Tue Oct 06 2026

Logo

સાવરકુંડલા: આહીર સમાજની પરિણીતાને ભગાડી જનાર યુવકનો વીડિયો વાયરલ કર્યા બાદ કરપીણ હત્યાથી ચકચાર

2026-05-01 14:16:00
Author: Mayur Patel
સાવરકુંડલા: આહીર સમાજની પરિણીતાને ભગાડી જનાર યુવકનો વીડિયો વાયરલ કર્યા બાદ કરપીણ હત્યાથી ચકચાર

અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે  એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આહીર સમાજની પરિણીત મહિલા સાથેના પ્રેમ સંબંધમાં યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો. વિરલભાઈ રમેશભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦) એ વિજયભાઈ ઉફૅ રાકેશ દાનાભાઈ નકુમ,તરુણ બાંભણીયા તથા  અમિત હડીયાસામે ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેના નાના ભાઈને આહીર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. થોડા સમય પૂર્વે તેનો ભાઈ આ મહિલાને સુરતથી ભગાડી ગયો હોવાથી આરોપીઓએ આ બાબતનું વેર વાળવા કાવતરું ઘડ્યું હતું. આરોપીઓએ તેના ભાઈને શોધી કાઢ્યો હતો અને તેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ માર માર્યો હતો. જેમાં તેના ભાઈનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ યુવકના મૃતદેહને બાઢડા સ્થિત વિરાણી હાઈસ્કૂલ પાછળ આવેલી એક પડતર જગ્યામાં ફેંકીને નાસી છૂટ્યા હતા.

થોડા દિવસ પહેલા આરોપી તરુણ બાંભણીયાએ મૃતકને નીચે બેસાડી આહીર સમાજની પરિણીતાને ભગાડવા બદલ માફી મંગાવતો વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં યુવકે બે હાથ જોડી સમાજની માફી માંગી હતી. તરુણ બાંભણીયાએ વીડિયોમાં કહ્યું કે, આ યુવકને 27 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તે હાજર ન થતાં અમદાવાદથી શોધી કાઢવામાં આવ્યો હતો. સમાજની દીકરીને જે પણ ભગાડીને લઈ જશે તેને છોડવામાં આવશે નહીં. ઉપરાંત મૃતકના ભાઈ અને માતા પર દબાણ લાવીને એક અન્ય વીડિયો પણ બનાવ્યો હતો.

પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ ચલાવી રહી છે.  પોલીસ તપાસ દરમિયાન બીજા અન્ય નામો પણ ખૂલી શકે છે. આ તપાસ સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈને વીડિયો વાયરલ કર્યા બાદ થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.