ભાવનગર: સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર ચકચારી લઠ્ઠાંકાંડમાં 13 લોકોનાં મોત નીપજ્યા બાદ પોલીસ તપાસ દરમિયાન નકલી દારૂના આ કૌભાંડમાં પ્રથમ વખત હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાં આનંદનગરમાં રહેતા એક રિક્ષા ચાલકની તેના જ મિત્રએ ધંધાકીય વૈમનસ્ય અને અંગત આર્થિક લાભ ખાતર ઝેરી દારૂ પીવડાવીને કાવતરાપૂર્વક હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ઘોઘા રોડ પોલીસે મુખ્ય આરોપી મિત્ર અને દારૂ સપ્લાય કરનાર શખ્સ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ વધુ એક મોત થતા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 14એ પહોંચ્યો છે.
ટેસ્ટિંગ રિપોર્ટમાંથી શું સામે આવ્યું?
ભાવનગરના આનંદનગર સ્થિત જલારામ સોસાયટી (ત્રણ માળીયા) ખાતે રહેતા રિક્ષા ચાલક ભાવેશભાઈ ધીરૂભાઈ વિસાણીની અચાનક તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં ઘોઘા રોડ પોલીસે શંકાસ્પદ મોતની નોંધ કરી મૃતકના વિસેરા સહિતના નમૂના એફએસએલ પરિક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં મૃતક ભાવેશભાઈનું મોત નકલી 'રોયલ સ્ટેગ' દારૂ પીવાથી થયું હોવાનું સામે આવતાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ, મૃતક ભાવેશભાઈ વિસાણી અને આરોપી મુકેશ હસમુખભાઈ પટેલ બંને મિત્રો હતા અને રિક્ષા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હતા. બંને અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓને લાવવા-લઈ જવાની સ્કૂલ વર્ધીની રિક્ષાઓ ચલાવતા હતા. આ દરમિયાન મુકેશ પટેલને ભાવેશભાઈ સાથે ધંધા બાબતે મનદુઃખ અને વૈમનસ્ય ઊભું થયું હતું.
બોટલ સંતાજી દીધી
આ દરમિયાન મુકેશ પટેલ અને અનોપસિંહ ઝાલા નામના શખ્સે ઘોઘા જકાતનાકા, શાકમાર્કેટ પાસેથી સંજય નામના શખ્સ પાસેથી 'રોયલ સ્ટેગ' દારૂની એક-એક બોટલ ખરીદી હતી. ત્યારબાદ અનોપસિંહે આ દારૂ ડુપ્લીકેટ અને અત્યંત નુકસાનકારક હોવાની જાણ કરતા પોતે તેમાંથી થોડો દારૂ પીને બાકીનો ઢોળી નાખ્યો હતો અને સારવાર લીધી હતી. તે સમયે પોલીસે પૂછપરછ કરતાં મુકેશે દારૂની બોટલ ઢોળીને ફોડી નાખી હોવાની ખોટી હકીકત જણાવી પોલીસને ગુમરાહ કરી હતી, જ્યારે ખરેખર તેણે ઝેરી દારૂની બોટલ પોતાની પાસે સંતાડી રાખી હતી.
ઓગસ્ટ માસના મધ્યથી પ્રેસ-મીડિયા અને ટીવી ન્યૂઝ મારફતે ભાવનગર અને આજુબાજુના વિસ્તારમાં ડુપ્લીકેટ રોયલ સ્ટેગ દારૂ પીવાથી 13 લોકોના મોત થયા હોવાના સમાચાર સતત વહેતા થયા હતા અને વરતેજ પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો. આ બધી હકીકત જાણવા છતાં મુકેશ પટેલે ક્રૂર કાવતરું ઘડ્યું હતું. જો ભાવેશભાઈનું મોત થાય તો સ્કૂલ વર્ધીના ધંધામાં પોતાને સીધો આર્થિક ફાયદો થાય તેમ વિચારી, તેણે સંતાડેલો ઝેરી દારૂ કાવતરાપૂર્વક ભાવેશભાઈને પીવડાવી દીધો હતો, જેને કારણે સારવાર દરમિયાન ભાવેશભાઈનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થતાં ઘોઘા રોડ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એ.એસ. કટારાએ જાતે ફરિયાદી બની મુકેશ હસમુખભાઈ પટેલ તથા ડુપ્લીકેટ દારૂ સપ્લાય કરનાર સંજય નામના શખ્સ વિરુદ્ધ હત્યા અને ગુનાહિત કાવતરા અંગેની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે.