Mon Oct 05 2026

Logo

પાણીના બિલ નહીં ચૂકવનારાના પાણીના જોડાણ કાપી નાખવાની પાલિકાની ચીમકી

2026-03-12 20:30:19
Author: Sapna Desai
પાણીના બિલ નહીં ચૂકવનારાના પાણીના જોડાણ કાપી નાખવાની પાલિકાની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકા મારફત નાગરિકોને નિયમિત સ્વરૂપે પાણીપુરવઠો કરવામાં આવતો હોઈ જેના પણ પાણીના બિલ ચૂકવવાના બાકી હોય તેમને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં ભરી નાખવાની અપીલ કરવામાં આવી છે. નિર્ધારીત મુદતમાં બાકી રહેલા પાણીના બિલ નહીં ચૂકવનારાઓના પાણીના જોડાણ ખંડિત કરવાની ચેતવણી પાલિકા દ્વારા આપવામાં આવી છે.

પાલિકાના હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટ દ્વારા પાણીના બાકી રહેલા બિલની વસૂલી માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકોને બિલ ભરવામાં સુવિધા રહે તે માટે વોર્ડ સ્તરે પાલિકાની ઓફિસમાં આવેલા નાગરી સુવિધા કેન્દ્રમાં ભરવાની સૂચના આપવામાં આવી છે. એ સિવાય પાલિકાની વેબસાઈટ પર પાણીના બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

એનઈએફટી અને ઓનલાઈન પેમેન્ટ, મોબાઈલ ઍપ જેવા ડિજિટલ માધ્યમથી પણ બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. નિર્ધારીત મુદતમાં એટલે કે ૩૧ માર્ચ, ૨૦૨૬ અગાઉ તમામ બાકી રહેલા પાણીના બિલ નહીં ભર્યા તો પાણીના જોડાણ ખંડિત કરવાની કાર્યવાહી કરવાની ચેતવણી પાલિકાએ ઉચ્ચારી છે.