Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં શુક્રવારથી સતત ત્રણ દિવસ બેંકો રહેશે બંધ;  15,000 કરોડના વ્યવહારો પર થશે અસર

2026-09-10 11:35:00
Author: Mayur Patel
ગુજરાતમાં શુક્રવારથી સતત ત્રણ દિવસ બેંકો રહેશે બંધ;  15,000 કરોડના વ્યવહારો પર થશે અસર

અમદાવાદ:  રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ બેંકો બંધ રહેશે. ફાઈવ ડે વીકની લાંબા સમયથી પેન્ડિંગ માગને લઈ મહાગુજરાત બેંક એમ્પલોઈઝ એસોસિએશન દ્વારા શુક્રવારે હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળમાં 75,000 કર્મચારીઓ જોડાશે. બેંકો બંધ રહેવાથી 15,000 કરોડના વ્યવહારો પર અસર થઈ શકે છે.

અચોક્કસ મુદતની હડતાળની પણ ચીમકી

બેંક કર્મચારીઓએ ત્રણ તબક્કામાં હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો કર્મચારીઓ 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી ત્રણ દિવસની હડતાળ કરશે. તેમ છતાં જો મુદ્દો નહીં ઉકેલાય તો 26 ઑક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની યોજના પણ તૈયાર છે. 28 થી 30 સપ્ટેમ્બરની હડતાળ સોમવારથી બુધવાર સુધી રહેશે, જેના કારણે બેંકો સતત પાંચ દિવસ બંધ રહેશે, કારણ કે 26 અને 27 સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને રવિવાર હોવાથી નિયમ મુજબ બેંકો બંધ રહેતી હોય છે.

બેંકના ગ્રાહકોએ મુશ્કેલીનો કરવો પડશે સામનો

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હડતાળના કારણે ગુજરાતમાં આશરે રૂ.15,000 કરોડના વ્યવહારો પ્રભાવિત થઈ શકે છે. હડતાળ દરમિયાન રાજ્યભરની લગભગ 5,400 બેંક શાખાઓ બંધ રહેવાની ધારણા છે, જેમાં 75,000 કર્મચારીઓ અને અધિકારીઓ ભાગ લેશે. જેના કારણે બેંકના ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

યુનિયનોની શું છે માંગ

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, યુનિયનો દર મહિનાના બીજા અને ચોથા શનિવારની રજાની હાલની વ્યવસ્થાને વિસ્તૃત કરીને તમામ શનિવારે રજા આપવાની માગ કરી રહ્યા છે. લેબર કમિશનર સાથે વારંવાર ચર્ચાઓ કરવા છતાં આ માગણીઓ સંતોષાઈ નથી. આ માગ માર્ચ 2024માં ઈન્ડિયન બેંક્સ એસોસિએશન અને બેંક યુનિયનો વચ્ચે થયેલી સમજૂતીનો ભાગ હતી. આ કરાર હેઠળ, કર્મચારીઓ બાકીના શનિવારોની રજાના બદલામાં સોમવારથી શુક્રવાર દરમિયાન દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા સંમત થયા હતા. આ કરાર મંજૂરી માટે કેન્દ્રીય નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. આ મંજૂરી બે વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે.

કયા બેંકિંગ યુનિયનો જોડાશે

આ હડતાળમાં AIBEA, AIBOC, NCBE, BEFI, INBOC, INBEF અને AIBOA સહિતના સાત બેંકિંગ યુનિયનો જોડાશે. યુનિયનોનું કહેવું છે કે પ્રસ્તાવિત પાંચ દિવસના સપ્તાહથી ગ્રાહકોના કામકાજના કલાકોમાં કોઈ ઘટાડો નહીં થાય, કારણ કે કર્મચારીઓએ સોમવારથી શુક્રવાર સુધી કામના કલાકો 40 મિનિટ વધારવા સંમતિ આપી છે. આ હડતાળ એવા સમયે આવી રહી છે જ્યારે ગ્રાહકો નિયમિત વ્યવહારો માટે ડિજિટલ બેંકિંગ પર વધુ નિર્ભર છે; તેમ છતાં, બ્રાન્ચ આધારિત સેવાઓ પર આ બંધની મોટી અસર જોવા મળી શકે છે.