Sun Sep 06 2026

Logo

આસામમાં હિમંતા સરકારે વિધાનસભામાં રજૂ કર્યું યુસીસી બિલ, વિપક્ષે હોબાળો કર્યો

2026-05-25 16:33:29
Author: Chandrakant Kanoja
આસામમાં હિમંતા સરકારે વિધાનસભામાં રજૂ કર્યું યુસીસી બિલ, વિપક્ષે હોબાળો કર્યો

PTI


ગુવાહાટી : આસામમાં હિમંતા બિસ્વા શર્મા સરકારે સોમવારે વિધાનસભામાં યુસીસી( યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રજૂ કર્યું છે. આસામ કેબિનેટમાં આ બિલને બે અઠવાડિયા પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી. વિધાનસભામાં  સંસદીય બાબતોના મંત્રી અતુલ બોરાએ  યુનિફોર્મ સિવિલ કોડ- આસામ, બિલ, 2026 ગૃહમાં રજૂ કર્યું છે.  આ બિલ પર  27 મેના રોજ ચર્ચા થશે અને પસાર થવાની આશા છે. 

વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં હોબાળો કર્યો

જોકે, આ બિલ રજૂ કરાતા જ વિપક્ષના ધારાસભ્યોએ  ગૃહમાં હોબાળો કર્યો હતો. આ અંગે  વિપક્ષનો દલીલ છે કે બિલ રજૂ થતાં પૂર્વે તેમની સાથે ચર્ચા વિચારણા કરવાની જરૂર હતી. 

પ્રથમ કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી આપવામાં આવી

આ પૂર્વે 13 મેના રોજ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકમાં બિલને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ સરકારે જાહેરાત કરી હતી કે આ બિલ 21 મેએ શરૂ થનારા  ચાલુ વિધાનસભા સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપતાં, મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કેબિનેટે  યુનિફોર્મ સિવિલ કોડના  મુસદ્દાને મંજૂરી આપી છે. જે સત્રના અંતિમ દિવસે રજૂ કરવામાં આવશે.

પાંચ મુખ્ય મુદ્દાઓનું નિયમન કરશે

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ બિલનો ડ્રાફ્ટ આસામની વસ્તી વિષયક વિવિધતા અને સામાજિક માળખાને અનુરૂપ બનાવવામાં આવ્યો છે. આ નવો કાયદો મુખ્યત્વે પાંચ મુખ્ય મુદ્દાઓનું નિયમન કરશે.

ઉત્તરાખંડ અને ગુજરાતે યુસીસી બિલ લાગુ કર્યું 

આસામ વિધાનસભામાં આ આ બિલ મંજૂર થતા આસામ ઉત્તરાખંડ અને ગુજરાત પછી યુસીસી બિલ લાગુ કરનાર દેશનું ત્રીજું રાજ્ય બનશે. ઉત્તરાખંડે 2024 માં યુસીસી લાગુ કર્યું છે. જ્યારે  ગુજરાત વિધાનસભાએ માર્ચ 2026માં યુસીસી બિલ પસાર કર્યું હતું, જેનો ઉદ્દેશ મહિલાઓને કાનૂની રક્ષણ અને સમાનતા પૂરી પાડવાનો હતો.