Mon Aug 17 2026

Logo

નવો બનેલો રાજમાર્ગ 24 કલાકમાં જ ખોદાતા લોકમાં રોષ, નગર પાલિકાની વિચિત્ર કામગીરી સામે સવાલો

2026-08-14 21:48:02
Article Image

ભુજઃ ભુજ શહેરમાં ટાઉનહોલથી ઐતિહાસિક હમીરસર તળાવ તરફ જતા મુખ્ય માર્ગના નવિનીકરણની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. જોકે, આ નિર્માણ કાર્ય દરમિયાન નગરપાલિકા તંત્રના આયોજનના અભાવનું એક ઉદાહરણ સામે આવ્યું છે. માહિતી ખાતાની કચેરીથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પર અંદાજે 24 કલાક પહેલાં જ નવો ડામર રોડ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ, શુક્રવારે સવારથી જ નગરપાલિકાની ટીમ દ્વારા આ નવનિર્મિત માર્ગ પર ફરીથી ખોદકામ શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

કરોડોનો ખર્ચો વ્યર્થ ગયો
તાજેતરમાં જ લાખોના ખર્ચે બનેલો માર્ગ એક જ દિવસમાં તોડી પાડવામાં આવતા પ્રજામાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્રમાં આંતરિક સંકલન ન હોવાના કારણે પ્રજાના ટેક્સના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. રોડ બનાવતા પહેલાં પાઈપલાઈન કે અન્ય ભૂગર્ભ કામગીરી કેમ પૂરી ન કરાઈ તે અંગે પણ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.ફરીવાર માર્ગ બનાવવાની જરૂર કેમ પડી તેને લઈને પણ લોકોમાં સવાલ થઈ રહ્યો છે. આ મામલે તંત્ર તરફથી ખાસ કોઈ વાતની ચોખવટ કરવામાં આવી નથી. પણ ભૂગર્ભ ગટરની કામગીરી સમયસર પૂરી ન થતા લોકો તંત્ર સામે સવાલ કરી રહ્યા છે. રસ્તાના કામને લઈને કોઈપણ શહેરની વાત હોય હંમેશા વિવાદમાં જ રહી હોય છે.

તંત્ર સામે સવાલ
બીજી તરફ વરસાદની ઋતુમાં રસ્તા બનાવવાનું કામ શરૂ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલ થયા છે. રસ્તા પર માટી પડી રહી છે અને રસ્તા પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય તો આ રૂટ પર લાંબા અંતર સુધી ટ્રાફિક જામ થાય એમ છે. આ અંગે નગર પાલિકાની કામગીરી સામે પણ પ્રશ્ન ઊભો થાય છે કે, વરસાદની ઋતુમાં યુદ્ધના ધોરણે કામ કરવાની એવી તે શું ફરજ ઊભી થઈ ગઈ?ભુજમાં નગરપાલિકાના સંકલનનો અભાવ સામે આવ્યો છે.