ભુજઃ કચ્છના વિશાળ અને સંવેદનશીલ દરિયાકાંઠે કુદરતી રક્ષણ પૂરું પાડતાં મેંગ્રોવ્સ એટલે કે ચેરિયાંના જંગલોના વૈજ્ઞાનિક સંરક્ષણ અને સંવર્ધન માટે હવે આધુનિક ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. ભુજ ખાતે આયોજિત વિશેષ મેંગ્રોવ સંરક્ષણ કાર્યશાળા દરમિયાન અત્યાધુનિક ‘મેંગ્રોવ જીઆઈએસ’ પોર્ટલ વિધિવત્ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ નવા જીઆઈએસ પોર્ટલની મદદથી જિલ્લાભરના સમુદ્રકાંઠે ફેલાયેલા મેંગ્રોવના આવરણનું સેટેલાઇટ મેપિંગ અને ચોક્કસ વૈજ્ઞાનિક મોનિટરિંગ શક્ય બનશે. કચ્છના ક્રિક અને ક્રીક-લેન્ડ વિસ્તારો અત્યંત દુર્ગમ અને વિસ્તીર્ણ હોવાથી પરંપરાગત પેટ્રોલિંગમાં આવતા પડકારો વચ્ચે આ પોર્ટલ મહત્વનું સાબિત થશે.
આ પોર્ટલ મારફતે મેંગ્રોવ્સના જંગલો કયા વિસ્તારોમાં વધી રહ્યા છે, ક્યાં ગેરકાયદે દબાણો કે માનવીય દખલગીરીને કારણે નુકસાન પહોંચી રહ્યું છે તેમજ કયા ક્ષેત્રોમાં તાકીદે પુનઃસ્થાપન કરવાની જરૂર છે, તેનો વાસ્તવિક અને સચોટ ડેટા વહીવટી તંત્ર તેમજ વન વિભાગને સરળતાથી ઉપલબ્ધ થશે. દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણના સંતુલન માટે આ પોર્ટલ દીર્ઘકાલીન રક્ષણાત્મક ઢાલ પૂરું પાડશે.
(ઉત્સવ વૈદ્ય)