Tue Oct 06 2026

Logo

હાઈવે પર હજારો લીટર દૂધ ઢોળાયું! ટેન્કર પલટતાં દૂધ ભરવા લોકોની ભારે પડાપડી; બે કલાક સુધી ચક્કાજામ

2026-09-22 17:06:58
Author: Mumbai Samachar Team
હાઈવે પર હજારો લીટર દૂધ ઢોળાયું! ટેન્કર પલટતાં દૂધ ભરવા લોકોની ભારે પડાપડી; બે કલાક સુધી ચક્કાજામ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી પસાર થતા મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક જાણીતી બ્રાન્ડનું હજારો લિટર દૂધ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક ડિવાઈડર સાથે અથડાઈને હાઈવે પર પલટી મારી ગયું હતું. આ અકસ્માતને પગલે હજારો લિટર દૂધ રસ્તા પર વહી જતાં જોતજોતામાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ટેન્કર પલટી જતાં જ આસપાસના સ્થાનિક ગ્રામજનો અને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો ઘરમાંથી વાસણો, ડોલ અને કેન લઈને દૂધ એકત્ર કરવા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ગુજરાતથી વિરાર જઈ રહ્યું હતું ટેન્કર:

મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, દૂધ ભરેલું આ ટેન્કર ગુજરાત તરફથી વિરાર જઈ રહ્યું હતું. પાલઘરના તાવા નજીક ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર રોડ ડિવાઈડર સાથે જોરદાર અથડાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે ટેન્કર લેન ક્રોસ કરીને બીજી તરફ પલટી ખાઈ ગયું હતું. અથડામણના કારણે ટેન્કરના સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટમાં મોટું ગાબડું પડ્યું હતું, જેથી અંદર ભરેલું હજારો લિટર દૂધ હાઈવે પર રેલાઈ ગયું હતું.

વાસણો, ડ્રમ અને બોટલો લઈને દૂધ ભરવા માટે પડાપડી:

દુર્ઘટનાના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત થતાં જ સ્થાનિક લોકો પ્લાસ્ટિકની બોટલો, મોટા ડ્રમ, કેન અને ઘરવપરાશના તપેલાં લઈને રસ્તા પર વહેતું દૂધ ભરવા દોડી આવ્યા હતા. લોકોની પડાપડી વચ્ચે સ્થાનિક પોલીસ અને હાઈવે પેટ્રોલિંગ ટીમને સ્થિતિ નિયંત્રિત કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

મુંબઈ-અમદાવાદ હાઈવે પર બે કલાક ટ્રાફિક જામ:

ટેન્કર રસ્તાની વચ્ચે પલટી ગયું હોવાથી અને દૂધ ભરવા માટે લોકોની ભીડ ઉમટી પડતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લગભગ બે કલાક સુધી નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. ત્યારબાદ ક્રેનની મદદથી પલટી ગયેલા ટેન્કરને બાજુ પર ખસેડીને રસ્તો ક્લિયર કરીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.