Fri Jul 24 2026

Logo

અમરનાથ યાત્રા પૂર્વે ફિટનેસ ચકાસણી અનિવાર્ય: ભુજમાં હેલ્થ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાનો પ્રારંભ

2026-04-21 12:31:00
Author: Mayur Patel
Article Image

ભુજઃ પવિત્ર અમરનાથ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાના પ્રથમ અને મહત્વપૂર્ણ તબક્કા સમાન 'ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ' મેળવવાની પ્રક્રિયા હવે વેગવંતી બની છે. સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવેલી જી.કે જનરલ હોસ્પિટલ પરિસરમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જનની કચેરી દ્વારા યાત્રાળુઓની સ્વાસ્થ્ય ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આર.એમ.ઓ. જયદીપસિંહ ઝાલાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત ૧૫ એપ્રિલથી આરોગ્ય ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ પ્રતિદિન સરેરાશ ૫ થી ૭ શ્રદ્ધાળુઓ ફોર્મ ભરવાની સાથે જરૂરી મેડિકલ રિપોર્ટ્સ કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી ૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા ૨૮ ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

યાત્રાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ દ્વારા ચોક્કસ નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. નિયમ મુજબ, ૧૩ વર્ષથી ઓછી અને ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ આ યાત્રામાં જોડાઈ શકશે નહીં. આ ઉપરાંત, સગર્ભા મહિલાઓ માટે પણ યાત્રા સંદર્ભે નિયમોનું પાલન કરવાનું રહેશે.

હેલ્થ સર્ટિફિકેટ મેળવવા માટે શ્રદ્ધાળુઓએ સૌ પ્રથમ અધિકૃત વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. ત્યારબાદ સિવિલ સર્જન કચેરી ખાતે પોતાની વ્યક્તિગત વિગતો અને સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી નોંધાવવી પડે છે. જેમાં બ્લડ ગ્રુપ, ઓળખ ચિહ્ન સહિત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, દમ, હૃદયરોગ, પેરાલિસિસ કે હાઈ એલ્ટિટ્યુડ (ઊંચાઈ) સંબંધિત તકલીફોની વિગતો આપવી અનિવાર્ય છે. વિવિધ તબીબી પરીક્ષણો બાદ શારીરિક રીતે સક્ષમ જણાતા યાત્રાળુઓને ડૉક્ટર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે, જેના આધારે જ યાત્રાનું રજીસ્ટ્રેશન શક્ય બને છે. 

(ઉત્સવ વૈદ્ય)