ઢાકા: ભારતમાં આશ્રય લઇ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની બાંગ્લાદેશે ફરી માંગ કરી છે. બાંગ્લાદેશે જણાવ્યું છે કે ભારત ઈચ્છે તો તે તેમને પાછા મોકલીને સંબંધો સુધારવા માટે તાત્કાલિક પગલાં લઈ શકે છે. બાંગ્લાદેશ આવતા જ શેખ હસીનાએ મોતની સજાનો સામનો કરવો પડશે.
શેખ હસીનાને પકડીને પાછા લાવવાનો ઇરાદો
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનના માહિતી સલાહકાર ઝાહેદ ઉર રહેમાને જણાવ્યું હતું કે સરકાર ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પકડીને પાછા લાવવાનો ઇરાદો ધરાવે છે.જેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં મૃત્યુદંડની સજા તેમની રાહ જોઈ રહી છે અને તેમને અપીલ કરવાની તક પણ નહીં મળે.
શેખ હસીનાને પાછા મોકલે તો સંબંધો સુધરશે
ઝાહેદ ઉર રહેમાને ભારત સાથે સંબંધો સુધારવા માટે એક શરત મૂકી છે. જેમાં જો ભારત શેખ હસીનાને પરત મોકલે તો સંબંધો સુધરશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે બાંગ્લાદેશ હસીના પોતાની મરજીથી પાછા ફરે તેની રાહ જોવા માંગતું નથી. તેના બદલે તે દેશની કાનૂની પ્રક્રિયા દ્વારા તેમને પાછા લાવવાનો ઇરાદો ધરાવે છે. ઝાહેદ ઉર રહેમાન ઢાકામાં સચિવાલયમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા આ વાત જણાવી હતી.