Tue Oct 06 2026

Logo

ભુજના પોક્સો કેસમાં 9 વર્ષથી ફરાર મહારાષ્ટ્રનો આરોપી ઝડપાયો: ધરપકડ ટાળવા ચાલુ બાઈકના ટાયરમાં પગ નાખી કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

2026-09-18 14:20:00
Author: Mumbai Samachar Team
ભુજના પોક્સો કેસમાં 9 વર્ષથી ફરાર મહારાષ્ટ્રનો આરોપી ઝડપાયો: ધરપકડ ટાળવા ચાલુ બાઈકના ટાયરમાં પગ નાખી કર્યો હાઇવોલ્ટેજ ડ્રામા

ભુજઃ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કોડ અને સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ  સંયુક્ત ઓપરેશન હાથ ધરી ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં છેલ્લાં ૯ વર્ષથી કોર્ટના વોરંટ કામે નાસતા ફરતા રીઢા આરોપીને મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે. ધરપકડ દરમિયાન આરોપીએ પોલીસની પકડમાંથી બચવા ચાલુ મોટરસાયકલના ટાયરમાં પગ ઘુસાડી દઈ ભારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જ્યો હતો.

​મળતી માહિતી અનુસાર, પશ્ચિમ કચ્છ એલસીબી પી.આઈ એ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડની વિશેષ ટીમ કોર્ટ વોરંટની બજવણી અર્થે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુર ખાતે પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદ સાથે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે મૂળ અચલપુરનો વોન્ટેડ આરોપી સાજીદ અખતરખાન હાલ અમરાવતીના મોર્શી વિસ્તારમાં છુપાયેલો છે.

​કચ્છ પોલીસની બાતમીના આધારે મોર્શી પોલીસે સ્થળ પર દરોડો પાડી સાજીદને કોર્ડન કરી અટકાયતમાં લીધો હતો. જોકે, પોલીસકર્મીઓ જ્યારે તેને મોટરસાઇકલ વચ્ચે બેસાડી પોલીસ મથકે લઈ જઈ રહ્યા હતા ત્યારે તેણે પોલીસની ફરજમાં રૂકાવટ કરી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ધરપકડ ટાળવા માટે તેણે ચાલુ બાઇકે પોતાનો જમણો પગ સીધો પાછલા ટાયરમાં ઘુસાડી દીધો હતો, જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ ડ્રામા બાદ મોર્શી પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી આરોપીને હોસ્પિટલ લઈ જઈ પ્રાથમિક સારવાર અપાવી હતી, જ્યાં તેના પગમાં આશરે ૮ ટાંકા આવ્યા હતા.

​સારવાર બાદ કચ્છ પોલીસે આરોપીનો કાયદેસર કબજો સંભાળી તેની બહેન અફશાનાબાનોને ધરપકડની જાણ કરી ભુજ લાવવા રવાના થઈ હતી. લાંબી મુસાફરી દરમિયાન આરોપીના ઇજાગ્રસ્ત પગમાં ચેપ ન ફેલાય તે માટે આણંદ જિલ્લાના તારાપુર તાલુકા સ્થિત ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેનું પુનઃ ડ્રેસિંગ કરાવાયું હતું. ભુજ પોલીસે વર્ષો જૂના આ પોક્સો કેસમાં આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)