Thu May 21 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 21 Feb 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-02-21 08:27:00
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

2026-02-21 22:39:25

સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, ગ્લોબલ ટેરિફ વધારીને 15 ટકા કર્યો

અમેરિકાની સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વોર ચાલુ રાખી છે. જેમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ દેશો પર લાદવામાં આવેલ વર્તમાન 10 ટકા ટેરિફને  વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે.

2026-02-21 21:59:39

સ્વામી અવિમુક્તેશ્વરાનંદે યૌન શોષણ કેસ અંગે પ્રતિક્રિયા આપી, કહ્યું ફરિયાદી જ હિસ્ટ્રીશીટર છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી ચર્ચામાં આવ્યા છે. જેમાં  પ્રયાગરાજની એડીજે રેપ અને પોક્સો સ્પેશિયલ કોર્ટે શંકરાચાર્ય અને તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરુદ્ધ ગંભીર યૌન શોષણ કેસની એફઆઈઆર  દાખલ કરવાનો આદેશ આપ્યો છે. જેની બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રતિક્રિયા આપી છે. તેમજ કહ્યું છે અમારી પર આરોપ લગાવનાર પોતે જ હિસ્ટ્રીશીટર છે.

2026-02-21 21:28:30

અમેરિકા- ઈરાન તણાવ વચ્ચે સર્બિયા અને સ્વીડને નાગરિકોને ઈરાન છોડવા અપીલ કરી

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે અન્ય દેશો ચિંતા પણ વધી છે.  જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાને 10 દિવસની ચેતવણી આપી છે. ત્યારે યુદ્ધની સંભવિત સ્થિતીને જોતા સર્બિયા અને સ્વીડને તેમના  નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા જણાવ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કરાર પર વિવાદ ચાલી રહ્યો છે.

2026-02-21 21:22:56

કોલંબોમાં મેઘરાજાની એકધારી મહેરઃ પાકિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડ મૅચ ધોવાઈ ગઈ, એક-એક પૉઇન્ટ અપાયાં

ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં કોલંબોમાં પ્રથમ ગ્રાસે મક્ષિકાની સ્થિતિ વચ્ચે મેઘરાજા અટકવાનું નામ નથી લેતા. રાત્રે 10.16 વાગ્યાના કટ-ઑફ ટાઇમ પહેલાં મેદાન સાફ થઈ જાત તો પાંચ-પાંચ ઓવર શક્ય હતી, પરંતુ એ પણ ન થઈ શકતા બન્ને ટીમને એક-એક પૉઇન્ટ આપી દેવામાં આવ્યો છે. ગયા રવિવારે આ જ મેદાન પર ભારતે પાકિસ્તાનને 114 રનમાં આઉટ કરીને 61 રનથી હરાવ્યું હતું. ત્યાર બાદ એ જ સ્થળે ઝિમ્બાબ્વેએ શ્રીલંકાને આંચકો આપ્યો હતો. હવે પાકિસ્તાનની બાકીની બન્ને મૅચ પલ્લેકેલમાં છે.

2026-02-21 20:20:33

ટ્રમ્પ ટેરિફ પર અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારત સરકારે પ્રતિક્રિયા આપી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ ટેરિફ પર આપેલા ચુકાદા બાદ ભારત  તેની પર નજર રાખી રહ્યું છે. જે અંગે વાણિજ્ય મંત્રાલયે શનિવારે સ્પષ્ટતા કરી હતી. તેમજ કહ્યું હતું કે  અમેરિકનાની  સુપ્રીમ કોર્ટના નિર્ણય અને રાષ્ટ્રપતિ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી ત્યાર બાદની જાહેરાતોની સંભવિત અસરનો નજીકથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

2026-02-21 19:36:22

રાત્રે 8.10 વાગ્યાથી ઓવર ઘટશે, પાંચ ઓવર માટે નક્કી થયો કટ-ઑફ ટાઇમ

કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ટી-20 વર્લ્ડ કપ સુપર-એઇટ મૅચ શરૂ થાય એ પહેલાં જ મેઘરાજાએ પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે આઇસીસીના ગણિતશાસ્ત્રીઓએ ઓવરની ગણનાનું કામ શરૂ કરી દીધું છે. મૅચ 7.00 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ વિલંબમાં મુકાઈ છે. એક અહેવાલ મુજબ રાત્રે 8.10 વાગ્યા સુધીમાં પણ જો મૅચ શરૂ નહીં થાય તો ત્યારે ઓવર ઘટાડવાનું શરૂ થઈ જશે. વરસાદ વધુ પડતાં રમત શરૂ નહીં જ થાય તો છેવટે પાંચ-પાંચ ઓવરની મૅચ પણ શક્ય બનાવવા માટે રાત્રે 10.16 વાગ્યાનો સ્થાનિક કટ-ઑફ ટાઇમ નક્કી કરાયો છે. જો મૅચ રમાશે જ નહીં તો બન્ને ટીમને આ રાઉન્ડમાં આગળ જતાં ખૂબ તકલીફ થશે.

2026-02-21 19:28:30

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

કર્ણાટકમાં શિરહટ્ટી વિધાનસભાના  ભાજપના ધારાસભ્ય ડૉ. ચંદ્રુ લમાની 11 લાખ રૂપિયાના લાંચ કેસમાં પાંચ લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. તેમની ધરપકડ કર્ણાટક લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચારના આરોપસર કરી છે. તેમની સાથે તેમના બે  પીએની પણ ધરપકડ કરવામાં આવી છે.

2026-02-21 18:55:49

દિલ્હીનો લાલકિલ્લો હવે મુલાકાતીઓ માટે દરરોજ ખુલ્લો રહેશે

દિલ્હીનો લાલકિલ્લો હવે મુલાકાતીઓ માટે સપ્તાહના તમામ દિવસો માટે ખુલ્લો રહેશે. આ અંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કિલ્લો દર સોમવારે બંધ રહેતો હતો. પરંતુ હવે મુલાકાતીઓ માટે દરરોજ  ખુલ્લો રહેશે.

2026-02-21 18:04:39

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી, માર્ચથી સીઆરપીએફની 480 કંપનીઓ તૈનાત કરાશે

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ માટે  ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં ચૂંટણી પંચ  એક તરફ SIR હેઠળ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવી રહ્યું છે. તો બીજી તરફ રાજયમાં શાંતિપૂર્ણ મતદાન માટે પણ તૈયારી આરંભી દીધી છે. જેના ભાગરૂપે 1 માર્ચથી જ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 480 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.

2026-02-21 17:10:39

શ્રીનગરમાં મોટી દુર્ઘટના, CRPF નું મોબાઈલ બંકર નદીમાં પડતા સાત જવાનો ઘાયલ

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એક મોટી  દુર્ઘટના ઘટી છે. જેમાં  શ્રીનગરના ઉમર હેયર સૌરા વિસ્તારમાં સીઆરપીએફનું નદી કિનારે સ્થિત એક મોબાઈલ બંકર અચાનક નદીમાં પડ્યું હતું. આ મોબાઈલ બંકરમાં ડ્યુટી પર તૈનાત જવાનો હતા. આ દુર્ઘટનામાં સાત જવાનો ઘાયલ થયા છે.

2026-02-21 16:33:41

AI સમિટમાં 88 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હીમાં આયોજિત પાંચ દિવસીય  ઇન્ડિયા AI સમિટ 2026માં  88 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતના AI ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને  માનવ-કેન્દ્રિત AI તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. આ પગલું વૈશ્વિક સ્તરે એઆઈ ટેકનોલોજીના સલામત, સમાન અને જવાબદાર વિકાસ તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવી રહ્યું છે.

2026-02-21 16:01:00

સ્મૃતિ-જેમિમાની હાફ સેન્ચુરી, બે બૉલમાં બે પ્લેયર રનઆઉટઃ ભારતે આપ્યો 177નો લક્ષ્યાંક

ઍડિલેઇડમાં ભારતે ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને નિર્ણાયક ટી-20માં બૅટિંગ લીધા બાદ 20 ઓવરમાં છ વિકેટે 176 રન કર્યા હતા જેમાં ઓપનર સ્મૃતિ મંધાના (82 રન, પંચાવન બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) અને જેમિમા રૉડ્રિગ્સ (59 રન, 46 બૉલ, ચાર ફોર)ની હાફ સેન્ચુરીનો સમાવેશ હતો. શેફાલી વર્મા માત્ર સાત રન, વિકેટકીપર રિચા ઘોષ 18 રન બનાવીને આઉટ થઈ હતી. અમનજોત કૌર (એક રન) અને દીપ્તિ શર્મા (એક રન) ઇનિંગ્સની 20મી ઓવરના અનુક્રમે પાંચમા અને છઠ્ઠા બૉલ પર રનઆઉટ થતાં દાવને રોમાંચક અંત મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાની ઍનાબેલ સધરલૅન્ડે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. બન્ને ટીમ 1-1ની બરાબરીમાં છે.

2026-02-21 15:56:20

AI સમિટમાં પ્રદર્શન મુદ્દે ઇન્દોરમાં કોંગ્રેસ ભાજપના કાર્યકરો બાખડ્યા, સામસામો પથ્થરમારો

દિલ્હીના  AI સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ કરેલા પ્રદર્શન  મુદ્દે  ભાજપના કાર્યકરો કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે. જેમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપ કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવા એકત્ર થયા હતા. જોકે, આ દરમિયાન કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તેમજ તેની બાદ સામસામો પથ્થરમારો થતા વાતાવરણ તંગ બન્યું હતું.

2026-02-21 13:42:47

રાજકોટ ત્રણ દિવસ નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનને લઇ 23 થી 25 ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું છે. 1400 થી વધુ ગેરકાયદેસર મિલકતો દૂર કરવા માટે રાજકોટ મહાનગર પાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલેશનને કામગીરી કરવામાં આવનારી છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે

2026-02-21 13:09:56

જસદણના કનેસરા ગામે દીપડાનો પૂજારી પર હુમલો

જસદણ તાલુકાના કનેસરા ગામે આવેલા મહાદેવ મંદિર ખાતે દીપડાએ મહંત અને ખેડૂત પર હુમલો કર્યો હતો.જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.હુમલા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહંતને બચાવ્યા બાદ લોકોએ હિંમત અને સમયસૂચકતા વાપરીને દીપડાને મકાનના એક ઓરડામાં પૂરી દીધો હતો.

2026-02-21 12:08:29

બનાસકાંઠામાં પણ અકસ્માત

બનાસકાંઠાના દાંતા તાલુકામાં  અડેરણ અને ઓરસંગ ગામ પાસે બે બાઈક સામસામે ટકરાતા પાંચ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

2026-02-21 10:43:07

રાજકોટ જંગલેશ્વરમાં ડિમોલિશન કાર્યવાહી

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનને લઈ પોલીસ-મનપા અધિકારી અને કર્મચારીઓના ધાડેધાડા ઉતર્યા છે. પોલીસ અને મનપાના અધિકારીઓએ સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જો કે રહીશોની એક જ માંગ છે 'વૈકલ્પિક જગ્યા આપો તો મોલ અત્યારે ખાલી કરી દઈએ'.

2026-02-21 09:18:43

ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો

ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ગઈકાલે કપરાડાના કુંભઘાટ પર ટ્રક અને કાર વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના 7 સભ્યોના કરૂણ મોત થયા હતા. આજે ઊંઝા-મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઇડર સાથે અથડાતા જતા બે પુરુષો, એક સ્ત્રી અને એક બાળક સહીત 4ના ઘટનાસ્થળે મોત થયા હતા.

2026-02-21 08:44:29

અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ ખાતે મીડિયાને સંબોધન કરશે અને ભાવનગર ખાતે સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

2026-02-21 08:30:36

ટ્રમ્પે આપ્યો વધુ એક ઝટકો

અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યા બાદ તેમણે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો. ટ્રમ્પે તમામ દેશો પર 10 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો હતો.