Tue Oct 06 2026

Logo

અંજારના ભીમાસર તળાવમાં કેમિકલના પ્રકોપથી સેંકડો માછલીઓના મોત, GPCB એ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

2026-09-27 11:31:23
Author: Vimal Prajapati
અંજારના ભીમાસર તળાવમાં કેમિકલના પ્રકોપથી સેંકડો માછલીઓના મોત, GPCB એ સેમ્પલ લઈ તપાસ હાથ ધરી

ભુજ: અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામની સીમમાં આવેલા તળાવમાં સેંકડોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં સપાટી પર તરતી જોવા મળતાં સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મોટી માત્રામાં જળચરોના મોતની જાણ થતાં તળાવ કિનારે લોકોના ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.

કેમિકલના પ્રકોપથી પાણી ઝેરી બન્યુંઃ સ્થાનિકોનો આક્ષેપ

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, તળાવના કિનારે આવેલી ઔદ્યોગિક કંપનીઓ દ્વારા ચોમાસાના વહેણની આડમાં ટ્રીટમેન્ટ કર્યા વગરનું અત્યંત ઝેરી અને કેમિકલયુક્ત પાણી નાળામાં છોડી દેવાતાં તે તળાવમાં ભળી ગયું હતું. આ કેમિકલના પ્રકોપથી પાણી ઝેરી બની જતાં જળચરોનો મોટા પાયે સોથ વળી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે નર્મદાની મુખ્ય પાઇપલાઇન બંધ રહેતાં આ જ તળાવનું પાણી ગામમાં પીવા માટે સપ્લાય કરવામાં આવ્યું હતું. આવી ગંભીર બેદરકારીને કારણે ભવિષ્યમાં માનવ જિંદગી સામે પણ મોટો ખતરો ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે તપાસ શરૂ કરી

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. અધિકારીઓએ સ્થળ પરથી પાણીના ત્રણ સેમ્પલ એકત્ર કરી પૃથક્કરણ માટે ગાંધીનગર સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં એસડીએફ કંપની દ્વારા નાળામાં એસિડિક પ્રવાહી છોડાયું હોવાની વિગતો સામે આવતાં તંત્ર દ્વારા આ અંગે ગાંધીનગર વડી કચેરીને રિપોર્ટ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરી પર્યાવરણને નુકસાન પહોંચાડતી કંપની સામે કડક ફોજદારી પગલાં ભરવાની માગણી કરી છે.

(ઉત્સવ વૈદ્ય)