ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામ નજીક એક જ ઘટનામાં ત્રણ યુવાનોના શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ, ચાર યુવાનો એકત્ર થયા બાદ કોઈ નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાની આશંકા છે.
જેમાં ત્રણ યુવાનોના મોત થયા હતા, જ્યારે એક યુવાનની હાલત ગંભીર બનતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સાળંગપુર પહોંચ્યો હતો.
મૃતકો પૈકી બેની ઓળખ 24 વર્ષીય ફરમાન અલી અને 25 વર્ષીય રાહુલ સિંહ તરીકે થઈ છે. બંનેએ થાક દૂર કરવા માટે પેઇનકિલર્સ (દર્દનિવારક દવાઓ) લીધી હોઈ શકે છે અને તેનો ઓવરડોઝ થઈ ગયો હોવાની શક્યતા છે. તેના કારણે ગંભીર આડઅસર થઈ હોઈ શકે છે અને કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગનો હુમલો) આવ્યો હોઈ શકે છે. ગંભીર રીતે બીમાર પડેલા અન્ય યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
મળતી વિગતો મુજબ, ચારેય યુવાનોએ કોઈ પદાર્શનું સેવન કર્યા બાદ થોડા સમયથી અંદર તબિયત ખરાબ થઈ હતી. ચોથા યુવાનની સ્થિતિ પણ ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. જોકે, યુવાનોએ કયા પદાર્થનું સેવન કર્યું હતું અને તેના કારણે જ મોત થયા છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી.
પોલીસ દ્વારા યુવાનો સાથે રહેલા લોકો તેમજ સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવાનોએ કયો પદાર્થ લીધો હતો, તે ક્યાંથી મેળવ્યો. હતો અને ચારેયની તબિયત લથડવા પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પ્રાથમિક તબક્કે નશાકારક પદાર્થના સેવનને કારણે ત્રણેય યુવાનોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.