- ભાર્ગવ ઠાકર
`અંધકારની ચાદર હવે સમેટાઈ રહી છે,
આત્મા પર જામેલી નિંદ્રાની ધૂળ સાફ થઈ રહી છે;
જાગો! પરોઢનો પ્રકાશ સાદ પાડી રહ્યો છે,
કેમ કે ખુદ ઈશ્વર હવે તારા દ્વારે ઊભો છે...'
શિયાળાની કોઈ ફૂલગુલાબી સવારે આંખ ખૂલે અને કોઈ દૂરના દેવળમાંથી આવતો ઘંટારવ સીધો હૃદયમાં ઊતરી જાય, આ પંક્તિઓ વાંચીને આવી જ કોઈ અનુભૂતિ થાય છે. આ શબ્દો કોઈ સંન્યાસીના આશ્રમમાંથી નહીં, પરંતુ ચોથી સદીના એવા રોમન સામ્રાજ્યમાંથી પ્રગટ્યા હતા, જેની ભવ્યતા અને ક્રૂરતા બંને જગજાહેર હતાં. રોમના આરસપહાણના મહેલો, સત્તાના કાવાદાવા અને કોલોઝિયમમાં વહેતા રક્તની વચ્ચે એક અવાજ એવો ઊઠ્યો, જેણે તલવારોનો અવાજ શાંત કરીને આત્માનો સાદ સાંભળ્યો. આ વાત છે એક એવા માણસની, જે આખી જિંદગી રોમના કાયદાઓ માટે લડ્યો અને અંતે ઈશ્વરની અદાલતમાં શરણાગતિ સ્વીકારી લીધી. આ માણસ એટલે મહાન રોમન આધ્યાત્મિક કવિ ઓરેલિયસ ક્લેમેન્સ પ્રુડેન્શિયસ.
વર્ષ 348ની આસપાસ સ્પેનના એક કુલીન પરિવારમાં જન્મેલા પ્રુડેન્શિયસનું બાળપણ અને યુવાની આમ સામાન્ય, છતાં અત્યંત મહત્ત્વાકાંક્ષી હતાં. એ સમયનું રોમ એટલે એક એવો જ્વાળામુખી, જ્યાં પ્રાચીન દેવી-દેવતાઓની પૂજા અને નવા પ્રસરતા ખ્રિસ્તી ધર્મ વચ્ચે વૈચારિક સંઘર્ષ ચરમસીમા પર હતો. આ અજંપાભર્યા માહોલમાં પ્રુડેન્શિયસે કાયદાનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો. પોતાની તર્કબદ્ધ દલીલો અને અદ્ભુત વાકછટાથી તેમણે રોમના ન્યાયાલયો ગજવી દીધા. તેમની કાબેલિયતના તેને રોમન સમ્રાટ થિયોડોસિયસના દરબારમાં ઉચ્ચ અને મહત્ત્વના પદ સુધી દોરી ગઈ.
સત્તા, સંપત્તિ, ઉચ્ચ હોદ્દો અને રોમન સમાજનું સર્વોચ્ચ સન્માન - જેના માટે સામાન્ય માણસ આખી જિંદગી તરફડતો હોય છે, એ બધું જ પ્રુડેન્શિયસના ચરણોમાં આળોટતું હતું. પણ આત્માની તરસ કોઈ રાજમહેલનાં કોઈ રંગીન પીણાં છીપાવી શકતાં નથી. રોમની ઝાકઝમાળ ભરેલી રંગીન રાતો વચ્ચે પ્રુડેન્શિયસ 57 વર્ષના થયા. એક રાત્રે સત્તાની સીડીઓ પર ચાલતી વખતે તેમને પોતાના જ પગલાંનો અવાજ સાવ પોકળ અને અર્થહીન લાગવા માંડ્યો. અરીસામાં દેખાતા પોતાના સફેદ વાળ અને કરચલીઓ તેમને કોઈ અલગ જ અદાલતની નોટિસ જેવા લાગ્યા. આખી જિંદગી જે દુનિયાને પામવા તેમણે દોડ લગાવી હતી, એ જ દુનિયા અચાનક તેમને ધૂળ સમાન લાગવા માંડી. ભીતરના આ ખાલીપા અને પસ્તાવાને તેમણે કવિતાનું રૂપ આપ્યું, જે તેમના પ્રખ્યાત `આત્મવૃત્તાંત'માં કાયમ માટે અમર થઈ ગઈ:
`જુવાનીનાં એ વહેતાં વર્ષો,
કાયદાનાં કાગળો અને દરબારના ઘોંઘાટમાં વેડફાઈ ગયા;
સત્તાના નશામાં મેં રોમની દુનિયા તો જીતી લીધી,
પણ અફસોસ,
મારો પોતાનો આત્મા જ ક્યાંક હારી ગયો!'
આ માત્ર કવિતા નહોતી, એક જાહેરાત હતી. બસ, એ જ ક્ષણે રોમના સૌથી શક્તિશાળી માણસોમાંના એક એવા પ્રુડેન્શિયસે દરબારમાંથી રાજીનામું આપી દીધું. સત્તાનો મોહ રાતોરાત ત્યજીને તેમણે પોતાનું શેષ જીવન સંપૂર્ણપણે આધ્યાત્મિક કવિતાઓ અને સાદગીભર્યા જીવનને અર્પણ કરી દીધું. એક કાયદાશાસ્ત્રીમાંથી સંત બનવાની આ યાત્રા અત્યંત રોમાંચક હતી.
સત્તાના સિંહાસન પરથી ઊતરી ગયા પછી તેમના જીવનમાં એક અત્યંત હૃદયસ્પર્શી ઘટના ઘટી. જે માણસ એક સમયે રોમન સામ્રાજ્યના ભવ્ય દરબારમાં રેશમી વસ્ત્રો પહેરીને ફરતો હતો, જેના એક ઈશારે ન્યાય તોલાતો હતો, તે જ પ્રુડેન્શિયસ આજે એક સામાન્ય યાત્રાળુ બનીને રોમના જમીન નીચેના અંધારા ભોંયરામાં ભટકી રહ્યો હતો! અહીં તેમણે એવા અનેક અનામી શહીદોની કબરો જોઈ, જેમણે પોતાના ધર્મ અને આત્માના અવાજ ખાતર રોમન સામ્રાજ્યના અત્યાચારો હસતા મુખે સહન કર્યા હતા. પથ્થરો પર કોતરાયેલા એ શહીદોનાં નામો વાંચીને આ ભૂતપૂર્વ કાયદાશાસ્ત્રીની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. તેમને સમજાયું કે સાચો મુગટ સમ્રાટોના માથા પર નહીં, પણ આ શહીદોના મસ્તક પર હોવા જોઈએ. આ ભોંયરાઓના અંધકારમાં તેમને નવો પ્રકાશ મળ્યો અને તેમાંથી જન્મ થયો એક અદ્ભુત ગ્રંથ `પેરીસ્ટેફેનોન' - શહીદોના મુગટનો. આ ઘટનાએ તેમની કલમમાં એવી આધ્યાત્મિક આગ ભરી કે તેઓ લખી ઉઠ્યા:
`રાજમહેલના સુવર્ણ કળશ કરતા,
મને આ માટીની કબરો વધુ પવિત્ર લાગે છે,
જ્યાં સત્તાની તલવારોની ધાર પણ શ્રદ્ધાના સ્મિત સામે બુઠ્ઠી છે;
હે રોમ! તારી ભવ્યતા તારા આરસપહાણમાં નહીં,
પણ આ ભોંયરામાં વહેલા અદૃશ્ય રક્તમાં જીવંત છે.'
પ્રુડેન્શિયસ બહુ સારી રીતે જાણતા હતા કે રોમની પ્રજા શારીરિક યુદ્ધો, હિંસા અને ગ્લેડિયેટર્સની રમતોની આશિક છે. જો આ પ્રજાને આધ્યાત્મિકતા શીખવવી હશે, તો માધ્યમ પણ એવું જ પસંદ કરવું પડશે. આથી તેમણે પશ્ચિમી સાહિત્યનું સૌપ્રથમ અને અદ્ભુત મનોવૈજ્ઞાનિક મહાકાવ્ય રચ્યું - `સાયકોમેકિયા' - `આત્માનું યુદ્ધ'. તેમણે લોકોને સમજાવ્યું કે સાચું કોલોઝિયમ બહાર નહીં, પણ માણસની ભીતર છે. એ ભીતરી યુદ્ધના રોમાંચને તેમણે આ રીતે શબ્દદેહ આપ્યો:
`કોલોઝિયમની રેતી પર ઢોળાતું રક્ત મેં બહુ જોયું,
પણ ખરી લડાઈ તો ભીતરના મેદાનમાં છે;
જ્યાં અહંકારની તલવાર સામે નમ્રતા ઊભી છે, અને ક્રોધના ભીષણ અગ્નિને
ક્ષમાના આંસુઓથી જ બુઝાવવાનો છે.'
પ્રુડેન્શિયસની સૌથી મોટી તાકાત એ હતી કે તેમણે ઈશ્વરને મંદિરો કે ચર્ચના ગુંબજોમાંથી મુક્ત કરીને સામાન્ય માણસના રસોડાં અને આંગણા સુધી પહોંચાડ્યો. તેમણે રચેલાં `કેથેમેરિનોન' - રોજિંદા પ્રહરનાં ગીતો આજે પણ સાહિત્યિક જગતમાં અજોડ છે. સવારે ઊઠવાથી લઈને, ભોજન કરતા પહેલાં અને રાત્રે સૂવા જતી વખતે સામાન્ય માણસની દરેક નિત્યક્રિયાને તેમણે પ્રાર્થનામાં ફેરવી નાખી. રોમની એ લાંબી અને અંધારી રાતોમાં જ્યારે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવતા, ત્યારે એ જ્યોતમાં ઈશ્વરની હાજરી જોતાં તેઓ લખે છે:
`હે પ્રકાશના સર્જનહાર, જ્યારે સૂર્ય ક્ષિતિજ પાર ડૂબી જાય છે,
અને પૃથ્વી પર રાતનો કાળો ઓછાયો
ઊતરે છે;
ત્યારે તું આ નાનકડા દીવાની જ્યોતમાં પ્રવેશીને,
મારા ભીતરના અંધકારને કેવો હળવેકથી હરી લે છે!'
રોમન સામ્રાજ્યના ઇતિહાસના ચોપડે પ્રુડેન્શિયસના અંતની કોઈ ચોક્કસ કે ભવ્ય નોંધ નથી મળતી. ઇતિહાસકારો માને છે કે ઈ.સ. 413 ની આસપાસ ક્યાંક આ મહાન જીવ ઈશ્વરમાં લીન થઈ ગયો. તેમના મૃત્યુની આ અસ્પષ્ટતા જ કદાચ તેમની કવિતાઓની સૌથી મોટી સાબિતી છે. જે માણસે સત્તાના શિખરેથી ઊતરીને ઈશ્વરના ચરણોમાં સ્વેચ્છાએ ગુમનામી સ્વીકારી લીધી હોય, તેના અંતની નોંધ ભલા જગતના ચોપડે શું કામ હોવી જોઈએ?
રોમન સામ્રાજ્યના એ આરસપહાણના મહેલો આજે ખંડેર બની ગયા છે. સમ્રાટોના નામ માત્ર પથ્થરો પર કોતરાયેલા રહી ગયા છે, પણ પ્રુડેન્શિયસના શબ્દો આજે પંદર સદીઓ પછી પણ જીવંત છે. જ્યારે પણ કોઈ માણસ પોતાની સત્તા, સંપત્તિ કે વ્યસ્તતાની દોડમાં હાંફીને ઘડીભર અટકે છે, ત્યારે પ્રુડેન્શિયસની કોઈ પંક્તિ તેના ખભે હાથ મૂકીને હળવેકથી કહે છે:
`બહારની દુનિયા જીતવી સહેલી છે દોસ્ત,
પણ ખરી મજા તો ભીતરના આતમને અજવાળવામાં છે.'