Mon Oct 05 2026

Logo

ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારને આપી નોટિસ આપી, જાણો શું છે કારણ...

2026-09-19 20:48:39
Author: Vimal Prajapati
ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારને આપી નોટિસ આપી, જાણો શું છે કારણ...

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મતદાર યાદીની SIR પ્રક્રિયાને લઈને રાજકીય અને કાનૂની ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કાર્યાલય દ્વારા SIR પ્રક્રિયા હેઠળ અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના અન્ય ચાર સભ્યોને નોટિસ પાઠવવામાં આવી છે. હાલના ચૂંટણી રેકોર્ડ મુજબ, આ તમામના નામ અનમેપ્ડ SIR શ્રેણીમાં સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

SIR પ્રક્રિયા હેઠળ પરિવારના આ સભ્યોને મળી નોટિસ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, નોટિસ મેળવવામાં અરવિંદ કેજરીવાલ ઉપરાંત તેમના પત્ની સુનિતા કેજરીવાલ, પુત્ર પુલકિત કેજરીવાલ, તેમના માતા-પિતા ગોવિંદ રામ કેજરીવાલ અને ગીતા દેવીનું નામ સામેલ હોવાનું સામે આવ્યું છે. એટલે કે પરિવારના કુલ પાંચ સભ્યોને SIR હેઠળ નોટિસ આપવામાં આવી છે.

ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે આ તમામ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના એક ખાસ ભાગમાં આવતા એવા 110 મતદારોમાં સામેલ છે જેમને નોટિસ આપવામાં આવી છે. આ વિસ્તાર નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્ર હેઠળ આવે છે.

દિલ્હીમાં અત્યારે  મતદાર યાદીની સુધારણા માટે SIR પ્રક્રિયા ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલના પરિવારને નોટિસ આપવામાં આવી હોવાથી આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ પણ સવાલો ઉઠાવ્યા છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં પાર્ટીએ ચૂંટણી પંચને સવાલ કર્યો કે, ‘શું આ દેશમાં બધું માત્ર સર્વોચ્ચ નેતાને ખુશ રાખવા માટે જ થઈ રહ્યું છે? આ કેવી રીતે શક્ય છે કે દિલ્હીના ત્રણ વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના સભ્યોના નામ દિલ્હીની મતદાર યાદીમાંથી ગાયબ છે?. આ મુદ્દો હવે ફરી ચર્ચામાં આવશે અને રાજકીય માહોલ ગરમાઈ શકે છે.