Mon Oct 05 2026

Logo

બોરીવલીમાં કાર અકસ્માતમાં ઈન્ડિગો ઍરલાઈન્સની ક્રૂ મેમ્બરનું મૃત્યુ

2026-09-21 18:36:44
Author: Yogesh C. Patel
બોરીવલીમાં કાર અકસ્માતમાં ઈન્ડિગો ઍરલાઈન્સની ક્રૂ મેમ્બરનું મૃત્યુ

મુંબઈ: બોરીવલીમાં બ્રિજના કઠેડા સાથે કૅબ ટકરાયા પછી ગંભીર રીતે ઘવાયેલી ઈન્ડિગો ઍરલાઈન્સની 32 વર્ષની કૅબિન ક્રૂ મેમ્બરનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

કસ્તુરબા માર્ગ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ મીરા રોડમાં રહેતી કાયનૂર મિસ્ત્રી તરીકે થઈ હતી. ઈન્ડિગો દ્વારા કર્મચારીઓ માટે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની કૅબ ભાડે લેવામાં આવી હતી. આ કૅબમાં કામથી છૂટ્યા પછી ઘરે જઈ રહેલી મિસ્ત્રીને શુક્રવારની વહેલી સવારે 5.45 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો.

કૅબના ડ્રાઈવર વિજય ખોસે (25)એ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બોરીવલી નજીક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પુરપાટ દોડતી કૅબ બ્રિજના કઠેડા સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં મિસ્ત્રી ગંભીર રીતે ઘવાઈ હતી.

અકસ્માતને પગલે રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. અન્ય વાહનની મદદથી મિસ્ત્રીને મીરા રોડની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. માથામાં ગંભીર ઇજાને કારણે તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં શનિવારની સાંજે તેનું મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં ડ્રાઈવર ખોસે ચમત્કારિક રીતે બચી ગયો હતો. મિસ્ત્રીના મૃત્યુને પગલે તેની વિરુદ્ધના ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 106(1) (બેદરકારીથી વાહન ચલાવી મૃત્યુ નીપજાવવું) ઉમેરવામાં આવી હતી. તપાસ માટે ખોસેને નોટિસ મોકલવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ઘટના સમયે ડ્રાઈવર દારૂના નશામાં નહોતો અને અકસ્માત પછી તે ફરાર થયો નહોતો. મિસ્ત્રીનો આઠ વર્ષનો દીકરો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)