Tue Oct 06 2026

Logo

આખરે અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ફરિયાદ દાખલ

2026-03-13 20:02:37
Author: Mumbai Samachar Team
આખરે અજિત પવારના પ્લેન ક્રેશ મામલે ફરિયાદ દાખલ

અહિલ્યાનગર: બારામતી એરપોર્ટ પર અજિતદાદાના થયેલા વિમાન અકસ્માત મામલે શિરડી પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રવાદી શરદ પવાર પક્ષના પદાધિકારીઓએ ફરિયાદ નોંધાવી છે. 

શરદ પવાર જૂથે આક્ષેપ કર્યો હતો કે, અજિત પવારના વિમાનનો અકસ્માત થયો નહતો, આ એક કાવતરું હતું. આ મામલે સંબંધિત વિમાન કંપની અને આ કાવતરામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથ દ્વારા કરવામાં આવી હતી.

૨૮ જાન્યુઆરીના થયેલી વિમાન દુર્ઘટનાની પૃષ્ઠભૂમિમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર પક્ષના પદાધિકારી સુધીર રાવસાહેબ મ્હસ્કેએ સંબંધિત લોકો સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી હતી અને આ અંગે શિરડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી છે. તેમ જ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આ અરજી દ્વારા કરવામાં આવી છે.

ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ક્રેશ થયેલા વિમાનની ટેકનિકલ સ્થિતિ ઉડાન માટે યોગ્ય નહોતી અને સલામતીના નિયમોની અવગણના કરીને અને જરૂરી નિરીક્ષણ કર્યા વિના વિમાનને ઉડાન ભરવા દેવામાં આવ્યું હતું.