Thu Jul 23 2026

Logo

ભીવંડીથી ભુજ લવાતો ૯ ટન ‘એક્સપાયરી ડેટ’નો અખાદ્ય લોટ ઝડપાયો: ભુજના ટ્રક ચાલક સહિત બેની ધરપકડ

2026-06-29 13:03:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ મહારાષ્ટ્રના ભીવંડીથી સરહદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ તરફ આવી રહેલો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવો ‘એક્સપાયરી ડેટ’ થઈ ગયેલો ૯ ટન અખાદ્ય લોટનો જથ્થો મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપી પાડ્યો હતો. મહારાષ્ટ્ર પ્રશાસને અંદાજે રૂા. ૫.૧૮ લાખની કિંમતના આ અખાદ્ય જથ્થા સાથે ભુજના ટ્રક ચાલક સહિત બે શખ્સોની ભીવંડી ખાતેથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ભીવંડી વિસ્તારમાં એક્સપાયરી ડેટનો અખાદ્ય લોટ અન્ય રાજ્યમાં સપ્લાય થવાનો હોવાની ચોક્કસ બાતમી મહારાષ્ટ્ર ખાદ્ય અને ઔષધ નિયંત્રણ તંત્રને મળી હતી. આ બાતમીના આધારે વિભાગના મદદનીશ કમિશનર સંતોષ સરોસિયા અને તેમની ટીમે ભીવંડી ખાતે વ્યુહાત્મક વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી ગુજરાત પાસિંગની એક ટ્રક (જીજે-૩૯-ટીએ-૬૮૨૭)ને આંતરી હતી. પોલીસે ટ્રકની તલાશી લેતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડના પેકિંગ ધરાવતો, પરંતુ એક્સપાયર થઈ ચૂકેલો ૯ ટન લોટનો જથ્થો મળી આવ્યો હતો.

એફડીએની ટીમે માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં સમાન આ કૌભાંડ આચરવા બદલ ટ્રકના ચાલક ફારૂક જુસબ ખલીફા (રહે. ભુજ, કચ્છ) તેમજ આ એક્સપાયરી ડેટવાળો લોટ સસ્તા ભાવે મેળવી ટ્રકમાં ભરાવી આપનાર સ્થાનિક દલાલ ફરહાન મુકિમ અન્સારી (રહે. ભીવંડી, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બંને આરોપીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બજારમાં મોંઘા ભાવે વેચાતા લોટની સામે આ કચરા સમાન લોટને કેમિકલ પ્રોસેસ કરીને કે સીધો જ ભુજ પંથકના હોટેલ, બેકરી કે સ્થાનિક બજારોમાં સસ્તા અનાજ તરીકે ખપાવી દેવાનું મોટું નેટવર્ક હોવાની આશંકા છે. આ જથ્થો ભુજમાં કયા વેપારી કે માફિયાને પહોંચાડવાનો હતો અને આ પૂર્વે પણ આરોપીઓ કચ્છમાં આવો કેટલો અખાદ્ય જથ્થો ઠાલવી ચૂક્યા છે, તે દિશામાં મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસના સંકલન સાથે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે કચ્છના અનેક નામી-અનામી વેપારીઓના નામ ખૂલે તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)