સંબંધોને સાંધવાની કળા તથા જખમનો સુવર્ણ ઇતિહાસ
- અભિમન્યુ મોદી
આપણે ત્યાં કોઈ માટીનું વાસણ કે મૂર્તિ તૂટે એટલે તરત જ તેને ખંડિત માનીને ઘરની બહાર પધરાવી દેવાનો રિવાજ છે. આપણું સામાજિક મનોવિજ્ઞાન એવું ઘડાયું છે કે જે તૂટી ગયું છે તે નકામું છે. તેને માંડમાંડ સાંધ્યા પછી પણ તેમાં પડેલી તિરાડ આપણી આંખમાં કણાની જેમ સતત ખૂંચ્યા કરે છે.
આપણે ત્યાં એક ઉક્તિ પણ છે : `મન -મોતી ને કાચ તૂટ્યા પછી જલદી ફરી સંધાય નહીં ' આપણને દરેક વસ્તુ અકબંધ અને સંપૂર્ણ જોઈએ છે, પરંતુ, જાપાનમાં આ તૂટવાને અને તિરાડોને જોવાનો એક સાવ અલગ અને અત્યંત સુંદર દૃષ્ટિકોણ છે. ત્યાં માટીનાં વાસણો જ્યારે તૂટી જાય ત્યારે તેને ફેંકી દેવાને બદલે તેના ટુકડાઓને ભેગા કરીને, તેને સાંધવા માટે લાખ અને સોનાના પાઉડરના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. કળાની આ વિશિષ્ટ પદ્ધતિ ` કિત્સુગી' તરીકે ઓળખાય છે. (આ કળા વિશે `મુંબઈ સમાચાર' અગાઉ વિગતવાર લખી ગયું છે )
આ કિત્સુગી માત્ર કોઈ વાસણ સાંધવાની ટેકનિક નથી, પણ જીવનને જોવાની એક બહુ મોટી અને ગહન ફિલોસોફી છે. આ કળાનો મૂળ ઉદ્દેશ્ય તિરાડોને છુપાવવાનો નથી, બલ્કે તેને સોનાથી ભરીને વધુ ઉજાગર કરવાનો છે. જાપાનમાં માને છે કે જ્યારે કોઈ વસ્તુ તૂટે છે અને ફરીથી જોડાય છે, ત્યારે તેનો ઇતિહાસ વધુ સમૃદ્ધ બને છે. એ તિરાડ એ વાસણની કમજોરી નથી, પણ તેની અસ્તિત્વ ટકાવી રાખવાની જિજીવિષાનો પુરાવો છે. સોનાથી મઢાયેલી એ તિરાડો વાસણને પહેલાં કરતાં પણ વધુ મૂલ્યવાન અને અદ્વિતીય બનાવી દે છે. જેણે આઘાત સહન કર્યો છે અને છતાં જે ફરીથી આકાર પામ્યું છે, તેનું સૌંદર્ય કોઈ કોરી અને અકબંધ વસ્તુ કરતાં અનેકગણું વધારે હોય છે.
આજના આધુનિક સમયમાં આપણે આ ભાવના સાવ ગુમાવી બેઠા છીએ. આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જેને `યુઝ એન્ડ થ્રો' સંસ્કૃતિ કહી શકાય. અગાઉના સમયમાં ઘરમાં કોઈ વસ્તુ બગડે તો તેને ફરીથી ચાલુ કરવા પાછળ દિવસો ગાળવામાં આવતા. હવે આપણી પાસે સાંધવાની ધીરજ ખૂટી ગઈ છે. બજાર આપણને શીખવે છે કે જૂનું બગડે એટલે તરત નવું લઈ આવો. દુર્ભાગ્યે, બજારની આ માનસિકતા આપણા સામાજિક અને અંગત વ્યવહારોમાં પણ પ્રવેશી ચૂકી છે.
આજે સંબંધોમાં સહેજ પણ તિરાડ પડે, વિચારોની ટકરામણ થાય કે કોઈની નાની સરખી ભૂલ પકડાય, તો આપણે તરત જ એ સંબંધને તોડી નાખીએ છીએ. આપણે માણસોને બહુ આસાનીથી બદલી નાખતા શીખી ગયા છીએ. નવા અને અકબંધ વિકલ્પોની શોધમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે સંપૂર્ણતા એ માત્ર એક ભ્રમ છે.
કોઈ પણ લાંબો સંબંધ ક્યારેય આજીવન અકબંધ નથી રહી શકતો. વર્ષોના વહાણા વાય એટલે બે વ્યક્તિઓ વચ્ચે ગેરસમજ, અહંકારનો ટકરાવ કે પરિસ્થિતિઓને કારણે તિરાડો પડવી સ્વાભાવિક છે, પરંતુ આધુનિક માણસ આ તિરાડોથી ડરી જાય છે. તેને લાગે છે કે જે સંબંધમાં એકવાર કડવાશ આવી ગઈ, તે હવે ક્યારેય પહેલો હતો તેવો નહીં થઈ શકે.
વાત સાચી પણ છે, સંબંધ પહેલા જેવો ક્યારેય નથી થતો. પણ જો બે વ્યક્તિ વચ્ચે ક્ષમા, સમજણ અને સમયનું સોનું રેડવામાં આવે, તો તે સંબંધ પહેલાં કરતાં પણ વધુ પરિપક્વ અને મજબૂત બની શકે છે. સંબંધોમાં પડેલી તિરાડ એ અંત નથી, પણ એકબીજાને નવા સ્વરૂપે સમજવાની તક છે. જે સંબંધે ક્યારેય કોઈ વાવાઝોડું જોયું જ નથી અને જે ક્યારેય તૂટવાની અણી પર નથી આવ્યો, તેની મજબૂતાઈ પર ક્યારેય પૂરો ભરોસો ન કરી શકાય.
માત્ર સંબંધો જ નહીં, માણસનો પોતાનો આત્મા પણ જીવનની થપાટો ખાઈને ઘણીવાર ખંડિત થઈ જતો હોય છે. નિષ્ફળતા, કોઈ અંગત સ્વજનની અણધારી વિદાય કે આર્થિક પછડાટો માણસની અંદર ઊંડા જખમ કરી જાય છે. આપણે આ જખમોને દુનિયાથી છુપાવવા માટે નકલી સ્મિતના મહોરાં પહેરીએ છીએ. આપણે આપણા જખમથી શરમાઈએ છીએ, પણ આ ફિલોસોફી શીખવે છે કે તમારાં જખમો એ તમારી કમજોરી નથી, એ તમારો અનુભવ છે. એ તિરાડોમાં તમારી સહનશક્તિ અને તમારી જીવવાની તાકાત છુપાયેલી છે. એ જખમોને છુપાવવાને બદલે તેને ગર્વથી સ્વીકારો. જિંદગીના આ સફરમાં જે માણસ સાવ અકબંધ અને ડાઘરહિત રહ્યો છે, તેણે કદાચ જિંદગી પૂરેપૂરી જીવી જ નથી. પવનની થપાટોથી જેના પાંદડા ખરી ગયા છે અને છતાં જે ઊભું છે એ વૃક્ષનું સૌંદર્ય અલગ જ હોય છે.
સંબંધ હોય કે પોતાનું અસ્તિત્વ, તેને સાંધવાની કળા માણસને વધુ ગહન બનાવે છે. જ્યારે તમે કોઈ સંબંધને તૂટતા બચાવો છો અને તેમાં પડેલી તિરાડને પ્રેમથી ભરો છો, ત્યારે તે સંબંધ સામાન્યમાંથી અત્યંત મૂલ્યવાન બની જાય છે. કોઈને છોડી દેવા કે જિંદગીમાંથી કાઢી મૂકવા એ બહુ જ સહેલું કામ છે, પરંતુ તૂટેલા ટુકડાઓને વીણીને, તેને હૂંફ અને સ્વીકારથી ફરી એકાકાર કરવા એ સર્જનની સૌથી મોટી પ્રક્રિયા છે. આગામી વખતે જ્યારે જિંદગીમાં કોઈ સંબંધ કે કોઈ આશા તૂટેલી લાગે, ત્યારે તેને ફેંકી દેવાની ઉતાવળ કરવાને બદલે, તેની તિરાડોમાં સમજણનું સોનું ભરી જોજો, કારણ કે, દુનિયાની સૌથી સુંદર વસ્તુઓ એ જ છે, જે એકવાર તૂટ્યા પછી અત્યંત કાળજીથી ફરીથી સાંધવામાં આવી હોય.