ભુજ: ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર દેશલપર (વાંઢાય) નજીક આશિષ હોટેલ પાસે પૂરઝડપે ધસી આવેલી ટ્રકે આગળ જઈ રહેલી મોટરસાઈકલને ટક્કર મારતાં ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે જઈ રહેલી ૧૩ વર્ષીય માસૂમ તરૂણીના માથા પર ટ્રકનું તોતિંગ પૈડું ફરી વળતાં પિતાની નજર સમક્ષ જ તેનું ઘટનાસ્થળે અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું.
બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા શિવાભાઈ કોળી અને તેમના બનેવી દશરથભાઈ પોતાના પરિવારજનો સાથે બે મોટરસાઇકલ પર સવાર થઈને આસો નવરાત્રિ પર્વ નિમિત્તે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે બિરાજમાન મા આશાપુરાના દર્શને જઈ રહ્યા હતા.
સાંજના આશરે પોણા આઠ વાગ્યાના સુમારે તેઓ ભુજ વટાવી દેશલપર નજીક આશિષ હોટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ પાછળથી પૂરઝડપે ધસી આવેલી જીજે-૧૨ એક્સ-૨૫૮૪ નંબરની ટ્રકના ચાલકે આગળ ચાલી રહેલી દશરથભાઈની મોટરસાઈકલને ટક્કર મારી દીધી હતી.
ટ્રકની ટક્કર વાગતાં જ વાહનની પાછળ સવાર શિવાભાઈની ૧૩ વર્ષીય પુત્રી નિશા શિવાભાઈ રીબડીયા (કોળી) રોડ પર નીચે પટકાઈ હતી. તે જ ક્ષણે ટ્રકનું તોતિંગ વ્હીલ નિશાના માથા પર ફરી વળતાં તેનું માથું ફાટી ગયું હતું અને લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકીનું સ્થળ પર જ તરફડી-તરફડીને કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પાછળ અન્ય મોટરસાઇકલ પર આવી રહેલા હતભાગી પિતા શિવાભાઈની નજર સામે જ લાડકવાયી પુત્રીનો કાળ ભેટતાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતક તરૂણીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય