Thu Jul 23 2026

Logo

અમદાવાદ-વેરાવળ વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાતા સુરેન્દ્રનગર-રાજકોટમાં ભારે રોષ! છેક દિલ્હી સુધી કરાઇ રજૂઆત

2026-06-26 09:32:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદઃ તાજેતરમાં જ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદના સાબરમતીથી વેરાવળ તરફ દોડતી 26901/26902 વંદે ભારત ટ્રેનના રૂટમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી હતી. પહેલાં આ ટ્રેન સાબરમતીથી ઉપડીને વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ થઈને વેરાવળ જતી હતી. પરંતુ હવે રેલવેએ ટ્રેનના રૂટમાં ફેરફાર કરીને સાબરમતીથી ગાંધીગ્રામ, ધોળકા, બોટાદ, ઢસા, જૂનાગઢ અને વેરાવળ તરફથી ચલાવવાની મંજૂરી આપી છે. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

મળતી વિગતો અનુસાર, રેલવે વિભાગ દ્વારા સાબરમતી અને વેરાવળ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના રૂટને બદલવાની  મંજૂરી આપવાના નિર્ણય અંગે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ જિલ્લાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ સામાન્ય મુસાફરોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. આ બાબતે ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છેક દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કે આ રૂટ પર તાત્કાલિક ટ્રેન સેવા ફરીથી શરૂ કરવામાં આવે.

કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર અને રાજકોટ થઈને ખૂબ સારી રીતે ચાલી રહી હતી. જેનો સીધો લાભ સૌરાષ્ટ્ર અને ઝાલાવાડ પંથકના હજારો વેપારીઓ, ઉદ્યોગકારો, દૈનિક મુસાફરો તેમજ સોમનાથ જતાં શ્રદ્ધાળુઓને મળી રહ્યો હતો. પણ તાજેતરમાં જ રેલવેએ આ ટ્રેનનો રૂટ બદલી નાખીને તેને  અમદાવાદના ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા તેમજ બોટાદ, ઢસા અને જૂનાગઢથી વેરાવળ તરફ જવાની મંજૂરી આપવામાં આવતા સુરેન્દ્રનગર, રાજકોટના હજારો લોકોને ફટકો પડ્યો છે. 

અરજીમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટ ડિવિઝન અને સુરેન્દ્રનગર જિલ્લાને નવી ટ્રેન સેવાનો લાભ મળે તે માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે પણ તે દિશામાં ખાસ કોઈ સંતોષકારક કામગીરી થઈ નથી, આ સમયે એક ચાલુ ટ્રેનને ડાયવર્ટ કરી દેવાના તંત્રના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ સાથે તેમણે એવી પણ માંગ કરી છે કે અઠવાડિયાના અમુક દિવસો દરમિયાન ટ્રેનને અમદાવાદ-વિરમગામ-રાજકોટ થઈને તો અમુક દિવસો દરમિયાન અમદાવાદ-ઢસા-જૂનાગઢ થઈને ચલાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.