અમદાવાદઃ વટવા વિસ્તારમાં બનેલી એક અત્યંત ચકચારી ઘટનામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે મોટો અને કડક ચુકાદો આપ્યો છે. 14 વર્ષની સગીરાનું અપહરણ કરી, તેને દેશના અલગ-અલગ રાજ્યોમાં બંધક બનાવી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. સ્પેશિયલ પોક્સો અદાલતે મુખ્ય આરોપી કિશન મોહનભાઈ ચૌહાણ, તેના કાકા અજીતકુમાર રામબડાઈ પ્રસાદ અને કાકાના મિત્ર જ્ઞાનદેવ બનારસી માંઝીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે લીગલ સર્વિસીસ ઓથોરિટીને પીડિતાના પુનર્વસન માટે રૂપિયા 5 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
કેસની વિગતે વાત કરવામાં આવે તો, 23 માર્ચ 2022ના રોજ વટવા વિસ્તારમાં રહેતી 14 વર્ષ અને 7 મહિનાની એક સગીરા શાળાએ ગયા બાદ અચાનક ગુમ થઈ ગઈ હતી. દીકરી ન મળતા પરિવારે વટવા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, મૂળ બિહારનો વતની અને વટવામાં રહેતો કિશન ચૌહાણ સગીરાને ડરાવી-ધમકાવીને તેમજ લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો.
પોલીસથી બચવા સગીરાને 5 રાજ્યોમાં ફેરવી, પીડિતા બની ગર્ભવતી
મુખ્ય આરોપી કિશન સગીરાને લઈને પોલીસ પકડથી બચવા માટે સતત સ્થાન બદલતો રહ્યો હતો. તે પીડિતાને કર્ણાટક, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિવિધ રાજ્યોમાં ફેરવતો રહ્યો અને અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કર્યું હતું. આ સતત શોષણના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે બિહારના મેરવા વિસ્તારની એક સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. આ અંગેની જાણ થતાં પીડિતાના પરિવારજનો તાત્કાલિક બિહાર પહોંચ્યા હતા અને દીકરીને આરોપીની ચુંગાલમાંથી મુક્ત કરાવી અમદાવાદ લાવ્યા હતા.
ગુનામાં કાકા અને મિત્રએ કરી હતી મદદ
પોલીસની તપાસમાં બહાર આવ્યું કે કિશનને કાયદાના સિકંજામાંથી બચાવવા માટે તેના કાકા અજીતકુમાર પ્રસાદ અને તેના મિત્ર જ્ઞાનદેવ માંઝીએ પૂરેપૂરો સાથ આપ્યો હતો. આ બંને જણાએ આરોપીને નાણાકીય સહાય પૂરી પાડી હતી અને પોલીસથી કેવી રીતે બચવું તેનું સતત માર્ગદર્શન આપ્યું હતું, જેથી કોર્ટે આ બંનેને પણ ગુનામાં સમાન ભાગીદાર ગણી સજા ફટકારી છે.
19 સાક્ષીઓ અને મજબૂત પુરાવાને આધારે સજા
આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ કમલેશ જૈન અને દિલીપસિંહ ઠાકોરે ધારદાર દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ 19 મહત્વના સાક્ષીઓ અને મજબૂત દસ્તાવેજી પુરાવા રજૂ કરીને ગુનો સાબિત કર્યો હતો. સરકારી પક્ષે રજૂઆત કરી હતી કે સમાજમાં કાયદાનો ડર કાયમ રહે અને આવા કૃત્યો અટકે તે માટે ગુનેગારોને કડક સજા થવી અનિવાર્ય છે. સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે તમામ પુરાવા અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને 20 વર્ષની જેલની સજા સંભળાવી છે. જોકે, આ કેસનો મુખ્ય આરોપી કિશન ચૌહાણ હાલમાં ફરાર હોવાનું સામે આવ્યું છે, જેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.