નવી દિલ્હી: એર ઇન્ડિયાને બોઇંગ 787 એરક્રાફ્ટમાં દરવાજા સબંધિત ફરિયાદ મળી છે. જેની બાદ તેના ઉકેલ માટે એર ઈન્ડિયાએ પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)દ્વારા એરવર્થનેસ નિર્દેશ જાહેર કર્યા છે. તેની બાદ એર ઇન્ડિયાએ આ પગલું ભર્યું છે.
ચોક્કસ મોડેલો માટે આ નિર્દેશો ઇસ્યુ કર્યા
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ મહિનાની શરૂઆતમાં બોઇંગ 787-8, 787-9 અને 787-10 ના ચોક્કસ મોડેલો માટે આ નિર્દેશો ઇસ્યુ કર્યા હતા.
આ મોડલ્સમાં જરૂરી ફેરફારો કરવા જણાવ્યું
આ અંગે મળતી માહિતી મુજબ ફ્લાઇટના પ્રી-ટેક-ઓફ ચેક દરમિયાન એરક્રાફ્ટના ડોર સપોર્ટ બ્રેકેટમાં ફીટ કરાયેલા ડોર આસિસ્ટ હેન્ડલનો નીચેનો ભાગ ઢીલો પડી જવાની ફરિયાદો બાદ આ સૂચનાઓ આપવામાં આવી છે. FAA એ એરલાઇન કંપનીઓને આ મોડલ્સમાં જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે.
એર ઈન્ડિયા પાસે હાલમાં 35 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ
આ અંગે જાણવા મળ્યા મુજબ હેન્ડલને અલગ કરવાથી દરવાજો ખોલતી વખતે મુસાફરો, ક્રૂ મેમ્બર અથવા મેઇન્ટેનન્સ ટીમને ઇજા થવાનું જોખમ રહેલું છે. એર ઈન્ડિયા પાસે હાલમાં 35 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ છે.
એર ઇન્ડિયા કે બોઇંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન નહિ
સૂત્રોએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના નિર્દેશથી વાકેફ છે.આ નિર્દેશ અનુસાર તબક્કાવાર રીતે જરૂરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેમાં કેટલાક જૂના વિમાનો પર કામ પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે એર ઇન્ડિયા કે બોઇંગ તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.