ભુજઃ કચ્છમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ ગરમાયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે એક પત્રકાર પરિષદ સંબોધીને શાસક પક્ષ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને ભાજપ સત્તાના જોરે પોલીસ પ્રશાસન તેમજ ઉદ્યોગપતિઓનો ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા દબાણ કરી રહી છે.
કોંગ્રેસ પ્રમુખે ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતની બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોને રૂ.૩૦ થી રૂ ૩૫ લાખ સુધીની લાલચ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, પોલીસ અધિકારીઓ ઉમેદવારોના ઘર સુધી પહોંચીને ભાજપની સૂચના મુજબ ફોર્મ પાછા ખેંચવા ધાકધમકી આપી રહ્યા છે. ભાજપને ફાયદો કરાવવા માટે મુસ્લિમ ઉમેદવારો પાસે અપક્ષ ફોર્મ ભરાવી મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ પણ વહીવટી તંત્રની મદદથી થઈ રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
વી.કે હુંબલે વધુમાં ઉમેર્યું કે, "મેં કેટલાક ઉદ્યોગપતિઓ સાથે વાત કરી ત્યારે તેમણે કબૂલ્યું હતું કે સરકારના દબાણ અને મજબૂરીને કારણે તેઓએ મંગળવારની મોડી રાત્રિ સુધી કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવાના પ્રયાસો કરવા પડ્યા હતા." તેમણે અંજારની વીરા તાલુકા પંચાયત બેઠકનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આહીર સેનાના પ્રમુખ દીપક કોઠીવાડ દ્વારા જે ઉમેદવાર મુકાયા હતા, તેમનું ફોર્મ અંતિમ ક્ષણે પાછું ખેંચાવી કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે, જે આહીર સમાજની ગરિમાને ઠેસ પહોંચાડનારી ઘટના છે.
ભચાઉ તાલુકાની મોટી ચીરઈ જિલ્લા પંચાયત અને અન્ય તાલુકા પંચાયતની બેઠકો જે ભાજપે બિનહરીફ જાહેર કરી છે, તેમાં રૂ.૪૦ થી રૂ.૫૦ લાખનો વહીવટ થયો હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. હુંબલે સવાલ ઉઠાવ્યો હતો કે, જો ભાજપ વિકાસના દાવા કરતું હોય તો તેમને કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવાની જરૂર કેમ પડી?
આટલા અવરોધો હોવા છતાં, કોંગ્રેસ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કચ્છના જાગૃત નાગરિકો ભાજપના આ સત્તાના દુરુપયોગને જોઈ રહ્યા છે અને આગામી પરિણામોમાં કોંગ્રેસ જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ભવ્ય વિજય મેળવી સત્તા સ્થાપશે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ રામદેવસિંહ જાડેજા, લાખાજી સોઢા, ગની કુંભાર, પ્રગ્નેશ ચોથાણી, અંજલી ગોર, હરેશ આહીર સહિતના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(ઉત્સવ વૈદ્ય)