Tue Apr 28 2026

Logo

ભાગવત-ભક્તિ-ભાષાનો ભાઈશ્રીએ રચ્યો ત્રિવેણી સંગમ

2026-04-26 08:59:00
Author: Mumbaisamachar Team
Article Image


દિવસ પહેલો:કથા પ્રારંભ 2-4-2026

વિશ્વની સર્વ પ્રથમ માતૃભાષા ભાગવત સપ્તાહના મુંબઈ સમાચારના આયોજનમાં સમગ્ર વિશ્વમાં જેમની તોલે કોઈ ના આવી શકે એવા પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાના કંઠે સતત સાત દિવસ સુધી ભાગવત અને માતૃભાષા બંનેનો સમન્વય કરીને સનાતની સંસ્કૃતિ તેમ જ ભારતની તમામ માતૃભાષાઓનો વારસો જાળવી રાખવાનો, માતૃભાષાના સૈનિકો, આપણા મહાન સાહિત્યકારોને યાદ કરવાનો એક અનોખો પ્રયોગ બોરીવલી ખાતે થયો, જે અદ્ભુત રીતે સફળ થયો. 

પૂજ્યભાઈશ્રીના શબ્દોમાં કહીએ તો ન ભૂતો ન ભવિષ્યતિ. આ સપ્તાહના સાત દિવસમાં જે 151 સાહિત્યકારો, જેમની પ્રતીકાત્મક પોથી મુંબઈ સમાચારે મૂકી હતી એ તમામ સાહિત્યકારોના ફોટો આ પૂર્તિમાં અહીં આપેલ છે. સાતેસાત દિવસનો માતૃભાષા અને ભાગવતનો સમન્વય કરીને જે કથાનું રસપાન લોકોએ કર્યું એ પણ જેઓ ત્યાં સુધી નહોતા પહોંચી શક્યા એમના માટે અહીં આપવામાં આવ્યું છે. 

વધુમાં આ 151 સાહિત્યકારોની યાદી જે મુંબઈ સમાચાર અને તેના પ્રતિનિધિ મંડળોએ, પત્રકારો, લેખકોએ મળીને તૈયાર કરી છે એ વિશેનું એક વિસ્તૃત પુસ્તક પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. એની પણ નોંધી લેવી. આ પૂર્તિ એવા લોકો માટે છે કે જે માતૃભાષા ભાગવત સપ્તાહનો લાભ નહોતા લઈ શક્યા. તેમ જ આ માતૃભાષાના આ જ્ઞાનયજ્ઞમાં એવા અનેક લોકો છે કે જેમણે પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપ્યું છે. એ તમામનું ઋણ સ્વીકાર કરવા માટે આ પૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે. એ તમામ લોકો કે જેમણે કોઈ પણ રીતનું તન, મન, ધન કે કોઈ પણ રીતે આ કાર્યમાં સેવા આપી છે એ તમામનો અમે દિલથી આભાર માનીએ છીએ. 

સાત પાનાની આ પૂર્તિમાં આઠમા પાના પર એવા વિશેષ મહાનુભાવો છે કે જેમણે આ ભગીરથ કાર્યને સફળ કરવા માટે પોતાનું યોગદાન આપ્યું. મુંબઈ સમાચાર, માતૃભાષા પ્રતિષ્ઠાન, તેમ જ સમગ્ર સનાતની, સમગ્ર ભારતની ભાષાઓના સાધકો આવા અનેક લોકોની રાહ જોઈ રહ્યા છે જે ભાષા કે સંસ્કૃતિ કે સાહિત્યના કાર્યમાં પોતાના યોગદાનથી તેમને પ્રોત્સાહન આપે. ભવિષ્યમાં આમાં વધુને વધુ લોકો જોડાશે એવી ટીમ મુંબઈ સમાચારને આશા છે...

કોરોનાના કપરાકાળ પછી મુંબઈમાં પહેલી વાર આયોજિત પૂજ્ય રમેશભાઈ ઓઝા-ભાઈશ્રીની ‘મુંબઈ સમાચાર’ના આયોજન હેઠળની ભાગવત સપ્તાહમાં ભક્તિ સાથે ભાષાના માહાત્મ્યને પ્રાધાન્ય  આપવાનો અનન્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. એશિયાના સૌથી જૂના અને 204 વર્ષથી પ્રકાશિત થતા અખબાર દ્વારા મુંબઈના ઉપનગર બોરીવલીના ચીકુવાડી વિસ્તાર સ્થિત સ્વ. શ્રી બાળાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલમાં બીજી એપ્રિલથી આઠમી એપ્રિલ દરમિયાન ભાઈશ્રીની અમૃતવાણીમાં ભાગવત-ભક્તિ-ભાષાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. 

વિદ્વાન કથાકાર દ્વારા શુકદેવજી અને પરીક્ષિત રાજાના સંવાદના રૂપમાં આ કથા છે અને એ સાંભળવાથી મનુષ્યને મનની શાંતિ મોક્ષ મળે છે એવી માન્યતા છે. ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો, ખાસ કરીને કૃષ્ણલીલાના વર્ણનથી માનવજીવનમાં ભક્તિભાવ અને ચેતના પ્રગટે એવો એનો ભાવ છે. અખબારના તંત્રી નીલેશ દવેએ ભાગવત કથામાં માતૃભાષાના મહત્ત્વને જોડી દેતા વિશ્વની સૌપ્રથમ માતૃભાષા ભાગવત સપ્તાહમાં ભાઈશ્રી રમેશભાઈએ પ્રત્યેક દિવસે ભગવાનની ભક્તિ સાથે ભાષાવૈભવ દ્વારા ભાવિકોને રસતરબોળ કરી માનવજીવનમાં ભક્તિભાવની સાથે ભાષાભાવ પ્રગટાવવાનું વિલક્ષણ કામ કર્યું હતું. 

આ ભાગવત સપ્તાહને મળેલા અકલ્પનીય પ્રતિસાદમાં ભાગવતનો પ્રભાવ અને ભાઈશ્રીની અમૃત વાણી સાથે દરરોજ વિશાળ ડોમ છલકાવી દેતા ભાવિકો ઉપરાંત મુખ્ય મનોરથી ‘સ્કાયલાઈન ઈન્ફ્રા ફોર્જ’ના શ્રી સૌરભભાઈ મહેતા, ‘ગંધાર ગ્રૂપ ઓફ કંપનીઝ’ના સહ મનોરથી શ્રી રમેશભાઈ પારેખ અન્ય મનોરથીઓ તેમજ સંપૂર્ણ આયોજનની વિવિધ જવાબદારીઓ ઉપાડી એને સુપેરે નિભાવનારા જીગ્નેશ ભૂતા, સંતોષ સિંહ, રાજુ સાવલા તેમજ ‘મુંબઈ સમાચાર’ની ટીમનો ભગીરથ ફાળો રહ્યો છે. મુંબઈમાં આયોજિત ભાગવત સપ્તાહમાં આવું ભવ્ય આયોજન પહેલી જ વાર થયું હતું.

દિવસ પહેલો: કથા પ્રારંભ

ચૈત્રી પૂનમ- હનુમાન જયંતીના અવસરે કથા પ્રારંભ પહેલા પોથી યાત્રાથી સપ્તાહનો શુભારંભ થયો હતો. ઉનાળાની ભર બપોર હોવા છતાં પોથી યજમાનો તેમના પરિવાર સાથે પોથીયાત્રામાં ગજબના ઉત્સાહથી સહભાગી થયા હતા. મનના ઉમળકા સામે મુંબઈની ઉષ્ણતા ગૌણ બની ગઈ હતી. 

નિયત સમયે ભાઈશ્રીનું આગમન થયું અને પરિસરમાં પ્રવેશ લેતી વખતે તેમણે મહાપ્રભુજીની 84 બેઠકજીનું રસપૂર્વક અવલોકન કરી દર્શન કર્યા હતા. ત્યારબાદ ભાઈશ્રી વ્યાસપીઠ પર બિરાજમાન થયા ત્યારે પાર્શ્વભૂમિમાં મધ્યમાં બ્રહ્માંડની ઉત્પત્તિ અને સર્વોચ્ચ ચેતનાનું પ્રતીક ૐ, ભાઈશ્રીની જમણી બાજુએ સરસ્વતીની વીણા અને ડાબી બાજુએ શિવજીના ડમરુ સાથે ભાષાનું પ્રતિનિધિત્વ કરતા અક્ષરો ‘મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહ’ના ઉમદા હેતુને પ્રતિબિંબિત કરતા હતા. 

આ ભાગવત કથાનું બીજ કઈ રીતે રોપાયું એની સ્પષ્ટતા સાથે ભાઈશ્રીએ ઓમ નમ: ભગવતે વાસુદેવાય અને સ્વસ્તીશ્રી ગણેશાય નમ: અને શ્રી સરસ્વતેય નમ:ના પવિત્ર ઉચ્ચારણ સાથે શ્રીમદભાગવત મહાપુરાણના પ્રથમ મંગલાચરણ શ્ર્લોક सच्चिदानन्दरुपाय विश्वोत्पत्पत्यादिहेतवो| तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः॥ નું પઠન કરી ભાગવત કથાનો પ્રારંભ કર્યો હતો. ભાગવત કથાનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ સમર્પણ અને એમના આશીર્વાદ મેળવી દુ:ખનો વિનાશ કરવો એ શ્ર્લોકનો ભાવાર્થ છે. 

ભાગવત સપ્તાહના પ્રત્યેક દિવસે ભાવિકોને ઈશ્વર સ્તુતિના રસપાન સાથે માતૃભાષા વૈભવનો પરિચય પણ ભાઈશ્રી કરાવતા રહ્યા. 

‘પરમકારૂણ્ય ભગવાન શ્રી હરિના ચરણદ્વયમાં સદૈવ દંડવત’ એવી રજૂઆત સાથે વાતાવરણ મંગલમય બની ગયું અને ચરણદ્વય (બંને ચરણ) એ આપણી ભાષાના સુંદર શબ્દથી ભાવિકો વાકેફ થયા. ઈલેક્ટ્રોનિક માધ્યમના આક્રમણ સામે પ્રિન્ટ મીડિયાએ પોતાનું મહત્ત્વ અને અસ્તિત્વ ટકાવી રાખ્યા છે એ વાત પર ભાર આપી ભાઈશ્રીએ જણાવ્યું કે ‘ટીવી ચેનલ્સ કે સોશ્યલ મીડિયા પર સમાચાર બહુ જલદી આપણી પાસે પહોંચી જાય છે, પણ સમાચારની પ્રામાણિકતા માટે ‘મુંબઈ સમાચાર’ જેવા આપણાં દૈનિકો પર સામાન્ય વાચકવર્ગને ભરોસો છે.’ 

માતૃભાષાનું માહાત્મ્ય અને એના અસ્તિત્વ વિશે એક સુંદર દ્રષ્ટાંત આપી ભાઈશ્રીએ જણાવ્યું કે ‘બે બાળકની માતા એવી કોઈ બહેનનો નાની ઉંમરે ચાંદલો ભૂંસાઈ ગયો હોય (પતિના અવસાનનું આવું પ્રતીક માતૃભાષામાં જ મળી શકે) અને વિષમ પરિસ્થિતિમાં જીવતર અકળામણ લાગતું હોય ત્યારે નજર સામે રહેલાં બાળકો માટે જીવવાનો એ બહેનનો સંકલ્પ એકદમ દ્રઢ થતો જાય. મને એવું લાગે છે કે અત્યારના સમયમાં માતૃભાષા ટકી રહેવાનો પ્રયાસ કરે છે, કારણ કે એને એનાં બાળકો માટે જીવવું છે. એના બાળકો એટલે આપણે અને આ આપણી માતૃભાષા છે. ભાષા કેવળ ભાવની અભિવ્યક્તિનું માધ્યમ નથી, સંસ્કૃતિનું ઘર છે. એ ટકી રહે એ જરૂરી છે’.

માતૃભાષા ભાગવત સપ્તાહના મર્મને જાળવી રાખી ભાઈશ્રીએ વાયા વિરમગામ, હુરટીઓ, મેહાણાના લોકો જેવા તળપદા શબ્દોનો ઉલ્લેખ કરતા લોકોને મોજ પડી હતી અને ભાષાજ્ઞાનની સમજણનો વિસ્તાર પણ થયો હતો. ભાષા, ભૂષા, ભાવ, ભોજન અને ભૂમિને માતૃત્વ સાથે સાંકળી ભાઈશ્રીએ માતૃભાષાના મહત્ત્વનું સુંદર રીતે નિરૂપણ કર્યું હતું. આપણા શરીર માટે માત્ર પુષ્ટિકર નહીં, માત્ર તુષ્ટિકર નહીં પણ હિતકર પણ હોય એ આપણું માતૃભોજન. જમ્યા પછી આપણને માણ વળે (માણ વળે એટલે તૃપ્તિનો ઓડકાર) એ જ આપણો ખોરાક એમ જણાવી ભાઈશ્રીએ માતૃભાષા પણ આપણા માટે હિતકર છે એ વાત ભાવિકોને સમજાવી. 

ભગવાન શ્રી કૃષ્ણના જીવનકાળને ભાષા સાથે જોડી ભાઈશ્રીએ જણાવ્યું કે ‘બાળકૃષ્ણ 11 વર્ષ ગોકુળમાં રહ્યા. 14 વર્ષ મથુરામાં રહ્યા એટલે ગોકુળની ગામઠી બોલી થોડી નાગરી ભાષા બની હશે. ત્યારબાદ દ્વારકામાં તો 100 વર્ષ રહ્યા. કલ્પના કરો કે એ સમયમાં સેલફોન હતા અને જો કૃષ્ણ દ્વારકાના મહેલમાંથી ગોકુળમાં ફોન કરે તો વ્રજ ભાષામાં જ વાત કરતા હશે ને. આ છે માતૃભાષાનો પ્રેમ અને પ્રભાવ. રામચરિત માનસ ગોસ્વામી તુલસીદાસજીએ સંસ્કૃતમાં ન લખ્યું, પણ ગ્રામ્ય ભાષામાં લખ્યું અને એટલે સામાન્ય માણસ સુધી પહોંચ્યું એ માતૃભાષાનો પ્રભાવ છે.’

કથા શ્રવણ પછી સાંજે મરાઠી ભાષામાં ભાવગીત અને ભક્તિગીતથી વાતાવરણને વધુ સમૃદ્ધ કર્યું હતું. ગુજરાતી ભાષાના ભાગવત સપ્તાહમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ મરાઠી ભાષામાં થયો હોય એવો આ સંભવત: પહેલો જ પ્રસંગ હશે. ગુજરાતી ઉપરાંત દેશની સર્વ માતૃભાષાનો આદર કરવાની કોશિશ, એનો ભાવ અહીં ઉજાગર થઈ રહ્યો હતો. અભિનેતા અને સંચાલક હેમંત બર્વે તેમજ પાર્શ્વગાયિકા સંજીવની ભેલાંડે અને સાથીઓના સંગીત કાર્યક્રમને ભાવિકોએ રસપૂર્વક માણ્યો હતો.