅન્કિંગ્સમાં 60-પ્લસની રૅન્ક ધરાવતા, માંડ 5,00,000ની વસતી ધરાવતા અને ખ્રિસ્તી ધર્મ અનુસરતા કેપ વર્ડેએ શનિવારે 2022ના વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાને સહેલાઈથી નહોતું જીતવા દીધું. ભારે સંઘર્ષ બાદ આર્જેન્ટિના છેવટે એક્સ્ટ્રા-ટાઇમના થ્રિલરમાં 3-2થી જીત્યું હતું. કેપ વર્ડે હારી ગયું, પણ એના ફૂટબૉલપ્રેમીઓએ દેશમાં તેમ જ અન્ય રાષ્ટ્રોમાં પોતાના સમુદાય વચ્ચે વિજય જેવું સેલિબે્રશન કર્યું હતું.
લિયોમેલ મેસીના 29મી મિનિટના ગોલ, લિઝાન્ડ્રો માર્ટિનેઝના 92મી મિનિટના ગોલ અને કેપ વર્ડેના જ ડિની બોર્જિસના ઑન ગોલની મદદથી આર્જેન્ટિના 3-2થી જીત્યું ખરું, પણ એ પહેલાં આઠ તબક્કે વૉઝિન્યાએ આર્જેન્ટિનાનો ગોલ થતો રોક્યો હતો. એમાંથી ચાર શૉટ લિયોનેલ મેસીના હતા જેને વૉઝિન્યાએ રોક્યા હતા.

છેક હવે દુનિયા અમારા દેશને ઓળખીઃ કેપ વર્ડેના વતની
શનિવારે કેપ વર્ડેનો આર્જેન્ટિના સામે પરાજય થયો હતો, પણ મેસીને અને આર્જેન્ટિનાની આખી ટીમને છેક સુધી હંફાવીને કરોડો ફૂટબૉલચાહકોના દિલ કેપ વર્ડેએ જીતી લીધા હતા. પ્રિટો ફર્નાન્ડિઝ નામના કેપ વર્ડેના મૂળ વતનીએ 40 વર્ષ પહેલાં અમેરિકામાં પગ મૂક્યો ત્યારે કેપ વર્ડે દેશનું નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હતું અને કેટલાક લોકો તો નકશા પર કેપ વર્ડેને શોધી પણ નહોતા શકતા.
જોકે શનિવારે 65 વર્ષીય ફર્નાન્ડિઝે આર્જેન્ટિના સામેની 2-3ની હાર બાદ માયામી સ્ટેડિયમ માથું ઊંચું રાખીને છોડ્યું, કારણકે તેમના દેશ કેપ વર્ડેએ મેસીની ટીમને જબરદસ્ત લડત આપી હતી. ફર્નાન્ડિઝે એક મુલાકાતમાં કહ્યું, `હવે આખું વિશ્વ અમારા દેશનો ખરો ઉચ્ચાર જાણતું થયું છે. અમારા દેશનો ઉચ્ચાર કેપ વર્ડે નહીં, પણ કાબૉ વર્ડે છે. આ પોર્ટુગીઝ નામ છે. અમે જે કંઈ કરીએ એ મોટું દિલ રાખીને જ કરતા હોઈએ છીએ. અમે દિલાવર છીએ અને એ સૌએ જોઈ લીધું.' ઉલ્લેખનીય છે કે કેપ વર્ડેએ લીગ રાઉન્ડમાં સ્પેન, ઉરુગ્વે અને સઉદી અરેબિયા સામેની મૅચ ડ્રૉ કરાવી હતી.
મેસીની ટીમની મીડિયામાં ટીકા
કેપ વર્ડે જેવા ટચૂકડા દેશ સામે આસાનીથી તો ન જીતી શક્યા, પણ છેવટે 111મી મિનિટમાં એના જ ખેલાડીના ઑન ગોલની મદદથી આર્જેન્ટિના જીત્યું ત્યાર બાદ આર્જેન્ટિના તરફી કેટલાક ફૂટબૉલપ્રેમીઓએ કેપ વર્ડેના બેહદ વખાણ કરવાની સાથે મેસી ઍન્ડ કંપનીની ટીકા કરતા કહ્યું, `કેપ વર્ડેના ગોલકીપર વૉઝિન્યાએ આર્જેન્ટિના અને મેસી પર 100 ટકા રાજ કર્યું. કેપ વર્ડેની ટીમ ગમે ત્યારે (ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના) પોર્ટુગલને હરાવી શકે. આર્જેન્ટિનાએ જીતવા માટે છેક એક્સ્ટ્રા-ટાઇમમાં જવું પડ્યું. આર્જેન્ટિનાની ટીમની નબળાઈ છતી થઈ ગઈ. કેપ વર્ડે દેશને એના ફૂટબૉલ ખેલાડીઓએ ખરી ઓળખ કરાવી છે. ખુદ મેસી આ મૅચ જીવનભર નહીં ભૂલે.'