પોતાના મૃત્યુની ખાતરી કરાવવા મેળ ખાતા કદકાઢીનો યુવાન શોધ્યા પછી તેની હત્યા કરીને શબ કાર સાથે સળગાવી દીધું: જોકે પોલીસને શંકા જતાં ભાંડો ફૂટી ગયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાખોનું દેવું અને સ્ત્રીમિત્રથી પીછો છોડાવવા અકોલાના રહેવાસીએ પોતાના જ મોતનો ભયંકર ડ્રામા રચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાની ખાતરી કરાવવા પોતાના કદકાઢી સાથે મેળ ખાતા યુવાનને શોધી કાઢ્યા પછી તેની હત્યા કરી હતી. બાદમાં તેના શબને પોતાની કાર સાથે સળગાવી નાખ્યું હતું. જોકે પોલીસની ચતુરાઈપૂર્વકની તપાસમાં આરોપીનો ભાંડો ફૂટી જતાં પોલીસે ત્રણ જણની ધરપકડ કરી હતી.
જાલના જિલ્લાની જાફરાબાદ પોલીસે ધરપકડ કરેલા ત્રણેયની ઓળખ નીતિન પ્રભાકર ગવળી, અમિત રાજુ ફુલારે અને આકાશ સુધાકર ગવળી તરીકે થઈ હતી. કોર્ટે ત્રણ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે.જાફરાબાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર સતીશ જાધવે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મુખ્ય આરોપી નીતિન ગવળીએ વિવિધ બૅન્કોમાંથી સાતથી આઠ લાખ રૂપિયાની લોન લીધી હતી. એ સિવાય તેણે અન્ય લોકો પાસેથી પણ કરજ લીધું હતું. તેના માથે 15થી 17 લાખ રૂપિયાનું દેવું હતું.
નીતિનનું નાશિકની એક મહિલા સાથે અફૅર હોવાની જાણ થયા પત્ની પત્ની તેને છોડીને પિયર રહેવા જતી રહી હતી. બીજી બાજુ લિવ-ઈનમાં રહેતી મહિલા નીતિનને સતત ત્રાસ આપતી હતી. દેવું અને મહિલાથી પીછો છોડાવવા નીતિેને ભયાનક ષડ્યંત્ર રચ્યું હતું. આ માટે તેણે પોતાના સગા આકાશ અને મિત્ર અમિતને પણ કાવતરામાં સામેલ કર્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ નીતિને પાંચ લાખ રૂપિયાની લાલચ આપીને અમિતને તેના જેવો શારીરિક બાંધો ધરાવતા યુવાનને શોધી કાઢવાનું કહ્યું હતું.
અમિતે ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં નાશિકમાં રહેતા સંદીપ ચૌહાણને ટાર્ગેટ કર્યો હતો. કાવતરાને અંજામ આપવા નીતિને એક કાર પણ ખરીદી હતી. પછી ગામ જવાને બહાને અને નોકરી અપાવવાની લાલચે 31 મેની રાતે સંદીપને સાથે આવવા મનાવી લીધો હતો. રસ્તામાં તેને દારૂ પણ પીવડાવવામાં આવ્યો હતો.
મધરાતે એકાદ વાગ્યાની આસપાસ કાર જાલનાના ગોપી શિવાર પરિસરમાં પહોંચી ત્યારે ગળું દબાવીને સંદીપની હત્યા કરવામાં આવી હતી. બાદમાં નીતિનની કારની ડ્રાઈવિંગ સીટ પર સંદીપના મૃતદેહને ગોઠવવામાં આવ્યો હતો. એક ઝાડ નજીક કાર પર પેટ્રોલ રેડી આગ ચાંપવામાં આવી હતી. આગને કારણે કાર અને મૃતદેહ સંપૂર્ણપણે સળગી ગયા હતા.કાવતરાને અંજામ આપ્યા પછી નીતિન અકોલા જતો રહ્યો હતો, જ્યારે અમિત અને આકાશે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. બન્નેએ પોલીસને કહ્યું હતું કે અમે બીજી કારમાં આવતા હતા, જ્યારે અમારી આગળ નીતિન કારમાં જઈ રહ્યો હતો. કાર ઝાડ સાથે અથડાવાની સાથે સળગી ઊછી હતી, જેમાં નીતિનનું મૃત્યુ થયું હતું.
ઈન્સ્પેક્ટર જાધવે જણાવ્યું હતું કે ઘટનાસ્થળના નિરીક્ષણ, કારની અવસ્થા અને આરોપીએ જણાવેલું અકસ્માતનું વર્ણન સાંભળી શંકા ગઈ હતી. પુરાવા સાથે પૂછપરછ કરતાં અમિત અને આકાશે હકીકત જણાવી હતી. નીતિને 20 લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. વીમાની રકમ મેળવવા અને દેવું તથા મહિલાથી પીછો છોડાવવા આ યોજના બનાવી હતી.