Wed Apr 29 2026

Logo

ચૂંટણીના અનોખા કિસ્સા, ક્યાંય કાર્યાલયના પટ્ટાવાળાની જીત તો ક્યાંક શ્રમિકની હાર

2026-04-28 22:29:25
Author: Mumbai Samachar Team
Article Image

અમદાવાદઃ  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે અનેક એવા કિસ્સાઓ બન્યા જેને બધાનું ધ્યાન ખેંચ્યું છે. એ પછી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય કે પછી જેલમાંથી ચૂંટણી લડતા ઉમેદવાર હોય, કાર્યકર્તા હોય કે સામાન્ય શ્રમિક. દરેક કિસ્સામાં કંઈક તો એવું ખાસ રહ્યું છે જે આ ચૂંટણીને સામાન્ય કરતા વધારે અસામાન્ય બનાવે છે. આવા લોકોએ સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં હોદ્દો કરતા સેવાભાવ મોટો હોય છે.

હારજીતનો દિવસ
કોઈ ગરીબ પરિવારમાંથી આવતા અને સામાન્ય વ્યવસાય કરતાં ઉમેદવારો માટે આ દિવસ જીતનો રહ્યો તો કોઈ માટે હારનો. જ્યારે કેટલાક માટે પરાજય છતાં પોતાની લડત માટે ચર્ચામાં રહ્યા છે.છેલ્લા 27 વર્ષથી મહેસાણા ભાજપના જિલ્લા કાર્યાલયમાં રમેશભાઈ ભીલ પટાવાળા તરીકે સેવા આપતા હતા, જે હવે મહેસાણા મહાનગરપાલિકાના વૉર્ડ નંબર 13માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. રમેશભાઈ જણાવે છે કે, માત્ર 500 રૂપિયાના પગારથી શરૂઆત કરી હતી, તેઓ કોર્પોરેટર બન્યા પછી પણ પોતાની પટાવાળાની નોકરી ચાલું રાખશે.કોર્પોરેટર તરીકે ફરજ અદા કરશે અને પોતાનું પણ ચાલું રાખશે.

સામાન્ય પરિવારના લોકો નેતૃત્વ કરશે
સામાન્ય પરિવારનું પ્રતિનિધિત્વ બહુચરાજી નગરપાલિકામાં જોવા મળ્યું છે. ઉમેદવાર સંશીબહેન કાંગશિયા વૉર્ડ નંબર 4માંથી ભાજપના વિજેતા બન્યા છે. સંશીબહેન વ્યવસાયે બંગડીઓ વેચે છે, પરંતુ હવે તેઓ નગરપાલિકામાં લોકોના પ્રશ્નોને વાચા આપશે. ભાજપે સામાન્ય માણસ તરીકે આ વ્યક્તિને ટિકિટ આપીને એક નવી પહેલ શરૂ કરી. સામાન્ય માણસની વાત છે ત્યાં અમદાવાદમાં ગુજરી બજારમાં કપડાં વેચતા આશાબેન દંતાણીને કોંગ્રેસમાંથી ટિકિટ મળી હતી. એમની હાર થઈ એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. દરિયાપુર વૉર્ડમાં કપડાં વેચતા રિંકુબેન દાતણિયા પણ પ્રજાને રીઝવવામાં નિષ્ફળ સાબિત થયા, ભાજપમાંથી એમને ટિકિટ મળી હતી.

કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ
ગોધરાના રાજકીય પ્રવાહમાં એક નવો અધ્યાય શરૂ થયો છે.  શહેરના વૉર્ડ નંબર 7 જે 100% મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર છે, અહીં અપક્ષ ઉમેદવાર અપેક્ષાબહેન સોનીએ વિજય મેળવ્યો છે. જે હિન્દુ છે. મુસ્લિમ લોકોએ એમના પર વિશ્વાસ વ્યક્ત કરીને ફરી કોમી એકતાનું ઉદાહરણ રચી દીધું છે. અપેક્ષાબહેને આ જીતને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ ગણાવે છે.હવે જવાબદારી અપેક્ષાબેનની છે. આમ આ વખતેના પરિણામમાં ક્યાંક નિષ્ઠા જોવા મળી તો ક્યાંક સંઘર્ષના પાઠની કિતાબ ખુલ્લી પડી. મધ્યવર્ગના લોકોને સ્થાન મળતા એક નવી પહેલ જોવા મળી છે.