Tue Oct 06 2026

Logo

ચામુંડા માતા અને કષ્ટભંજન દેવના દર્શન થશે સરળ: ભુજથી સાળંગપુર-ચોટીલાની નવી બસ શરૂ, માંગરોળ-ભાવનગરને મળી ડીલક્સની સુવિધા

2026-09-22 14:36:16
Author: Mayur Patel
ચામુંડા માતા અને કષ્ટભંજન દેવના દર્શન થશે સરળ: ભુજથી સાળંગપુર-ચોટીલાની નવી બસ શરૂ, માંગરોળ-ભાવનગરને મળી ડીલક્સની સુવિધા

ભુજઃ કચ્છના મુસાફરો અને ધાર્મિક પ્રવાસીઓની લાંબા સમયની માંગણીને માન આપી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભુજ એસ.ટી. ડેપોને પાંચ નવી બસો ફાળવવામાં આવી છે, જેનું ભુજ બસપોર્ટ ખાતે સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત પૂજન બાદ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 

આ નવી બસો પૈકી એક બસ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા અને સાળંગપુર રૂટ પર શરૂ કરવામાં આવી છે, જેનાથી શ્રદ્ધાળુઓ એક જ ફેરામાં ચામુંડા માતાજી અને કષ્ટભંજન દેવના દર્શનનો લાભ લઈ શકશે. અગાઉ આ રૂટ પર સવારે ૮:૧૫ કલાકે ઉપડતી લોકલ મિની બસ સાંજે ૭:૦૦ વાગ્યે પહોંચાડતી હોવાથી પ્રવાસીઓનો સમય વેડફાતો હતો, જેની જગ્યાએ હવે ઝડપી ડીલક્સ એક્સપ્રેસ બસ સવારે ૫:૩૦ કલાકે ભુજથી ઉપડી ૧૧:૩૦ કલાકે ચોટીલા અને બપોરે ૨:૩૦ કલાકે સાળંગપુર પહોંચશે તેમજ ત્યાંથી સાંજે ૪:૩૦ કલાકે રવાના થઈ ચોટીલા થઈને રાત્રે ભુજ પરત ફરશે; જેનું શેડ્યૂલ આગામી બે-ત્રણ દિવસમાં નિગમની ઓનલાઈન બુકિંગ એપ્લિકેશન પર પણ અપડેટ થઈ જશે. 

આ ઉપરાંત, બાકીની ચાર ડીલક્સ એક્સપ્રેસ બસો લાંબા અંતરના અતિ વ્યસ્ત એવા ભુજ-માંગરોળ અને ભુજ-ભાવનગર રૂટ પર જૂની ખખડધજ બસોના સ્થાને દોડાવાશે, જેથી સૌરાષ્ટ્ર તરફ જતા મુસાફરોને આરામદાયક મુસાફરીની મોટી રાહત મળશે. આ લોકાર્પણ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, એસ.ટી. નિગમના ડીટીઓ વી. એલ. ચૌધરી, ડીએમઈ ડોડિયા, ભુજ ડેપો મેનેજર એચ. આર. શામળા સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદે પ્રજાજનોને આ નવી સેવાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)