Tue Oct 06 2026

Logo

વાસણોની આડમાં દારૂનો ખેલ ખતમ! આણંદ પોલીસે રૂ. 84 લાખના મુદ્દામાલ સાથે હરિયાણાના બે શખ્સોને દબોચ્યા

2026-09-26 22:12:45
Author: Devayat Khatana
વાસણોની આડમાં દારૂનો ખેલ ખતમ! આણંદ પોલીસે રૂ. 84 લાખના મુદ્દામાલ સાથે હરિયાણાના બે શખ્સોને દબોચ્યા

આણંદ:  જિલ્લામાં ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. LCBને બાતમી મળી હતી કે, નડિયાદ તરફથી આણંદ તરફ આવતી એક સફેદ રંગની ટાટા કન્ટેનર ટ્રકમાં હોમ એપ્લાયન્સના સામાનની આડમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે.

આ બાતમીના આધારે LCBના PSI અને તેમની ટીમે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર રાવળાપુરા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી કન્ટેનર ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકના ચાલકે પોલીસ સમક્ષ હોમ એપ્લાયન્સના સામાનની બિલ્ટી રજૂ કરી હતી, પરંતુ પોલીસે કન્ટેનરનો દરવાજો ખોલીને ઝીણવટભરી તપાસ કરતાં અસલી હકીકત બહાર આવી હતી.

તપાસ દરમિયાન વન્ડરશેફ કંપનીના સ્ટેનલેસ સ્ટીલ વાસણોના બોક્સની આડમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 290 પેટીઓ મળી આવી હતી, જેમાં 8,592 નંગ બોટલોનો સમાવેશ થાય છે. પોલીસે રૂ. 44,58,150 ની કિંમતનો દારૂ જપ્ત કર્યો છે. આ ઉપરાંત રૂ. 15 લાખનું ટ્રક કન્ટેનર, બે મોબાઇલ ફોન અને બિલ્ટી મુજબનો અન્ય સામાન મળીને કુલ રૂ. 84,32,510 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ પ્રકરણમાં પોલીસે હરિયાણાના નુહૂ જિલ્લાના ફિરોઝપુર ઝિરકા તાલુકાના રહેવાસી મુખત્યાર હાકમ દરાબ મેઉ અને રૂકમુદ્દીન સદ્દીક કમલા મેઉ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કાવતરામાં સંડોવાયેલા ઈરફાનખાન જામીલ અને સદ્દામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરાઈ છે.