કવર સ્ટોરી - નિલેશ વાઘેલા
ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે દાયકાઓ દરમિયાન વૈશ્ર્વિક સ્તરે મજબૂત પ્રતિષ્ઠા ઊભી કરી છે. સ્પર્ધાત્મક કિંમતે ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓનું ઉત્પાદન કરવાની ક્ષમતાએ ભારતને ગ્લોબલ હેલ્થકેર સપ્લાઇ ચેઇનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન અપાવ્યું છે. જોકે, બદલાતાં સમય સાથે એક વાત સમજી લેવી આવશ્યક છે કે, ભારતીય ફાર્મા ઉદ્યોગનો આગામી વિકાસ માત્ર ખર્ચની સ્પર્ધાત્મકતા પર આધારિત નહીં રહી શકે!
ભારત 2030 સુધીમાં આશરે રૂ. 130 અબજ અમેરિકન ડૉલરના ફાર્માસ્યુટિકલ માર્કેટનું લક્ષ્ય ધરાવે છે ત્યારે, ઉદ્યોગ સામે એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે: શું ભારત વિશ્ર્વની ઓછા ખર્ચે દવાઓ પૂરી પાડતી ફાર્મસીમાંથી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ ઇનોવેશનનું કેન્દ્ર બની શકે?
આ પ્રશ્નનો જવાબ એ વાત પર નિર્ભર રહેશે કે કંપનીઓ, નીતિનિર્માતાઓ અને સંશોધન સંસ્થાઓ પરંપરાગત જેનરિક દવાઓથી આગળ વધીને નવી ક્ષમતાઓમાં કેટલું રોકાણ કરે છે. સંશોધન અને વિકાસ (આરએન્ડડી), અદ્યતન ઉત્પાદન પદ્ધતિઓ, ડિજિટલ ટેક્નોલોજી, બાયોલોજિક્સ, બાયોસિમિલર્સ, સેલ અને જીન થેરાપી, ટ્રેસેબિલિટી તથા વૈશ્ર્વિક ધોરણોની ગુણવત્તા હવે આગામી દાયકાના વિજેતાઓ નક્કી કરશે.
ભારત પાસે આ પરિવર્તન માટે જરૂરી અનેક મજબૂત આધારસ્તંભો પહેલેથી જ મોજૂદ છે. વિશાળ વૈજ્ઞાનિક અને ટેકનિકલ માનવસંસાધન, વિકસિત ઉત્પાદન ક્ષમતા અને વૈશ્ર્વિક ફાર્માસ્યુટિકલ બજારોની ઊંડી સમજ તેની મોટી તાકાત છે. હવે પડકાર, આ શક્તિઓને ઉચ્ચ મૂલ્ય ધરાવતી બૌદ્ધિક સંપત્તિ, ઉત્પાદનો અને સેવાઓમાં પરિવર્તિત કરવાનો છે!
તેલંગાણા આ મહત્ત્વાકાંક્ષાનું એક રસપ્રદ ઉદાહરણ છે. રાજ્ય એક મહત્ત્વપૂર્ણ ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને વેક્સિન હબ તરીકે ઊભરી આવ્યું છે, પરંતુ હવે તેનું લક્ષ્ય લાઇફ સાયન્સિસ ઇનોવેશનનું કેન્દ્ર બનવાનું છે. બાયોલોજિક્સ, બાયોસિમિલર્સ, સેલ અને જીન થેરાપી તથા અન્ય ટેક્નોલોજી આધારિત ક્ષેત્રો પર તેનું ધ્યાન ઉદ્યોગે કઈ દિશામાં આગળ વધવું જોઈએ તે દર્શાવે છે.
આ જ બાબત એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઇ) માટે પણ લાગુ પડે છે. ભારત પાસે એપીઆઇ અને બલ્ક ડ્રગ્સના ક્ષેત્રમાં નોંધપાત્ર અનુભવ છે, પરંતુ કી સ્ટાર્ટિંગ મટિરિયલ્સ અને ઇન્ટરમિડીયેટ્સ માટે આયાત પરની નિર્ભરતા હજુ પણ વ્યૂહાત્મક નબળાઈ છે. તેથી સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત બનાવવી માત્ર ઔદ્યોગિક નીતિનો મુદ્દો નથી; તે દેશની સપ્લાય-ચેઇન સ્થિરતા અને સ્પર્ધાત્મકતા સાથે પણ જોડાયેલો છે.
પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજના અને બલ્ક ડ્રગ પાર્ક જેવી સરકારી પહેલો મજબૂત પાયો પૂરો પાડી શકે છે. પરંતુ માત્ર સરકારી પ્રોત્સાહનો વૈશ્ર્વિક સ્તરે સ્પર્ધાત્મક ફાર્માસ્યુટિકલ કંપનીઓ ઊભી કરી શકતા નથી. આરએન્ડડી, પ્રક્રિયા નવીનીકરણ, ઓટોમેશન અને અદ્યતન ઉત્પાદન પદ્ધતિઓમાં સતત ખાનગી રોકાણ પણ એટલું જ અનિવાર્ય છે.
કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ (સીઆરડીએમઓ) ક્ષેત્રમાં ભારત માટે ખાસ મોટી તક છે. આગામી વર્ષોમાં આ ક્ષેત્ર નોંધપાત્ર રીતે વિસ્તરવાની સંભાવના ધરાવે છે અને 2030 સુધીમાં તો તેમાં અબજો ડૉલરની તક ઊભી થઈ શકે છે. પરંતુ આ તક મેળવવા માટે માત્ર ઓછો ઓપરેટિંગ ખર્ચ પૂરતો નહીં રહે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકો હવે અત્યાધુનિક ક્ષમતાઓ, ગુણવત્તા સાતત્ય, નિયમનકારી વિશ્ર્વસનીયતા અને જટિલ વિકાસ કાર્યક્રમોમાં સહયોગ કરવાની ક્ષમતા પણ ઇચ્છે છે. અહીં ગુણવત્તા વ્યૂહાત્મક સ્પર્ધાત્મકતા બની જાય છે.
વર્ષો સુધી કમ્પ્લાયન્સને ઘણી વખત માત્ર નિયમનકારી જવાબદારી તરીકે જોવામાં આવતું હતું. હવે આ અભિગમ પૂરતો નથી. પરસ્પર સંકળાયેલા વૈશ્ર્વિક ફાર્માસ્યુટિકલ બજારમાં કમ્પ્લાયન્સ શરૂઆતનું ધોરણ છે. સ્પર્ધાત્મક લાભ એવી કંપનીઓને મળશે જે પોતાની પ્રક્રિયાઓમાં ગુણવત્તાને મૂળભૂત રીતે સામેલ કરે, ટ્રેસેબિલિટી સુધારવા ટેક્નોલોજીનો ઉપયોગ કરે, ટકાઉ ઉત્પાદન અને પેકેજિંગ અપનાવે અને આંતરરાષ્ટ્રીય ધોરણોને સતત પૂર્ણ કરે અથવા તેનાથી પણ આગળ વધે.
ભારતે ઇનોવેશનને જેનરિક દવાઓના વિકલ્પ તરીકે જોવાની ભૂલ પણ ન કરવી જોઈએ. દેશનો સ્થાપિત જેનરિક ઉદ્યોગ તેની સૌથી મોટી સંપત્તિઓમાંનો એક છે. હેતુ એવો હોવો જોઈએ કે જેનરિક્સ, એપીઆઇ, બાયોલોજિક્સ, બાયોસિમિલર્સ અને નવી થેરાપીઓ એકબીજાને મજબૂત બનાવે તેવી સમગ્ર ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવે.
આ પરિવર્તન માટે ધીરજ અને મૂડી બંને આવશ્યક છે. નવી દવાઓની શોધ અને અદ્યતન થેરાપીઓનો વિકાસ ટૂંકા ગાળામાં શક્ય નથી. યુનિવર્સિટીઓ, સ્ટાર્ટ-અપ્સ, સ્થાપિત ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સરકારી સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત ભાગીદારી જરૂરી બનશે. સાથે જ, એવી સંશોધન પ્રવૃત્તિઓને પણ નાણાકીય સહાય આપવી પડશે જેમાં જોખમ વધારે હોય પરંતુ લાંબા ગાળે વળતર પણ ઘણું મોટું હોઈ શકે.
ભારત હવે એક મહત્ત્વપૂર્ણ વળાંક પર છે. તેની ફાર્માસ્યુટિકલ સફળતાની કથા અફોર્ડેબિલિટી અને સ્કેલ પર ઊભી થઈ હતી. હવે તેનું ભવિષ્ય એ વાત પર નિર્ભર છે કે આ પાયામાં ઇનોવેશન, રેઝિલિયન્સ અને અડગ ગુણવત્તાનો કેટલો સફળતાપૂર્વક ઉમેરો થાય છે.
આગામી દાયકાનો હેતુ ભારતીય ફાર્મા ઉદ્યોગને સફળ બનાવનારી બાબતોને છોડી દેવાનો ન હોવો જોઈએ. હેતુ ઓછા ખર્ચના ઉત્પાદનથી ઉચ્ચ મૂલ્ય ધરાવતા હેલ્થકેર નેતૃત્વ તરફ આગળ વધવાનો હોવો જોઈએ. જો ભારત આ પરિવર્તન સફળતાપૂર્વક કરી શકશે, તો તેનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માત્ર વિશ્ર્વને દવાઓ જ પૂરી નહીં પાડે, પરંતુ ગ્લોબલ મેડિસિનના ભવિષ્યને ઘડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ઓષધ ઉદ્યોગને કેવા ઉપચારની આવશ્યકતા છે?
ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે હવે ઓછા ખર્ચે જેનરિક દવાઓ બનાવવાની પરંપરાગત તાકાતથી આગળ વધીને ઇનોવેશન, ગુણવત્તા અને અદ્યતન ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. 2030 સુધીમાં 130 અબજ ડૉલરના બજારના લક્ષ્ય સાથે આગળ વધવા આરએન્ડડી, બાયોલોજિક્સ, બાયોસિમિલાર્સ, એપીઆઇ, ડિજિટલ ટેક્નોલોજી અને સીઆરડીએમઓ સેવાઓમાં વધુ રોકાણ જરૂરી બનશે.
આયાતી ફાર્માસ્યુટિકલ, કાચા માલ પરની નિર્ભરતા ઘટાડવી પણ સપ્લાય ચેઇનની સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે. સરકારી પ્રોત્સાહનો આ પરિવર્તનને મદદ કરી શકે છે, પરંતુ ખાનગી રોકાણ અને ઉદ્યોગ સંશોધનની ભાગીદારી પણ જરૂરી છે. હવે કમ્પ્લાયન્સ મૂળભૂત ધોરણ છે, જ્યારે ટેક્નોલોજી, ટ્રેસેબિલિટી, ટકાઉ ઉત્પાદન અને વૈશ્ર્વિક ગુણવત્તા ભારતીય ફાર્મા માટે મુખ્ય સ્પર્ધાત્મક લાભ બનશે.