અલ્પાબહેન - વિપુલભાઈ
- ગિરિરાજ
આપણા સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ હોય છે જે કોઈ અતિ મહાન વિભૂતિ કે બહુ મોટી સેલિબ્રિટી નથી હોતી, પરંતુ પોતાના સરળ સ્વભાવ, પરિશ્રમ, સંસ્કાર અને ઈશ્વર પ્રત્યેની અખંડ શ્રદ્ધાથી પોતાના પરિવાર અને સમાજમાં એક સુંદર ઉદાહરણ પૂરું પાડતી હોય છે. આવા જ એક મહેનતુ અને શ્રદ્ધાળુ મહિલા એટલે અલ્પાબેન નાગડા. એક એવું વ્યક્તિત્વ જેણે બાળપણથી મેળવેલા સંસ્કારો, મા અંબા પ્રત્યેની અગાઢ શ્રદ્ધા અને પરિવાર તરફથી મળેલા સેવા વારસાને પોતાના જીવનનો મુખ્ય આધાર બનાવ્યો છે. મુંબઈ જેવા મહાનગરમાં ઉછરેલી અને બિઝનેસ ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરનારી આ મહિલા પ્રતિભાનું હૃદય હંમેશાં ગોધરાસ્થિત `અંબેધામ' અને ત્યાં ચાલતી માનવસેવામાં ધબકે છે.
અલ્પાબહેનનો જન્મ અને ઉછેર મુંબઈમાં. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ. પિતા ભાઈલાલ મેઘજી છેડા તરફથી સાદગી અને માનવીય મૂલ્યોનો વારસો મળ્યો અને માતાએ વ્યવહા અને જીવનઉપયોગી પાઠ ભણાવ્યા. બાળપણથી ધર્મ અને ભક્તિ તરફ સહજ લગાવ રહ્યો હોવાથી ત્રીજા ધોરણમાં ભણતી દીકરી અલ્પા અંબા ચાલીસા, ચામુંડા ચાલીસા અને અન્નપૂર્ણા મંત્રના જાપ, આરતી કંઠસ્થ રટતી અને આ બાળસંસ્કારો જ આગળ જતાં તેના આધ્યાત્મિક નિયમોનો આધાર બન્યા. આજે પણ મા પ્રત્યેની શ્રદ્ધા દૃઢ છે. જીવનમાં ગમે તેવી મુશ્કેલી કે કટોકટી આવે, મા અંબા સમક્ષ સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી માર્ગ સરળ બની જાય છે. જૂન 2014થી બેને અંબેધામ ખાતે પૂનમ ભરવાનો અખંડ નિયમ શરૂ કર્યો છે. આ આસ્થાથી પ્રેરાઈને અન્ય શ્રદ્ધાળુઓ પણ આ ધાર્મિક પ્રવાસમાં જોડાતા હોય છે. અલ્પાબેન કહે છે કે: `માના ખોળામાં બેસું ત્યારે જે શાંતિ અને આભાસ થાય છે, તે વર્ણવી શકાય તેમ નથી. મારી મા પાસે બસ એ જ પ્રાર્થના છે કે મારો આવતો જન્મ પણ મને આ જ માના ખોળામાં મળે તો મારું જીવન ધન્ય થઈ જાય.'
વિપુલભાઈ શાંતિલાલ નાગડા સાથે તેના લગ્નજીવનને 26 વર્ષ પૂર્ણ થયાં છે, પરંતુ વિવાહ બંધન પાછળ પણ એક આધ્યાત્મિક પ્રસંગ જોડાયેલો છે. જૈન ભક્તિ ઉત્સવ દરમિયાન મહારાજ સાહેબે શાંતિલાલ નાગડા પરિવારના પરોપકારી કાર્યોની અને તેમના પુત્ર સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકેલો જે આશીર્વાદ બની પરિણયમાં પરિણમ્યા હતા. એક સિદ્ધાંતવાદી અને શ્રદ્ધાળુ વ્યક્તિત્વ ધરાવતા સસરા; મૂળ ગોધરા (કચ્છ)ના વતની પણ વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી થયેલા પરિવારનો સંઘર્ષ અલ્પાબહેને નિહાળેલો. સાસુ પાસેથી `સમતા' જાળવવાની કળા અને સસરા પાસેથી કામ પ્રત્યેનું `સાહસ' શીખ્યા. પર્સનો બિઝનેસ. શાંતિલાલભાઈનું એક સપનું હતું કે પોતાના વતન ગોધરામાં મા અંબાનું મંદિર બનાવવું. સાઈકલ પર ફેરી કરતા કરતા વેપારમાં જે કંઈ પણ નાની-મોટી બચત થતી એ તે મંદિર નિર્માણ માટે અકબંધ રાખી દેવાતી. જે 35 વર્ષ પહેલાં એક નાનકડા મંદિર તરીકે અંબેધામની સ્થાપનામાં પરિણમી.
વર્ષ 1991માં એક નાના મંદિર તરીકે શરૂ થયેલું અંબેધામ આજે 21 એકરમાં ફેલાયેલું છે. અહીં ચાલી રહેલી સેવા અને સંસ્કૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ મુખ્યત્વે બે સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે: `જય અંબે સાર્વજનિક ટ્રસ્ટ' (મંદિર સંચાલન) અને `મા અન્નપૂર્ણા સાર્વજનિક ટ્રસ્ટ' (અન્નક્ષેત્ર અને સેવાકાર્યો). બે પુત્રીઓ છે, પરંતુ `ગરીબી કે ભૂખ શું વસ્તુ છે' અને `અન્નનું મહત્ત્વ શું છે' તેનો વાસ્તવિક અનુભવ કરાવવા માટે અલ્પાબહેન અને વિપુલભાઈ દર દિવાળી વેકેશનમાં પોતાની બંને દીકરીઓને મુંબઈથી ગોધરા અંબેધામ લાવે છે. ત્યાં દીકરીઓ પોતાના હાથે અન્નક્ષેત્રમાં લોકોને ભોજન પીરસે છે અને સેવાનો પ્રત્યક્ષ અહેસાસ મેળવે છે.
એક ગૃહિણી તરીકે ઘરની જવાબદારીઓ સંભાળવાની સાથે સાથે અલ્પાબહેને તાજેતરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે કદમ માંડ્યા છે, જેના સંચાલનમાં તે પોતાની ક્ષમતા અનુસાર કામ કરી રહ્યા છે. અલ્પાબહેનનું જીવન એ વાતની પ્રતીતિ કરાવે છે કે વ્યક્તિએ પોતાના મૂળ અને સંસ્કારોને ક્યારેય ભૂલવા ન જોઈએ. મુંબઈ જેવા મોટા શહેરમાં રહેવા છતાં, પોતાના પરિવારના સેવાકાર્યોમાં સાથ આપવો, નિષ્ઠાપૂર્વક વેપાર કરવો અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવી; આ સાદો અને સરળ અભિગમ જ વ્યક્તિના જીવનની સાચી ઓળખ છે.